શાબાશ જીતુભાઇ, તમે કંઇ ખોટું કર્યું નથી. આવું ફરી કહેતા-કરતા જ રહેજો!

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ છંછેડેલા મુદ્દાના તીવ્ર પ્રત્યાધાત દિલ્હી સરકારમાં પડ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પલટવાર કરી કહ્યું કે હું ગુજરાતની મુલાકાતે આવી રહ્યો છું અને સોમવારે સ્કૂલો જોવા જવાનો છું. કોઇ એક રાજ્યના શિક્ષણમંત્રીના માત્ર એક નિવેદનથી કોઇ બીજા રાજ્યના શિક્ષણમંત્રી દોડી આવે તેવું કદાચ દેશના ઇતિહાસમાં ક્યારેય થયું નહીં હોય. આ છે આપણા જીતભાઇનો પાવર. સિસોદિયાએ તાબડતોબ ગુજરાત આવવું પડી રહ્યું છે.

જોકે, સિસોદિયાએ જણાવ્યું છે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં કોઇ કામ થયું નથી. જીતુ વાઘાણીના નિવેદનમાં અહંકાર જોવા મળે છે. તેમનું નિવેદન શરમજનક છે. આ અગાઉ સિસોદીયાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ગુજરાતના શિક્ષણમંત્રીએ રાજ્યના લોકોને ધમકી આપી છે. લોકોએ ગુજરાત છોડીને જવાની જરૂર નથી. ગુજરાતમાં પણ દિલ્હી જેવું શિક્ષણ આપવામાં આવશે.

જીતુ વાઘાણીએ જ્યારે એમ કહ્યું કે ગુજરાતમાં જે લોકોને શિક્ષણ સારૂં લાગતુ ન હોય તેઓ અહીંથી જતા રહે. એવા લોકો ગમે તે જગ્યાએ જઇ શકે છે. ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું અને હવે બીજા રાજ્યો સારા લાગે છે ત્યારે રાજ્યભરમાં વિવાદ સર્જાયો હતો. તેમણે આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના આ પ્રહારો કર્યા હતા.

આ નિવેદન પછી દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને ગુજરાતના શિક્ષણમંત્રી વચ્ચે ટ્વિટર વોર ચાલી રહ્યું છે. મનીષ સિસોદીયાએ તો શિક્ષણ અંગે ડિબેટ કરવાની ચેલેન્જ આપી હતી પરંતુ વાઘાણીએ કહ્યું હતું કે કેટલાક લોકો સત્તાના નશામાં કંઇપણ બોલે છે. દિલ્હી અને પંજાબના મતદારોનો સરવાળો ગુજરાત જેટલો પણ થતો નથી.

હવે તમને સમજાવીએ કે અમે જીતુભાઇને કેમ શાબાશી આપી રહ્યા છીએ. તેની પાછળનું કારણ એ છે કે ચૂંટણીઓ આવે ત્યારે રાજકારણીઓ એકબીજા સામે ધર્મ, જ્ઞાતિ કે બીજા કોઇ ઇમોશનલ ઇશ્યુંને લઇને લડાઇ કરતા હોય છે. કદાચ આ પહેલીવાર છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા શિક્ષણનો મુદ્દો કેન્દ્રસ્થાને આવ્યો છે. આમ આદમી પાર્ટી જ નહીં પરંતુ કોંગ્રેસ પણ શિક્ષણના મુદ્દાને મહત્ત્વ આપતી દેખાય છે. તેમના નેતાઓ સતત નિવેદનો કરી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર સતત ચર્ચા કરી રહ્યા છે કે ગુજરાતમાં શિક્ષણની હાલત શું છે.

તો શું જીતુભાઇએ શિક્ષણના મુદ્દાને કેેન્દ્રમાં લાવીને કંઇ ખોટું કર્યું છે. એક શિક્ષણ પ્રધાન તરીકે તેમની જવાબદારી જ છે કે આખું રાજ્ય શિક્ષણ બાબતે ચર્ચા કરે. ચિંતન કરે. તેમને તો શિક્ષણપ્રધાન બન્યાને 200 દિવસ જ થયા છે પરંતુ તેમના પુરોગામીઓએ 27 વર્ષ સુધી ગુજરાતમાં શિક્ષણને લઇને શું કર્યું, તેની ચર્ચા જરૂરી થવી જોઇએ. જીતુભાઇએ જે નિવેદનો આપ્યા તે તેમણે જાણી જોઇને આપ્યા કે આમ આદમી પાર્ટી સામેના ગુસ્સામાં આપો આપ નીકળી ગયા તે તો જીતભાઇ જ જાણે પરંતુ તેમણે આવું કરીને ગુજરાતની ખૂબ મોટી સેવા કરી છે. તેમણે આવું સતત કરતા રહેવું જોઇએ. તેનાથી ચૂંટણી પહેલા મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા થશે. શાબાશ જીતભાઇ….

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો