ગુજરાતનું એવું ગામ જેને મહિલાઓએ બનાવ્યું ‘આદર્શ ગામ’

હરિયાળી, સ્વચ્છ રસ્તા અને હસતા ચહેરા જોઈને ગીર-સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં પ્રવેશો એટલે ચોક્કસ તમારા ચહેરા પર સ્મિત આવી જશે. આખું ગામ તેમના કુશળ મહિલા નેતૃત્વ માટે જે રીતે ગર્વ લે છે તે બાબતથી તમને આશ્ચર્ય થશે. કેમકે, છેલ્લાં 15 વર્ષથી ગામના રહેવાસીઓ ગ્રામ પંચાયતમાં મહિલાઓને કોઈ પણ પ્રકારની ચૂંટણી કર્યા વગર જ ચૂંટતા આવ્યા છે.

કન્યા કેળવણી હોય કે ઊંચનીચનો ભેદભાવ, આશરે માત્ર 1472 લોકોની વસતિ ધરાવતું આ ગામ ગુજરાતનાં અનેક ગામડાં માટે આદર્શ બની રહ્યું છે. ગામમાં મહિલા-પુરુષનો જાતીય દર 50-50 ટકા છે. સરકારી શાળામાં પણ 55 છોકરા અને 55 છોકરીઓ છે. અહીંની મહિલા આગેવાનોએ બાદલપરાને આદર્શ ગામનું બિરુદ અપાવ્યું છે.

શા માટે આ ગામ અલગ છે ?

વળુ વાળા દલિત સમુદાયના છે અને તેમનું માનવુ છે, “મેં અહિયાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ અનુભવ્યો નથી.”

“ગામના તમામ જાહેર કાર્યક્રમો, તહેવારો અને મંદિરોમાં દલિતોને સમાન મહત્ત્વ આપવામાં આવે છે.”

વળુ વાળા સહિત અનેક લોકોનું એવુ માનવું છે કે ગામનાં મહિલા આગેવાનોના કારણે દલિતો અને મહિલાઓને ગામની નીતિઓમાં પ્રાધાન્ય મળે છે. જેના લીધે આ ગામની વાત અન્ય ગામ કરતાં જુદી તરી આવે છે.

ગામનાં સરપંચ દેવી કચોટે કહ્યું હતું, “ફૂટપાથના બ્લૉક્સ હોય કે વૃક્ષારોપણ કે પછી પાણીનાં કનેક્શન, અમે ખાસ ધ્યાન રાખીએ છીએ કે દલિત સમાજને પ્રાધાન્ય મળે.”

બાદલપરા ગ્રામ પંચાયતનાં વરિષ્ઠ સભ્ય રમા પંપાણિયાનું જીવન તેમનાં ઘર, ખેતર અને ગ્રામ પંચાયત ફરતે ફર્યા કરે છે.  તેમણે જણાવ્યું, “અમારી પાસે ગામમાં જરૂરી તમામ સગવડો છે.” “પાણી, ગટર, શૌચાલય કે વીજળીને લગતા કોઈ પ્રશ્નો નથી. પંચાયતનાં મહિલા સદસ્યો દ્વારા તમામ પ્રશ્નોનું સમયસર યોગ્ય નિરાકરણ કરવામાં આવે છે.”

રમા પંપાણિયા પાછલાં 15 વર્ષોથી પંચાયતના સદસ્ય છે. તેઓ સહભાગી લોકશાહીમાં વિશ્વાસ ધરાવે છે. તેઓ કહે છે, “અમે ઉપલા સ્તરે રજૂઆત કરતાં પહેલાં અમારી જાતે સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરીએ છીએ.” “જો કોઈ મુદ્દે પંચાયતના તમામ સભ્યોનો મત વિભાજિત હોય તો અમે ચર્ચા કરીને સર્વસંમતિ લાવવાનો પ્રયાસ કરીએ છીએ.”

રમા પંપાણિયા તેમનાં દીકરી જયશ્રી પંપાણિયા માટે આદર્શ છે. જયશ્રી પંપાણિયાએ જણાવ્યું, “ગામની દિકરીઓને અનુ સ્નાતક સુધીનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. ગામમાં જાતીય સમાનતાનો ખરા અર્થમાં અમલ કરવામાં આવ્યો છે.” જયશ્રી કૉમર્સમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યાં છે અને તેમની ઇચ્છા વધુ અભ્યાસ કરવાની છે.

ગામના કડક નિયમો

જે ગામમાં ચૂંટણી વગર ગ્રામજનોની સંમતિથી ગ્રામ પંચાયતના સદસ્યો અને સરપંચની નિમણૂક કરવામાં આવે તેને સમરસ ગામ કહેવાય છે. બાદલપરા પાછલી ત્રણ ટર્મથી સમરસ ગામનું ટાઇટલ ધરાવે છે. ગામના રહેવાસી ભિખુ બારડે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, “આ ગામ એકતાનું પ્રતિક છે. ગામમાં રહેતા દરેક સમુદાયના લોકોનું પંચાયતમાં પ્રતિનિધિત્વ છે.”

વળી પંચાયત ગામના નિતિ નિયમોનું પાલન થાય તેની પણ કાળજી રાખે છે. આ અંગે રમા પંપાણિયાએ વધુમાં જણાવ્યું, “રસ્તા પર કચરો ફેંકતા જો કોઈ ઝડપાય તો 500 રૂપીયાનો દંડ ફટકારવામાં આવે છે.” “ગામમાં રહેતા તમામ લોકો નિયમોનું પાલન કરે છે તેથી જ આ ગામના તમામ લોકોનું જીવન સુખી છે.”

ગામના રહેવાસી ડૉ. હેતલ બારડે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમા જણાવ્યું કે, “મહિલા આગેવાનોના કારણે બાદલપરાના રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં સુધારો આવ્યો છે.”

“ગામનાં મહિલા આગેવાનો સામાજીક અને વહિવટી મુદ્દે અતિ સંવેદનશીલ છે.”

“કોઈ પણ સમસ્યા હોય તો તેઓ તુરંત જ કાર્યવાહી કરે છે અને સમસ્યાનું તાત્કાલિક સમાધાન લાવે છે.”

જાણકારોનું માનવું છે કે બાદલપરાથી પ્રેરણા લઈને વધુમાં વધુ ગામડાઓએ મહિલા આગેવાનોની નિમણૂક કરવી જોઈએ. સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે, “આ ગામની નવી પેઢી તેમની માતાને નિર્ણય લેનારી વ્યક્તિ તરીકે જોઈને મોટી થઈ છે.” “જે એક મહત્ત્વની સિદ્ધી છે. જ્યારે મહિલાઓ આગેવાની લે છે ત્યારે સામાજીક વિકાસનો મુદ્દો પહેલી પ્રાથમિકતા બને છે.”

– રોક્સી ગાગડેકર છારા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી