આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની મુખ્યમંત્રીએ કરી જાહેરાત, નાના વેપારીઓ, રિક્ષા ચાલકો અને ફેરીયાઓને મળશે 2 ટકા વ્યાજે લોન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનના કારણે મંદ પડેલા અર્થતંત્રને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારતની વાત કરતા 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જેના પગલે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે. આ યોજના અંતર્ગત બેંકો અરજીના આધારે લોન પાસ કરશે અને એક લાખ રૂપિયાની લોન બે ટકાના વાર્ષિક વ્યાજે મળશે. આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા નાના વેપારીઓ, મધ્યમવર્ગની વ્યક્તિઓ, વ્યક્તિગત કારીકરો, શ્રમિક વર્ગને બિનતારણ ધિરાણ ઉપર વ્યાજ સહાય માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

8 ટકાના દરે મળશે લોન, 6 ટકા વ્યાજ સરકાર ચૂકવશે

– રાજ્યની સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીઓ ફક્ત 8 ટકાના વ્યાજ દરે રૂપિયા 1 લાખ સુધીનું ધિરાણ આપશે.

– રાજ્ય સરકરાર દ્વારા લાભાર્થીના લોન ખાતામાં વાર્ષિક 6 ટકા વ્યાજ સહાય જમા કરવામાં આવશે.

– ધિરાણ લેના લાભાર્થીએ માત્ર વાર્ષિક 2 ટકા વ્યાજ ભરવાનું રહેશે.

– આ ધિરાણ લાભાર્થીને 3 વર્ષના સમયગાળામાં પરત કરવાનું રહેશે જેમાં છ માસનો મોરેટોરિયમ સમય આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કોઈ હપ્તા ભરવામાં રહેશે નહીં. ત્યારબાદ 30 સરખા માસિક હપ્તામાં લાભાર્થીએ લોનની રકમ પરત કરવાની રહેશે.

– આ યોજના તારીખ 21 મેથી કાર્યરત થશે.

લાભ લેવા માટે અરજી કરવાની રહેશે, તેના માટે નક્કી કરવામાં આવ્યો છે સમયગાળો

– આ યોજના હેઠળ લાભાર્થીઓએ 31-8-2020 સુધીમાં સંબંધિત નાગરીક સહકારી બેંક કે જિલ્લા મધ્યસ્થ બેંક કે ગુજરાત રાજ્ય સહકારી બેંકની સંબંધિત શાખાને કે સંબંધિત ક્રેડિટ ઓપરેટીવ સોસાયટીને અરજી કરવાની રહેશે.

– લાભાર્થી તરફથી મળેલી તમામ અરજીઓનો નિર્ણય મોડામાં મોડો 31-10-2020 સુધી કરવાનો રહેશે.

– મંજૂર કરવામાં આવેલા અરજીઓના ધિરાણની રકમનું ડિસ્ટ્રિબ્યુશન 15-11-2020 સુધીમાં કરવાનું રહેશે.

– અરજી ફોર્મ લાભાર્થીઓને વિના મૂલ્યે સહકારી બેંકો અને ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા પૂરૂ પાડવામાં આવશે.

– લાભાર્થીને સ્ટેમ્પ ફીની કોઈ રમક ચૂકવવાની રહેશે નહીં.

નોડલ એજન્સી ટોલ ફ્રી નંબર ઉપલબ્ધ કરાવશે

– આ યોજનાના યોગ્ય રીતે અમલીકરણ તથા ફરિયાદ નિવારણ માટે નાગરીક સહકારી બેંકોના કિસ્સામાં નોડલ એજન્સી તરીકે ધ ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક્સ ફેડરેશન રહેશે.

– જિલ્લા મધ્યસ્થી સહકારી બેંકો માટે નોડલ એજન્સી તરીકે ધ ગુજરાત રાજ્ય સહકારી બેંક લી. રહેશે.

– ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓના કિસ્સામાં નોડલ એજન્સી તરીકે સંબંધિત જિલ્લા અધિકારી રહેશે.
– નોડલ એજન્સી દ્વારા ટોલ ફ્રી નંબરની સુવિધા ઊભી કરવાની રહેશે.

– હયાત વ્યવસાયમાં કાર્યરત હોય તેમને આ યોજના હેઠળ ધિરાણ મળી શકશે. આ અંગે લાભાર્થી 1-1-2020ના રોજ હયાત વ્યવસાયમાં કાર્યરત હોવા જોઈએ. આ યોજના હેઠળ લોન મેળવનાર લાભાર્થીની હાલની ચાલુ લોન મુદતવીતી હોવી જોઈએ નહીં.

આ લોકોને નહીં મળે યોજનાનો લાભ

– કેન્દ્ર તથા રાજ્ય સરકારની કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ તથા સ્થાનિક સત્તા મંડળની કચેરીઓમાં તેમજ કેન્દ્ર તથા રાજ્ય સરકારના બોર્ડ-કોર્પોરેશન તથા તમામ બેંકોમાં ફરજ બજાવતા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે નહીં. ઉપરોક્ત કચેરીઓ-બેંકોમાં કોન્ટ્રાક્ટ બેઝ પર-એડહોક ધોરણે કામ કરતી વ્યક્તિઓને પણ આ યોજનાનો લાભ મળશે નહીં.

આટલા લોકોને મળશે લાભ

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ યોજના હેઠળ અંદાજીત 10 લાખ લાભાર્થીઓને લાભ મળશે. આ યોજના હેઠળ લાભાર્થીઓને અંદાજીત 5,000 કરોડ રૂપિયાનું ધિરાણ વાર્ષિક 2 ટકાના વ્યાજ દરે મળશે. લાભાર્થીઓને યોજના અંતર્ગત અંદાજીત 330 કરોડ રકમની વ્યાજ સહાય મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો