નવજાત બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ જન્મના 7મા દિવસે જ સર્જરી કરીને બાળકીને આપ્યું નવજીવન

સાણંદની યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. સામાન્ય પ્રસુતિ અને વજન સાથે જન્મેલ નવજાતને અસામાન્ય વેદના શરુ થઈ ગઈ હતી. તેના શ્વસનદરમાં વધારો થવા માંડ્યો હતો. જે ધીરે ધીરે ઘણો વધી રહ્યો હતો. દિકરીની આ વેદનાને જોઈને તેના માતા અને પિતા ચિંતીત બન્યાં હતાં. તેઓ દિકરીને સઘન સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયાં અને ત્યાં તેને ઓક્સિજન સપોર્ટ પર રાખીને શ્વસનતંત્ર પર નિયંત્રણ મેળવવા અને ધબકારા પ્રમાણસર કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ ડૉક્ટરોને બાળકીની આ બિમારી ગંભીર જણાઈ આવતાં તેમણે બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવા માટે જણાવ્યું હતું.

ડૉક્ટરની સલાહ બાદ બાળકીના માતા-પિતા નવજાતને લઇ અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના નિષ્ણાંત તબીબ ડૉ. બેલા શાહના યુનિટ અંતર્ગત દાખલ કરીને ઓક્સિજનની જરૂરિયાત સંતોષવામાં આવી. જ્યાં તેની સ્વાસ્થ્ય પરિસ્થિતિ મહદઅંશે સ્થિર જણાઇ રહી હતી. ત્યારબાદ નવજાત શિશુને ખોરાક માટે નાકવાટે નળી દાખલ કરવા પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તે ૩ થી ૪ સેન્ટિમીટર કરતા વધુ આગળ જતી ન હતી. તબીબો માટે સારવારમાં તે અવરોધ રૂપ બની રહ્યુ હતુ. જેથી સચોટ નિદાન માટે માથા અને ગળાનું સીટી સ્કેન કરાવવામાં આવ્યુ. આ સીટી સ્કેનમાં નવજાત બાળકને દ્વીપક્ષી કોએનલ એટ્રેસીયા હોવાનું બહાર આવ્યુ.

તાજા જન્મેલા બાળકો ફક્ત નાકથી જ શ્વાસ લઇ શકે છે તેઓ મુખ મારફેત શ્વાસ લઇ શકતા નથી. બાળક જ્યારે રડે છે ત્યારે જ શ્વાસ લેવાની પ્રક્રિયા થઇ શકે છે. જે કારણોસર આ સર્જરી ખૂબ જ મહત્વની બની રહી હતી. સર્જરીની જટીલતા સમજીને સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમ દ્વારા એનેસ્થેસ્થિયા વિભાગના તબીબ વૈભવી પટેલના સંકલનથી બાળકીના જન્મના 7માં દિવસે આ સર્જરી હાથ ધરવામાં આવી. આ સર્જરીમાં નાકના બંને નસકોરાના માર્ગ દ્વારા 3.5 મી.મી. એન્ડોસ્કોપ દાખલ કરવામાં આવ્યુ.

નાકના પાછળના ભાગના બંને નસકોરા સુધી હાળકાના અવરોધના કારણે પહોંચવામાં તકલીફ પડી રહી હતી જેથી દ્રશ્યમાન હાડકાના ભાગને સાવચેતીપુર્વક અમુક ભાગ કાપીને એન્ડોસ્કોપ પહોંચી શકવા માટેનો નાક અને ગળાનો ભાગ જોડવા માર્ગ બનાવવામાં આવ્યો. જેથી નસકોરા અને ફેરીકસ વચ્ચે સાતત્યનું નિર્માણ થઇ શકે. સર્જરી બાદના સંતોષકારક પરિણામ જોવા માટે નસકોરામાં 48 કલાક સુધી નળીઓ જોડેલી રાખીને પરિણામ મળ્યા બાદ જ નળીઓને ક્રમશ: કાઢી નાખવામાં આવી. 4 દિવસ સુધી બાળકીને રાયલ્સ ટ્યુબ દ્વારા ફીડીંગ કરાવવામાં આવ્યુ. આજે બાળકી સંપૂર્ણ પણે સ્વસ્થ છે અને કુદરતી રીતે સંતુલિત અવસ્થામાં શ્વાસ લઇ શકે છે.

શું છે કોએનલ એટ્રેસિયા

આ એક જન્મજાત ઉભી થતી તકલીફ છે જે સમગ્ર વિશ્વમાં 7000 બાળકોએ 1 બાળકમાં થતી જોવા મળે છે. જેમાં અનુનાસિક માર્ગમાં અવરોધ ઉભો થતા બાળકના શ્વસનતંત્રમાં તકલીફ ઉભી થાય છે. જેથી બાળક સંપૂર્ણપણે શ્વાસ લઇ શકતો નથી. સામાન્ય રીતે ગર્ભના વિકાસ દરમિયાન કયારેક અસામાન્ય હાડકા અથવા નરમ પેશી દ્વારા ઉદભવતી કોએનલ એટ્રેસિયા જીવલેણ પણ સાબિત થતી હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો