અમદાવાદ સિવિલમાં મહિલાએ સાડા છ મહિને બાળકીને આપ્યો જન્મ, 430 ગ્રામ વજનની બાળકી મોત સામેનો જંગ જીતી

મધ્યપ્રદેશના ગરીબ શ્રમિક દંપતીની 430 ગ્રામ વજન સાથે જન્મેલી એક બાળકીનો જીવ બચાવવાની વિરલ સિદ્ધિ અમદાવાદ સિવિલના તબીબોએ મેળવી છે. અમદાવાદ સિવિલના ઇતિહાસમાં છેલ્લે 650 ગ્રામ વજનનું બાળક સર્વાઇવ થયાનું નોંધાયું છે, પરંતુ આટલા ઓછા વજન સાથે જન્મેલું બાળક માત્ર ડોક્ટર્સની મહેનત અને કોશિશથી સર્વાઇવ થયાનો આ સૌપ્રથમ કિસ્સો છે.

મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં કડિયાકામ કરીને રોજીરોટી રળનારા જિતેન્દ્ર અંજાનેની પત્ની રેણુ અંજાનેને વર્ષ ૨૦૨૦ના એપ્રિલ મહિનામાં તેમની ગર્ભાવસ્થાની જાણ થઈ. દંપતી આને ઇશ્વરના આશિષ સમજીને રાજીખુશીથી સમય પસાર કરી રહ્યું હતું. માત્ર બે મહિનાની ગર્ભાવસ્થા બાદ રેણુબહેનને લીવરની ગંભીર સમસ્યા હોવાનું નિદાન થયું. રેણુબહેનને પોતાના કરતા પોતાના પેટમાં ઉછરી રહેલા નાનકડા જીવની વધુ ચિંતા હતી. આ દંપતી ઇન્દોરમાં તબીબોને મળ્યું પણ કોઇ સંતોષજનક પરિણામ ન આવ્યું. આ ગરીબ દંપતી લગભગ બધી જ આશા છોડી ચૂક્યું હતું, ત્યારે જ અંધકારમાં એક આશાનું કિરણ દેખાય એવી રીતે એક સ્વજને તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બતાવવાની સલાહ આપી.

આ દંપતી નસીબને અજમાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવ્યાં. માત્ર એક જ સપ્તાહની સારવાર બાદ રેણુબહેનની તબિયત સુધરી. સ્વાસ્થ્યમાં થોડી રાહત થઈ એટલે રેણુબહેને પોતાની ગર્ભાવસ્થા આગળ વધારવાનું નક્કી કર્યું. પરંતુ વધુ એક સમસ્યા આ દંપતીની પ્રતીક્ષા કરી રહી હતી. સાડા છ મહિનાની ગર્ભાવસ્થા બાદ રેણુબહેનની તબિયત ફરી એકવાર બગડી. દંપતીએ ફરી સિવિલ હોસ્પિટલ અમદાવાદનો આશરો લીધો. આ વખતે રેણુબહેનના ગર્ભમાં રહેલા 400 ગ્રામના બાળકના જીવનો પણ સવાલ હતો. રેણુબહેનની આરોગ્યની સમસ્યાઓના લીધે તેમના ગર્ભમાં રહેલા બાળકને પણ તકલીફ થઈ રહી હતી. ડોક્ટર્સ માટે કોઇ નિર્ણય લેવો જ પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબ બેલા શાહે જણાવ્યું હતું કે, તબીબી વિજ્ઞાન અનુભવ અનુસારના આટલા વહેલા જન્મનાર બાળકના જીવવાની સંભાવના ખુબ જ ઓછી હોય છે. રેણુબહેનના કિસ્સામાં જો ગર્ભાવસ્થા ચાલુ રાખવામાં આવે અને બીજો કોઇ નિર્ણય ન લેવાય તો મા અને બાળક બંનેના જીવન પર જોખમ સર્જાય તેમ હતું. ગર્ભાવસ્થા ટર્મિનૅટ કરવા સિવાય કોઇ જ વિકલ્પ નહોતો. આટલા ઓછાં વજન અને આટલું વહેલું જન્મેલું બાળક જીવી શકે નહીં તેવુ જાણ્યા બાદ આ દંપતીએ પણ દિલ પર પથ્થર મૂકીને ગર્ભાવસ્થા સમાપ્ત કરવા સ્વીકૃતિ આપી દીધી હતી. છેવટે ઓક્ટોબરમાં રેણુબહેને 436 ગ્રામના વજનની અને 36 સે.મી. લંબાઇની બાળકીને જન્મ આપ્યો.

ગાયનેક વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રેણુ અખાની એ જણાવ્યું કે પ્રથમ શ્વાસથી જ આ બાળકી મોત સામે સંઘર્ષ કરી રહી હતી. ઑપરેશન થિયેટરમાં રહેલી દરેક વ્યક્તિની ધારણા હતી કે આ બાળકી થોડી મિનિટો કરતા વધુ નહીં જીવે. ઑપરેશન થિયેટરમાં ઉદાસીનો માહોલ વ્યાપી ગયો હતો. આ બાળકીના પણ ફેફસા અને હૃદય નબળા હતાં. શારીરિક સ્વાસ્થ્યના મહત્વના પૅરામીટર્સ જાળવવાનું કામ પણ પડકારજનક હતું. જોકે આ નાની બાળકીને ઓક્સિજનના સપોર્ટની બહુ ઓછી આવશ્યક્તા પડતી હતી. આ જ વાતે અમારા ગાયનેક વિભાગના રેસિડેન્ટ તબીબોને આ બાળકીને જીવાડવા માટે પ્રયત્નો કરવાની વધુ પ્રેરણા આપી.

હવે શરૂ થયો બાળકીના મૃત્યુ અને તબીબોના પ્રયત્નો વચ્ચેનો જંગ
આ બાળકીની લોહીની નળીઓ કાગળ ઉપર પેન વડે દોરેલી લીટી કરતા પણ પાતળી હતી. બાળકીના અતિ નાજુક શરીર પર IV માટેની એક સુરક્ષિત લાઇન શોધવી એ પણ તલવારની ધાર પર ચાલવા જેવું કપરું કાર્ય હતું. આટઆટલી કઠીન પરિસ્થિતિ હોવા છતાં અમારી તબીબોની ટીમે પ્રયત્નો ચાલુ રાખ્યાં. એક તબક્કે આ બાળકીને ઇન્ફેક્શન પણ લાગ્યું, પણ તેના પર પણ અમારા તબીબોએ સફળતાપૂર્વક કાબુ મેળવી લીધો. તબીબોની ચોક્કસાઇ, કાળજી અને ત્વરિત સારવારના લીધે આખરે આ બાળકી મોત સામેનો જંગ જીતી.

NICUમાં સતત પ્રેમાળ કાળજી અને સુશ્રુષા ધીરે ધીરે રંગ લાવી અને આ બાળકીની હાલતમાં સુધારો થવા લાગ્યો. ધીરે ધીરે જરૂર ન રહેતા ઓક્સિજન અને એન્ટિબાયોટિક્સનો સહારો પણ હટાવી લેવાયો. બાળકીએ ફીડિંગ ટ્યૂબથી ખોરાક લેવાનું પણ શરૂ કર્યું અને તેનું વજન વધવા લાગ્યું. હવે આ બાળકી માતાના દૂધનું પાન કરી શકે છે. 54 દિવસ NICUમાં મેળવેલી સારવાર બાદ બાળકીનું વજન પણ વધીને 930 ગ્રામ થયું છે. હવે આ બાળકી એક સ્વસ્થ જીવન જીવવા માટે સજ્જ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ બાળકીને જે સારવાર મળી તેનો ખર્ચ અન્યત્ર રૂ. 10 થી 12 લાખ થયો હોત, જે કદાચ આ ગરીબ દંપતીને આર્થિક રીતે ન પરવડ્યો હોત. પરંતુ ઇન્દોરના આ પરિવારની બાળકીનો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઇલાજ થયો છે અને બાળકી અત્યારે હેમખેમ પણ છે. આ અંગે જ્યારે દંપતી સાથે વાત કરવામાં આવી ત્યારે તે દંપતી ભાવવિભોર થઈ ઊઠ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો પ્રત્યેની આભારની લાગણી ભારોભાર છલકાતી હતી. આ બાળકીને માતાપિતાએ ‘દક્ષિતા’ નામ આપ્યું છે. દંપતીના કહેવા મુજબ ગુજરાત સરકારની ગરીબ દર્દીઓ પ્રત્યેની સંવેદનશીલતાના કારણે મધ્યપ્રદેશના હોવા છતાંય અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આ બાળકીને સારી સારવાર મળી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી જણાવે છે કે સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગ દ્વારા કોરોના કાળમાં કોવિડ, નોન કોવિડના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી હોવાનું આ શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. રાજ્ય ક્ષેત્રે 400 ગ્રામ વજન ધરાવતા બાળક નવજીવન મળી જવું સમગ્ર સિવિલ હોસ્પિટલ માટે ગૌરવવંતી બાબત છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો