આજથી 31 મે સુધી દેશભરમાં લોકડાઉન 4.0 લાગુ થશે, તેના વિશે જે જાણવા માંગો તે બધું જ જાણો વિગતે

દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વ્યાપક બનતાં કેન્દ્ર સરકારે હાલમાં અમલી દેશવ્યાપી લોકડાઉન વધુ બે સપ્તાહ એટલે કે ૩૧ મે સુધી લંબાવવાની ઘોષણા કરી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા રવિવારે જારી કરાયેલાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જારી કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે અમલી લોકડાઉન સમગ્ર દેશમાં ૩૧ મે સુધી જારી રહેશે. એનડીએમએના પરિપત્ર બાદ લોકડાઉન ૪.૦ માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા વિસ્તૃત ગાઇડલાઇન જારી કરાઇ હતી. કેન્દ્રીય ગૃહસચિવે તેમના પરિપત્રમાં જણાવ્યું હતું કે, તમામ કેન્દ્રીય મંત્રાલયો, ભારત સરકારના વિભાગો, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો અને સત્તાવાળાઓએ ૩૧ મે સુધી કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા ગાઇડલાઇનમાં જારી કરાયેલા આદેશોનું સખતાઇથી પાલન કરાવવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કેન્દ્ર સરકારે રેડ, ઓરેન્જ, ગ્રીન અને કન્ટેનમેન્ટ ઝોનની સીમાઓ નક્કી કરવાનો અધિકાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપી દીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે જિલ્લા સત્તાવાળાઓ દ્વારા રેડ અને ઓરેન્જ ઝોન, કન્ટેનમેન્ટ અને બફર ઝોન નક્કી કરવામાં આવશે. પ્રતિબંધિત સિવાયની તમામ પ્રવૃત્તિઓેને લોકડાઉન ૪.૦માં પરવાનગી અપાઇ છે. જોકે કન્ટેનમેન્ટ ઝોનમાં જીવનજરૂરી અને આવશ્યક સેવાઓ જ જારી રહેશે. તે ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સ્થિતિની સમીક્ષાના આધારે વિવિધ પ્રકારના ઝોનમાં ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લઇ શકે છે.

ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, સાંજના ૭થી સવારના ૭ કલાક સુધીના નાઇટ કરફ્યૂમાં જીવનજરૂરી સેવાઓ સિવાયની કોઇપણ પ્રવૃત્તિને પરવાનગી નહીં અપાય અને કોઇપણ વ્યક્તિ બહાર નીકળી શકશે નહીં. સ્થાનિક સત્તાવાળાઓ કાયદાકીય જોગવાઇઓ અંતર્ગત તેમના અધિકાર ક્ષેત્રમાંના સમગ્ર વિસ્તારમાં આદેશો જારી કરી શકશે.

ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, કોઇ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ કેન્દ્ર દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇનને હળવી બનાવી શકશે નહીં. તમામ જિલ્લા મેજિસ્ટ્રેટે તેનું સખતાઇથી પાલન કરાવવાનું રહેશે.

શું ચાલુ રહેશે

  • ઘરેલુ મેડિકલ ફ્લાઇટ, એર એમ્બ્યુલન્સ, સુરક્ષા હેતુઓ માટેની ફ્લાઇટ
  • ઓનલાઇન ક્લાસેસ અને ડિસ્ટન્સ લર્નિંગ સેવાઓ ચાલુ રહેશે
  • પોલીસ, આરોગ્ય અને સરકારી કર્મચારીઓ, પ્રવાસીઓ સહિત અટવાઈ પડેલી વ્યક્તિઓ, ક્વોરન્ટાઇન ફેસિલિટી માટે વપરાતી હોટલોને પરવાનગી
  • બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતેની કેન્ટીન ચાલુ કરી શકાશે
  • પ્રેક્ષકો વિના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમને ખોલવા પરવાનગી અપાઇ
  • રેસ્ટોરન્ટોના ફૂડ આઇટમની હોમ ડિલિવરી, ઇ-કોમર્સ સર્વિસ માટે પરવાનગી
  • કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર મેડિકલ ઇમર્જન્સી, જીવનજરૂરી સામાન અને સેવાઓ

શું બંધ રહેશે

  • ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ, મેટ્રો રેલ સેવાઓ પર પ્રતિબંધ
  • શાળા-કોલેજો, તાલીમી-કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે
  • હોટેલ-રેસ્ટોરન્ટ, બાર અને અન્ય હોસ્પિટાલિટી સર્વિસ પર પ્રતિબંધ રહેશે
  • સિનેમા હોલ, શોપિંગ મોલ, જિમ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, થિયેટર
  • ઓડિટોરિયમ, એસેમ્બ્લી હોલ અને સમાન સ્થળો પર પ્રતિબંધ ચાલુ રહેશે
  • તમામ સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક સમારોહ
  • તમામ ધાર્મિક સ્થળ અને પૂજા-અર્ચનાનાં સ્થળ જાહેર જનતા માટે બંધ, ધાર્મિક મેળાવડાઓ પર સખત પ્રતિબંધ જારી રહેશે

કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પરવાનગી અપાયેલ પ્રવૃત્તિઓ

  • રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પરસ્પરની મંજૂરીથી પ્રવાસી વાહનો અને બસોની આંતરરાજ્ય મૂવમેન્ટ
  • રાજ્યો અને યુટી દ્વારા નક્કી કરાયા પ્રમાણે પ્રવાસી વાહનો અને બસોની રાજ્યની અંદર જ મૂવમેન્ટ
  • ભારતમાંથી વિદેશી નાગરિકોને સ્વદેશ મોકલવા
  • રાજ્યોમાં અટવાઈ પડેલા શ્રમિકોને વતન મોકલવા
  • અટવાયેલાં યાત્રાળુ, પ્રવાસી, વિદ્યાર્થીઓની મૂવમેન્ટ
  • વિદેશમાં અટવાયેલા ભારતીયોને દેશમાં પરત લાવવાની પ્રવૃત્તિઓને પરવાનગી

કન્ટેનમેન્ટ ઝોનમાં આકરાં નિયંત્રણો જારી રહેશે

  • ફક્ત જીવનજરૂરી પ્રવૃત્તિઓેને જ પરવાનગી અપાશે
  • ઝોનમાં લોકોની અવરજવર અટકાવવા માટે આકરાં પગલાં લેવાશે
  • ઝોનમાં વ્યાપક કોન્ટેક્ટ ટ્રેસિંગ, ઘેર-ઘેર સર્વેલન્સ અને ક્લિનિકલ તપાસ કરાશે

રાજ્યની અંદર અને આંતર- રાજ્ય મૂવમેન્ટની કોને કોને પરવાનગી

  • મેડિકલ પ્રોફેશનલ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સેનિટેશન કર્મચારી, એમ્બ્યુલન્સ
  • તમામ પ્રકારના માલસામાનને લઈ જતાં વાહનો, ખાલી ટ્રક
  • પાડોશી દેશો સાથે થયેલી સંધિ અંતર્ગત માલસામાનની હેરફેર
  • પ્રવાસી શ્રમિકો, વિદ્યાર્થી, ટૂરિસ્ટની મૂવમેન્ટ

ઓફિસ, કચેરીઓ, ફેકટરી, બજારો, દુકાનો માટેની ગાઇડલાઇન

  • બને ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમની પદ્ધતિને અનુસરો
  • ઓફિસ, કામના સ્થળો, દુકાનો, બજારો, ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ સંસ્થાનોમાં નિશ્ચિત મર્યાદામાં કામના કલાકો
  • તમામ કોમન એરિયા અને એક્ઝિટ પોઇન્ટ પર થર્મલ સ્કેનિંગ, હેન્ડ વોશ અને સેનિટાઇઝર ફરજિયાત
  • કામના સ્થળનું વારંવાર સેનિટાઇઝેશન કરવામાં આવે
  • દરેક કર્મચારી દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, બે શિફ્ટ વચ્ચે યોગ્ય અંતર, સ્ટાફને વારાફરતી લંચ ટાઇમ

વૃદ્ધો, બાળકો, ગંભીર રોગથી પીડાતા દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓને ઘરમાં જ રહેવા આદેશ

કેન્દ્ર સરકારે લોકડાઉન ૪.૦ દરમિયાન ૬૫ વર્ષથી વધુ વયના વૃદ્ધો, ૧૦ વર્ષથી નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓને ઘરમાં જ રહેવાના આદેશ આપ્યા છે. સરકારે જણાવ્યું છે કે, હૃદયરોગ, કેન્સર સહિતની ગંભીર બીમારીઓ ધરાવતી વ્યક્તિઓને પણ ઘરમાં જ રહેવાની તાકીદ કરવામાં આવે છે. અત્યંત આવશ્યક હોય અથવા તો મેડિકલ કારણ હોય તો જ તેઓએ ઘરની બહાર નીકળવું.

નોકરીદાતાઓ કર્મચારીઓમાં આરોગ્ય સેતુનો ઉપયોગ સુનિશ્ચિત કરે : ગૃહમંત્રાલય

ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, આરોગ્ય સેતુ એપ કોરોનાના સંક્રમણના સંભવિત જોખમથી સાવધ કરે છે. તે વ્યક્તિ અને સમુદાયને કોરોનાના સંક્રમણ સામે રક્ષણ આપે છે. ઓફિસ અને કામનાં સ્થળોએ સુરક્ષા જાળવવા નોકરીદાતાઓ તમામ કર્મચારીઓ દ્વારા આરોગ્ય સેતુ ડાઉનલોડ કરાય તે સુનિશ્ચિત કરે. જિલ્લા સત્તાવાળા વ્યક્તિગતોને એપ ડાઉનલોડ કરવા પ્રોત્સાહન આપે.

કોવિડ-૧૯ અટકાવવા માટેની રાષ્ટ્રીય માર્ગદર્શિકા

  • જાહેર સ્થળો અને કામનાં સ્થળોએ ચહેરા પર માસ્ક પહેરવો ફરજિયાત
  • જાહેર સ્થળો અને કામનાં સ્થળોએ થૂંકનારને દંડ ફટકારાશે
  • જાહેર સ્થળો અને પરિવહનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે
  • લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, ૫૦થી વધુ વ્યક્તિને પરવાનગી નહીં
  • અંતિમ ક્રિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ૨૦થી વધુ વ્યક્તિને પરવાનગી નહીં
  • જાહેર સ્થળો શરાબ, પાન, ગુટખા, તમાકુના ઉપયોગ પર પ્રતિબંધ
  • દુકાનદારોએ બે ગ્રાહકો વચ્ચે ૬ ફૂટનું અંતર ફરજિયાત જાળવવું પડશે
  • બને ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમની પ્રેક્ટિસ જારી રાખવી

ઇ-કોમર્સને કન્ટેનમેન્ટ સિવાય તમામ ઝોનમાં પરવાનગી

નવી ગાઇડલાઇન અનુસાર ઓનલાઇન શોપિંગ અને ઇ-કોમર્સ વેબસાઇટને કન્ટેનમેન્ટ ઝોન સિવાયના તમામ ઝોનમાં પરવાનગી આપવામાં આવી છે. આ સાથે જ જો રાજ્યો પરવાનગી આપે તો પાનના ગલ્લા, સલૂન અને સ્પા પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ખોલી શકાશે.

શ્રમિક સ્પેશિયલ અને અન્ય સ્પેશિયલ ટ્રેન દોડતી રહેશે

સરકારની નવી ગાઇડલાઇન અનુસાર સમગ્ર દેશમાં લોકડાઉન ૪.૦ દરમિયાન તમામ મેટ્રો રેલ અને સબર્બન રેલવે સેવાઓ બંધ રહેશે પરંતુ રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રવાસી શ્રમિકો માટે દોડાવાતી શ્રમિક સ્પેશિયલ ટ્રેન સેવા અને દિલ્હીથી શરૂ કરાયેલી ૧૫ જોડી સ્પેશિયલ ટ્રેન સેવા લોકડાઉન ૪.૦ દરમિયાન પણ ચાલુ રહેશે.

પ્રેક્ષકો વિના જ આઇપીએલનું આયોજન  શક્ય બનશે?

સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમને પ્રેક્ષકો વિના જ ખોલી શકાશે. તો શું ટી-૨૦ ક્રિકેટ લીગ આઇપીએલના આયોજનનો રસ્તો સાફ થઇ ગયો છે? અત્યારે તો સ્ટેડિયમને ફક્ત પ્રેક્ટિસ માટે ખોલવામાં આવ્યાં છે. બીસીસીઆઇ જો સરકાર તરફથી પ્રેક્ષકો વિના જ આઇપીએલ યોજવાની મંજૂરી મળે તો આ દિશામાં વિચાર કરી શકે છે. આઇપીએલ રદ થવાના કારણે બીસીસીઆઇને રૂપિયા ૪૦૦૦ કરોડનું નુકસાન થવાની સંભાવના છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો