વડોદરાના શખ્સે તાંત્રિક વિધિના બહાને મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું, પત્નીની હાજરીમાં નિર્વસ્ત્ર થવા કહીને….

વડોદરામાં રહેતા એક ઠગબાજે તેની પત્ની સાથે મળી ભાવનગરમાં પીયર ધરાવતી એક મહિલા તથા તેના ભાઈ-ભાભી, બહેન-બનેવી પાસેથી તાંત્રિક વિધિ કરાવવાના બહાને રૂપિયા 31 લાખ જેટલી રકમ પડાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

આ ચકચારી બનાવ અંગેની વિગત એવી છે કે, ભાવનગર શહેરમાં પીયર ધરાવતાં અને વડોદરામાં સાસરૂં ધરાવતાં બે સંતાનોની માતા એવા મહિલાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આપવીતી જણાવી હતી કે, મહિલાના ભાવનગર સ્થિત ભાઈ-ભાભી વચ્ચે ઘરકંકાસ ચાલતો હોય જૂન 2018માં વડોદરાના તરસાલી શરદ નગર સાંઈ મંદિર પાસે રહેતા હિરેન નરેન્દ્રભાઈ પુરોહિત નામક શખ્સનો જ્યોતિષ હોવાના કારણે સંપર્ક કર્યો હતો.

હિરેન પુરોહિતે ભાવનગર સ્થિત મહિલાના ભાઈના ઘરે આવી ગૃહદોષ અને અનિષ્ટ તત્વોના નિવારણ માટેની વિધિ કરવાના બહાને મહિલાના ભાઈ પાસેથી રૂપિયા 90,000 લીધા હતા. બાદમાં હિરેન પુરોહિત મહિલાના સંપર્કમાં હોવાથી તેણે જૂન 2019માં મહિલાના ઘરે કથા કરવાના બહાને આવી તેમને પ્રસાદ આપ્યા બાદ મહિલાની શારીરિક હાલત બગડી હતી. જે અંગે મહિલાના પતિએ હિરેન પુરોહિતને પુછતાં તેણે મહિલામાં અનિષ્ટ તત્વો પ્રવેશી ગયા હોવાનું જણાવી ભાવનગર પીયરમાં રહેવા મોકલી દેવા સલાહ આપતાં મહિલા ભાવનગર પીયર ખાતે રહેવા આવી ગઈ હતી. જ્યાં થોડા દિવસો બાદ હિરેને ભાવનગર આવી એકાંતમાં વિધિ કરવાના બહાને તેના જ ઘરે કંઈ ખવડાવી દઈ તેણીને અર્ધબેભાન કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

જોકે, બાદમાં પણ હિરેને મહિલાના માતા-પિતા અને ભાઈને તેની 15 માસ સુધી વિધિ કરવાની હોવાનું કહી વડોદરા પતિ સાથે ન રહેવા દેવાનું કહી ભાવનગર પીયરમાં જ રહેવા જણાવ્યું હતું. દરમિયાનમાં મહિલાના બહેન અને બનેવી પણ હિરેનના સંપર્કમાં આવતાં હિરેન પુરોહિતે મહિલાના બહેનના શરીરમાં પણ અનિષ્ટ તત્વોનો વાસ હોવાનું કહી વિધિ અને સુખશાંતિ તથા ધંધો સારો ચાલશે તેમ કહીને તેમની પાસેથી રોકડા રૂપિયા 7 લાખ તથા રૂપિયા બે લાખના દાગીના પડાવી લીધા હતા.

જો કે, આ તમામ પ્રવૃતિ વચ્ચે મહિલાની વિધિ ચાલતી હોવાથી તે વડોદરા સ્થિત હિરેન પુરોહિતના ઘરે ગઈ હતી. જ્યાં હિરેન પુરોહિતે તેના પત્ની મિતલની હાજરીમાં વિધિના નામે નિર્વસ્ત્ર થવા કહ્યું હતું.જેનો મહિલાએ વિરોધ કરતાં હિરેન પુરોહિતે મહિલાને ભાવનગર સ્થિત મકાનમાં મહિલાના લીધેલા આપતિજનક તસવીરો વાયરલ કરવાની ધમકી આપી સાત દિવસ સુધી ઘરમાં રાખી એકથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યો હતું. જ્યારે, મહિલા અને તેના ભાઈની વિધિના બહાને મહિલાના ભાઈ પાસેથી રૂપિયા 22,41 લાખ પડાવ્યા હતા.

બનાવ અંગે ભરતનગર પોલીસ વડોદરામાં રહેતા હિરેન પુરોહિત અને તેના પત્ની મિતલ સામે તાંત્રિક વિધિના નામે ઠગારી આચરી મહિલાના ભાઈ પાસેથી વિધિના બહાને કટકે કટકે રૂપિયા 22.41 લાખ તથા મહિલાના બહેન બનેવી પાસેથી રૂપિયા 7 લાખ રોકડા તથા રૂપિયા બે લાખના દાગીના પડાવી પતિ-પત્નીએ એકબીજાને મદદગારી કરી ગુનો આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી કલમ 406, 420, 376, 328, 344, 506(2) તથા 34 અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ ભારે ચકચાર મચાવી છે.

પોલીસ ડરના કારણે પરિવારે નાણાં સહિતનો મુદ્દામાલ સરેન્ડર કર્યો

પોલીસ ફરિયાદના અંતે મહિલાએ જણાવ્યું કે, હિરેન પુરોહિતે વડોદરા પોલીસને આપેલ અરજીના આધારે પોલીસે કરેલી કાર્યવાહીના પગલે તેની પાસેથી પરત લીધેલ પોતાની માહિલીકીના રૂપિયા 12લાખ, હિરેને આપેલ કબૂલાતનામું તથા કારના કાગળો પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધા હતા.

તાંત્રિકે વિધિના નામે પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાની અરજી

મહિલાએ પોલીસ ફરિયાદમાં ઉમેર્યું કે, તાંત્રિક વિધાના નામે હિરેન પુરોહિતે પ્રથમ મહિલાને વડોદરાથી ભાવનગર મોકલી પતિ-પત્નીને અલગ કર્યા હતા. બાદમાં સમય જતાં પતિ દ્વારા જ પત્ની પર મેલું કરાવવામાં આવ્યું હોવાનું કહી બન્ને વચ્ચે છૂટાછેડા પણ કરાવી દીધા હતા. જો કે, હાલ આ મુદ્દે કોર્ટ મેટર ચાલું હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં ઉમેર્યું હતું.

હિરેન ધમકી આપી, સામે થઈશ તો જીવતા નહીં રહેવા દેવાની ધમકી આપી

મહિલાએ પોલીસ ફરિયાદમાં વિગત આપતા જણાવ્યું કે, ઠગ તાંત્રિકની અરજીના આધારે પોલીસે જવાબો લીધા બાદ હિરેને પરિવારને સામે થવાનું પરિણામ જોઈ લીધું તેમ કહીને જીવતા નહીં રહેવા દેવાની તથા ફોટા વાયરલ કરી દેવાની વધુ એક વખત ધમકી આપી હતી.

ચોરી ઉપર સે સીનાજોરી, ભાંડોફોડ થતાં તાંત્રિકે પરિવાર સામે લૂંટની અરજી આપી

મહિલાએ પોલીસ સમક્ષ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે, ગત તા. 20ના રોજ ભાવનગર આવેલા હિરેન પુરોહિતનો પોતે ઢોંગી અને તાંત્રિક વિધિના બ્હાને નાણા પડાવ્યા હોવાનો ભાંડોફોડ થઈ જતાં તેણે પરિવાર સમક્ષ સમપર્ણ કરી દીધું હતું. અને પોતે કઢંગી હોવાનો સ્વીકાર કરી નાણાં પરત આપવાની ખાત્રી આપી હતી. બાદમાં પરિવારના સભ્યોને લઈ હિરેન પોતાની કાર લઈ વડોદરા ગયો હતો અને ઘરમાંથી રૂપિયા 11 લાખ રોકડા તથા પોતાની કારનું ટીટીઓ ફોર્મમાં સહી કરી આપી હતી.

બીજા દિવસે વડોદરાના પોલીસ સ્ટેશનમાં ભાવનગર સ્થિત પરિવાર વિરુદ્ધ રૂપિયા 12 લાખ રોકડા અને કારની લૂંટ ચલાવ્યાની અરજી આપી હતી. આ અરજીના પગલે વડોદરા પોલીસ તથા ભરતનગર પોલીસે પરિવારને જવાબ માટે બોલાવ્યો હતો. આમ ઠગબાજ તાંત્રિકે ગુજરાતી કહેવત ચોરી ઉપર સે સીના જોરી મુજબ પરિવાર સાછે ઠગાઈ કરી લૂંટની સામી અરજી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો