વ્યારા – ઉચ્છલના સુંદરપુરમાં પીકનીક મનાવવાના અર્થે ઉકાઇ જળાશય કિનારે ગયેલા સગાસ્નેહીઓના બાળકો, મિત્રોની હોડી અચાનક પલટી જવાથી એકસાથે ૭ દિપ બુઝાઇ ગયા હતા. એક જ ફળીયાના ૬ બાળકો સહિત ૭ વ્યકિતની નનામી મંગળવારે એકસાથે નીકળતા આખું ગામ હિબકે ચઢયું હતું.
ઉચ્છલ તાલુકાના સુંદરપુરના માસુમ બાળકો સહિત ૧૦ વ્યકિતઓ તથા ભીંતખુર્દના ૩ શખ્સ મળી ૧૩ વ્યકિતઓ ભીંતખુર્દમાં ઉકાઇ જળાશય ફુગારામાં વચ્ચે આવેલી ટેકરી ઉપર જવા માટે હોડીમાં બેસીને ગયા હતા. ટેકરી ઉપર પહોંચી જેઓએ કુદરતી સૌદર્યનો આનંદ માણ્યા બાદ જમીને તેઓ પરત કિનારે આવવા માટે હોડીમાં બેસી ગયા હતા. તે દરમિયાન અચાનક પવન તથા મોજાં ઉછળવા લાગતા હોડીમાં સમતુલન ગુમાવતા હોડી પાણીમાં ઉંધી વળી ગઇ હતી.
જળદુર્ઘટનામાં બાળકો એંજલબેન ડેવલીડભાઇ કોંકણી(ઉં.વ.૫), સંજનાબેન રાજેશભાઇ કોંકણી(ઉં.વ.૧૪), અભિષેકભાઇ રાજેશભાઇ કોંકણી(ઉં.વ.૧૨), આરાધ્યાબેન સુકલાલભાઇ કોંકણી(ઉં.વ.૭), વિનોદ બુધીયાભાઇ કોંકણી(ઉં.વ.૧૮), ઉર્મિલાબેન રતુભાઇ કોંકણી(ઉં.વ.૨૦), રાજેશભાઇ બલીરામભાઇ કોંકણી(ઉં.વ.૩૩) મળી ૭ વ્યકિતના ડુબી જવાથી મોત થયા હતા. રાજેશભાઇ અને તેમના બે બાળકો, રાજેશ કોંકણીના ભાઇની દિકરી આરાધ્યા સહિત અન્ય પણ કુટુંબીજનો જ છે.
એક જ ફળીયામાંથી એકસાથે ૭ વ્યકિતઓની અંતિમયાત્રા નીકળતા આખા ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી. પરિવારોએ પોતાના વ્હાલસોયા બાળકોને ગુમાવી દીધા હોય તથા રાજેશભાઇના પરિવારના એકસાથે ચાર-ચાર સભ્યો મોતના ખપ્પરમાં હોમાઇ જવાથી કોણ કોને આશ્વાસન કે દિલાસો આપે તેવી દયાજનક સ્થિતિ ઉપસ્થિત થઇ હતી. બપોરે હસતા-હસતા ફરવા ગયેલા માસુમોના મૃતદેહો ઘરે પહોંચતા પરિવારો ઉપર દુઃખના વાદળો ઘેરાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..