સુરતમાંથી 32માં હૃદયનું દાન કરવામાં આવ્યું હતું. સુરતના 44 વર્ષીય બ્રેનડેડ યુવકના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી યુવકે પાંચ વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું છે. યુવકના હૃદયને સુરતથી 100 મિનિટમાં મુંબઈ પહોંચાડી મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
મગજની નસો ફાટી જતા બ્રેનડેડ જાહેર કરાયો હતો
ભેસ્તાન ખાતે આવેલી સિદ્ધાર્થ નગર ઝુપડપટ્ટીમાં બિપીન રઘુભાઈ પ્રધાન(ઉ.વ.44) પરિવાર સાથે રહેતા હતા. ગત 9 માર્ચના રોજ બિપીન બપોરે ઘરે જમવા માટે આવ્યા ત્યારે શરીરમાં બેચેની લાગવાની ફરિયાદ કરતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા જમણી બાજુના મગજની નસો ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. દરમિયાન 13 માર્ચના રોજ બ્રેનડેડ જાહેર કરાયો હતો.
ગરીબ પરિવારે અંગદાનની સંમતિ આપી
બ્રેનડેડ જાહેર થતા ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને પરિવારને અંગદાન અંગે માહિતી આપી હતી. બિપીનના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમે ખુબ જ ગરીબ પરિવારના છીએ. જીવનમાં કોઈપણ વસ્તુનું અમે દાન કરી શકીએ તેમ નથી. અમારા પિતાજી આજે બ્રેનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે. જેથી અંગદાન માટે સંમતિ આપીએ છીએ.
આઠ વર્ષથી હૃદયની તકલીફ ધરાવતી મહિલામાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ
પરિવારની સંમતિ બાદ હૃદયને મુંબઈ ખાતે મોકલવામાં આવ્યું હતું. સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ સુધીનું 298 કિમીનું અંતર 100 મિનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. મુંબઈની 26 વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ મહિલાને આઠ વર્ષથી હૃદયની તકલીફ હતી અને છેલ્લા ત્રણ વર્ષથી તેના હૃદયનું પમ્પીંગ 10થી 15 ટકા જેટલું હતું.
કિડની, લિવર અમદાવાદ પહોંચાડવા 259 કિમીનો ગ્રીન કોરીડોર કરાયો
દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની 46 વર્ષીય મહિલામાં અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ 50 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની કિડની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. હૃદયને પહોંચાડવા માટે કિરણ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના 17 કિમીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા આવ્યો હતો. એ જ રીતે કિડની અને લિવર અમદાવાદ મોકલવા માટે કિરણ હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના 259 કિમીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ, ભરૂચ પોલીસ, બરોડા ગ્રામ્ય પોલીસ, આણંદ પોલીસ, અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેર પોલીસનો સહકાર મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..