રાજકોટમાં કાલે નાનામવા રોડ પર શાસ્ત્રીનગર પાસે ફ્રુટની રેકડી હટાવવા ગયેલા એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર પર એક રેકડીધારકે છરી વડે હુમલો કરતા તે લોહીલુહાણ થઈ ગયા હતા તેનો હાથ પણ ભાંગી ગયો હતો. દબાણ હટાવ શાખાની પૂરી ટીમ એક શખસથી ડરતી હોય તેમ આ શખસે સરાજાહેર છરી સાથે બેફામ ગાળાગાળી કરી સતત ત્રીસ મિનીટ સુધી સેંકડો રાહદારીઓ વચ્ચે આતંક મચાવ્યો હતો. અંતે વિજીલન્સ અને પોલીસે હૂમલાખોરને પકડી તો લીધો હતો પરંતુ સેકડો લોકો માટે ત્રીસ મીનીટ ખોફનાક રહી હતી.
આજે બપોર બાદ ફરિયાદના આધારે મહાપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ રેકડીઓનું દબાણ હટાવવા કાફલા સાથે પહોંચ્યા હતા. નવાઝ નામના ફ્રુટ લારીધારકે રેકડી હટાવવાનું કહેતા રેકડી દુર લેવાના બદલે સીધી ખાખીધારીઓને ગાળો ભાંડવા લાગ્યો હતો અને છરી લઈને સ્ટાફ પાછળ દોડયો હતો. તેણે વજનીયાના છુટા ઘા પણ કર્યા હતા. અહી હાજર લોકોએ દબાણ હટાવ શાખાની ટીમ જાણે નિઃસહાય હોય તેવા દૃશ્યો જોયા હતા. રેકડીધારકને એકસ આર્મીમેન એવા ઈન્સ્પેકટર રાજદિપસિંહ રાણાએ પકડતા જ આરોપીએ હાથમાં છરી ઝીંકી દીધી હતી.
સરાજાહેર હૂમલો અને ટીમ ટુંકી પડતા તુરત વિજીલન્સની મદદ માંગવામાં આવી હતી. પોલીસને પહોંચતા સમય લાગતા અર્ધો કલાક સુધી આરોપીએ જાહેરમાં હંગામો મચાવ્યો હતો.હૂમલા બાદ પણ અન્ય કર્મચારીઓએ રેકડીધારકને પડકારવા, પકડવાના બદલે શાંતિ રાખ કર્યે રાખ્યું, જ્યારે લારીધારક બરાડા પાડતો હતો કે *આ લારીને અડતા નહીં લારી કોઈના બાપની નથી આ રોડ કોઈના બાપનો નથી* એસ્ટેટ શાખાના કર્મીને છરી બતાવીને કહેવા લાગ્યો કે આલે છરી માર તારે મારવી છે ? પોલીસ પહોંચી નહીં ત્યાં સુધી આરોપીએ મહાપાલિકાની ટીમને બાનમાં રાખી હતી. એકઠા થયેલા લોકોએ પડકારતા તેમની પાછળ પણ છરી લઈને દોડયો હતો. વિજીલન્સની ટીમ આવતા પહેલા તો તેમની સામે પણ છરી કાઢીને પાવર બતાવ્યો હતો. થોડીવારમાં જ પોલીસ પણ પહોંચી હતી. ભીંસ પડતા છરી સાથે બરાડા પાડતો શખસ ભાગીને પાર્ટી પ્લોટમાં બાથરૂમમાં ઘુસી ગયો હતો.
પોલીસ અને પબ્લીકે પીછો કરીને પાર્ટીપ્લોટમાંથી બહાર કાઢયો હતો. પોલીસ અસલ રંગ બતાવીને જાહેરમાં જ પરચો આપ્યો હતો. આવા દ્રશ્યો જોઈને સમસમી ઉઠેલા એક રાહદારી યૂવકે ભલે એસ્ટેટ, પોલીસ કે વિજીલન્સ પડકારી ન શકી પરંતુ બધાની હાજરીમાં કહ્યું કે મને આપી દો આને હું જોઈ લઉં કહીંને એકદમ ઉશ્કેરાઈને તે પણ મારવા લાગ્યો હતો. અન્ય રાહદારીઓએ પણ પકડીને સારી પેટે મેથીપાક આપ્યો હતો. આરોપીને પકડીને તાલુકા પોલીસમથકે લઈ જવાયો હતો. ઈજાગ્રસ્ત કર્મીએ જણાવ્યું હતું કે એસ્ટેટ શાખાને દબાણની ફરિયાદ મળી હતી જેથી અમે સાથે ફરજમાં હોય દબાણ હટાવવા ગયા હતા અને રેકડી હટાવવાનું કહેતા સીધો હૂમલો કર્યો હતો.
રેકડીધારક કહેતો હતો કે એકના બદલે બે રેકડીના રૂપીયા લઈ લે. હપ્તાખોરી ચાલતી હોય તો જ આવા શખસો આટલી ખુલીને હિંમત કરી શકે તેવી લોકમુખે પણ ચર્ચા ચાલી હતી. રસ્તા પર દબાણોમાં મહાપાલિકાની એસ્ટેટ અને શહેર પોલીસની પણ એટલી જ બેદરકારી કે હપ્તાખોરીની લાલચ જવાબદાર છે. રૂપીયાની લાલચે ઈજ્જતને લાંછન લગાડે છે. થોડા દિવસ હવે પોલીસ અને મહાપાલીકાની એસ્ટેટ, વિજીલન્સ કડક બનશે ફરી જૈસે થે, હરી પત્તીમાં અંજાશે અને ફરી આવો કોઈ વર્દી પર હાથ નાખશે. હાલ તો હુમલાખોર લારીધારક નવાઝ અનવર માંડલીયા સામે તાલુકા પોલીસે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..