માતા-પિતાને અવગણીને પ્રેમલગ્ન નહિ કરું”ના સોગંદ લેવડાવનાર સફળ અને શ્રેષ્ઠ વક્તા અશ્વિન સુદાણી

ધર્મ-કાયદો કે જ્ઞાનથી પણ શક્ય નથી તેવું કાર્ય એક સંકલ્પકારના સંકલ્પ થી……. તરુણ,કિશોર અને યુવા અવસ્થાએ પહોચેલી દીકરીઓને સ્ત્રીઅસ્તીત્વ માટે જાગૃતિ લાવી, ભવિષ્યમાં શ્રેષ્ઠ માનવ રત્નો માટે સ્ત્રીના માનસ પટ પર મજબૂતાઈના બીજ રોપવાનું કાર્ય કરતા શ્રી અશ્વિન સુદાણીના સંકલ્પો અને સિધ્ધિઓ જાણી સૌ કોઈ વાચક મિત્ર અચરજ પામશે.

પોતાના વર્ષોના અનુભવો, વર્ષ ૨૦૧૪ થી સતત આજ દિન સુધી ફેમીલી કોર્ટના કાઉન્સેલર તરીકે પ્રથમ હરોળની કામગીરીના અનુભવો, કિશોર-તરુણ અને યુવા અવસ્થાના માનસિકતાના સંશોધન કાર્યથી એક નવું સ્વરૂપ ઉભરીને આવ્યું: “મુગ્ધા સેમીનાર”.

આજ લખાય છે. ત્યાં સુધીમાં ૨૧૦૦૦ કરતા વધુ દીકરીઓ શ્રી અશ્વિનભાઈ સુદાણી દ્વારા સંશોધન થયેલ, તેમનાથી જ પ્રેરિત થયેલ અને જેના ખુદ પ્રસ્તુતકર્તા છે તે મુગ્ધા સેમિનારના માધ્યમથી સુરક્ષિત થઇ છે. વર્ષ ૨૦૧૯ માં મુગ્ધા દ્વારા એક લાખ દીકરીઓને સુરક્ષિત કરવાનું અભિયાન લઈને તેઓ સફળ ખેડાણ કરી રહ્યા છે.

અશ્વિનભાઈ સુદાણીના અભિયાનનો સંકલ્પ છે. મુગ્ધાથી મહા માનવ રત્નની ખોજ. દીકરીઓ મુગ્ધા સેમીનાર ફળ સ્વરૂપે સ્વેચ્છાએ પ્રતિજ્ઞા લે છે. (1) લગ્ન પહેલા શારીરિક સંબંધ નહિ.(૨) માતા-પિતાને અવગણીને ભાગીને લગ્ન નહિ. (3) કોઈ કાલે આત્મ હત્યા નહિ. (૪) લગ્ન પછી શક્ય હોય ત્યાં સુધી છુટ્ટા છેડા નહિ.

સાંપ્રત સમયમાં ૭૦% કરતા વધુ માતા-પિતા પોતાના કિશોર-તરુણ અને યુવા અવસ્થાએ પહોચેલા બાળકોના વર્તન-વ્યવહાર અને ભવિષ્યથી ચિંતિત છે ત્યારે જેનો ઉકેલ નથી તેવી સમસ્યાનો ઉકેલ લઈને શ્રી અશ્વિનભાઈ સુદાણી કાર્યરત છે. પોતાની ઓફિસે સ્વ ખર્ચે નિરાશા-હતાશા-આત્મહત્યા નિવારણ(ની:શુલક) કેન્દ્ર ચલાવે છે.

દરેક વિશેષ કાર્ય કરનાર વ્યક્તિની પોતાની એક નિજી જિંદગી હોય છે. પોતાના જીવનના ચઢાણઉતારના અનુભવો જયારે સકારાત્મક મોડ આપવામાં આવે ત્યારે સર્જાય છે. ની:સ્વાર્થ સેવા ભાવના. આવો આપણે સફર કરીએ આજના સંકલ્પકારની જીવન સફરમાં………

શૂન્યમાંથી સર્જન કરાયું હોય અને કલ્પના મુજબનું સર્જન કર્યા બાદ ભૂકંપનો એક ઝટકો આવે અને બધું જ વેરવિખેર થઈ ગયા બાદ ફરી એક વખત નવસર્જન કરવાની જવાબદારી જયારે મનુષ્ય પર આવી પડે છે ત્યારે ચોક્કસપણે કોઈપણ વ્યક્તિની હિંમત જવાબ આપી દેતી હોય છે. કપરી પરિસ્થિતિ વચ્ચે પણ હિંમત અને સાહસ સાથે બહાદુરીપૂર્વક રણમાંથી જહાજ હંકારવામાં સફળ થનાર માનવી જ બીજી વ્યક્તિ માટે સાચા મોટીવેટર કે પ્રોત્સાહક પરિબળ સાબિત થતા હોય છે. અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના પીપળવા-ગીર ગામનાં અશ્વિન સુદાણી બાળકો, યુવાનો, વડીલો અને સમગ્ર પરિવાર માટે સમાજમાં એક સાચા મોટીવેટર તરીકે ઉભરી આવ્યા છે,

૯૦ ના દસકામાં અડધા લાખથી વધુની માસિક આવક ધરાવવી એ કોઈપણ ભારતીયો માટે ગૌરવ લેવા જેવી બાબત ગણાતી હતી. આકરી મહેનત અને પુરુષાર્થ થકી અશ્વિન સુદાણી ૯૦નાં ઉતરાર્ધમાં પારિવારિક ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીનાં ધંધામાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. પરંતુ ચઢતી યુવાનીમાં લેવાયેલાં કેટલાંક ધંધાકીય ઉતાવળા નિર્ણયોના કારણે એકાએક આર્થિક સંકડામણનો સામનો અશ્વિનભાઈની પેઢીએ કરવો પડ્યો હતો.

જીવનનાં આવા જ કેટલાંક નબળા-સબળા અનુભવોનું ભાતું વહેંચતા અશ્વિનભાઈ દ્રઢ વિશ્વાસ સાથે કહે છે કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિનું મન મક્કમ હોવું અને સામનો કરવાની તૈયારી જ જીવનની અડધી મુશ્કેલીઓ એમ જ ઘટાડી નાખે છે. બાકી જે મુશ્કેલીઓ બચે છે તેને વ્યક્તિ તેનાં દ્રઢ મનોબળના સહારે જીતી જાય છે, બાળમંદિરથી લઈને પ્રાથમિક શિક્ષણ માદરે વતન પીપળવા(ગીર)માં મેળવ્યા બાદ અશ્વિનભાઈએ રાજકોટ આવીને શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ(ગોંડલ રોડ)માં ધોરણ સાતથી દસ સુધીનો અભ્યાસ કર્યો હતો. જ્યાં ખરેખર તેમનાં જીવનનાં ઘડતરની શરૂઆત થઇ હતી. ગુરુકુળના સંતો અને શિક્ષકોએ તેમનામાં રહેલી છૂપી વકૃતત્વ કળાને બહાર લાવવાનું નોંધપાત્ર કાર્ય રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ- ગુરુકુળ શાળાએ કર્યુ હતું કે જ્યાં અશ્વિનભાઈએ ધોરણ ૧૧ અને ૧૨ નો અભ્યાસ કર્યો હતો.

કોલેજ કાળ દરમ્યાન જ નોકરી કરવાની શરૂઆત કરી દીધી હતી અને જોત-જોતા માં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં હાથ બેસી જતાં ધંધો આરંભી દીધો હતો. ૯૦ના દસકામાં યુવાન અશ્વિનભાઈ અને તેનાં પારિવારિક સભ્યો દ્વારા ધંધામાં લેવાયેલાં ઉતાળવા નિર્ણયોનાં કારણે આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો. પરિવારને બે ટંક ભોજનનાં ફાફા પડે, એવામાં પડ્યા પર પાટુ સમાન અચાનક ૧૪મી મે ૧૯૯૯નાં એ કારમા દિવસે અશ્વિનને અકસ્માત નડે છે.

અશ્વિનભાઈ કહે છે કે એ તારીખ તો કેમ ભૂલી શકાય કે એક તરફ લેણદારોને તેની રકમ ચુકવવાની જવાબદારી અને ચિંતાએ જીવનને ચારે તરફથી ઘેરી લીધું હોય તેવામાં વ્યક્તિને માત્ર આત્મહત્યાનાં કરી લેવાનાં વિચારો આવે છે. અશ્વિનભાઈ સુદાણી કહે છે કે “જયારે-જયારે આવા નબળા વિચારો આવે ત્યારે તેના પર નિયંત્રણ લાવવા માટે ભૂતકાળમાં શાળાકિય અને કોલેજ કાળનાં શિક્ષણ દરમ્યાન ગુરુઓએ આપેલાં જ્ઞાન અને પિતાનાં શબ્દો યાદ આવે એટલે તુરંત જ નબળા વિચારોને ત્યાગી દેતો અને જીવનમાં ફરીથી બેઠા થવાનાં કાર્યમાં જોતરાઈ જતો હતો.”

મુખ્ય પ્રેરણા બળ એવાં તેમનાં પિતાજીનાં શબ્દો “આપ સમાન બળ નહિ અને મેઘ સમાન જળ નહિ” ને યાદ કરતાં અશ્વિનભાઈ કહે છે કે અકસ્માતમાં થી સાજા થઈને ફરીથી બેઠા થવાનો નિર્ધાર કર્યો અને ટુથ બ્રશ વેચવાથી કામ શરૂ કર્યું હતું અને સખત મહેનતનાં કારણે જોતજોતમાં માર્કેટીંગની દુનિયામાં નોંધપાત્ર સફળતા માત્ર ટૂંકાગાળામાં મેળવી લીધી હતી. અમદાવાદમાં જ રહીને માર્કેટીંગની દુનિયામાં સફળતાની સીડી ચઢયા બાદ હજુ પણ જીવનનો લક્ષ્યાંક અશ્વિનભાઈને દુર જ લાગ્યો હતો. મિલેનિયમ યુગની શરુઆતમાં તેમણે અમદાવાદ છોડીને સુરતમાં સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. હીરાની નગરી સુરતમાં પણ સ્થાયી થવા માટે અશ્વિનભાઈએ ઝઝૂમવું પડ્યું હતું.

શરૂઆતમાં સુરતમાં દવાઓનાં માર્કેટીંગથી કામ કર્યા બાદ પ્લમ્બીંગ અને ગતારલાઈનનું કાર્ય પણ અશ્વિનભાઈએ કર્યું હતું. તેમનું માનવું છે કે ગટરો સાફ કરવાનું કાર્ય કરવાની તૈયારી દાખવી તો આજે સફળતાના શિખરો સર કરવા મળ્યા છે. કોઈ પણ કામ કદી નાનું હોતું નથી. બસ ખંતથી લાગી પડવું પડે છે.

દવાનાં માર્કેટીંગ અને પ્લમ્બીંગનાં કામ દરમ્યાન જ સુરતની હીરાઉધોગની એક ટોચની કંપનીમાં એચઆર વિભાગ અને ટ્રેઈનરની જવાબદારી નિભાવવાનો અવસર મળ્યો. અશ્વિનભાઈએ તે જવાબદારી શિરે ઉઠાવી લીધી અને આજ પર્યત સુધી લોકોને વિવિધ તાલીમ આપવાનું ભગીરથ કાર્ય ચાલુ કર્યું જે આજ પર્યત ચાલુ છે. અત્યાર સુધી અશ્વિનભાઈએ તેમની કુનહ અને તાલીમ થકી હીરા ઉધોગ અને બીજા ઉદ્યોગને પરિણામલક્ષી પરિણામો આપ્યા છે. ખુબ ટૂંકાગાળામાં ૧૨ લાખ કરતાં વધુ કર્મચારી તથા ૭૦ હજાર કરતાં વધારે શિક્ષક અને પ લાખ કરતાં વધારે વાલી-વિદ્યાર્થીઓને ટ્રેનીંગ અને સેમીનાર દ્વારા માર્ગદર્શન આપ્યું છે.

વર્ષ ૨૦૧૬માં ૧૬ થી ૧૯ જુન દરમ્યાન તેમણે સતત ૭૫ કલાક ૩૨ મીનીટસ સાથે ૭૫ વિષય, કુલ મળી ચાર દિવસ ત્રણ રાત્રી સતત પ્રવચન આપીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ સ્થાપિત કર્યું છે. પ્રવચનના લક્ષ્યાંકને સફળ બનાવવા તેમના ધર્મપત્ની અને બન્ને બાળકોનો પુરો સહયોગ અને સહકાર મળ્યો હતો. અશ્વિનભાઈ સુદાણીના માટે આજે યુવાઓ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને ધાર્યા પરિણામો મેળવી શકે છે.વિશ્વમાં આપણો દેશ સૌથી વધુ યુવાઓ ધરાવતો દેશ છે છતાં ક્ષમતાનો પુરેપુરો ઉપયોગ કરતાં નથી તે કરુણ વાસ્તવિકતા છે. આપણે ત્યાં યુવાનોની શક્તિનો વપરાશ ધાર્મિક ઉજાગરા કરવામાં અને જ્ઞાતિવાદના ઝઘડામાં વપરાય છે. આ શક્તિને યોગ્ય દિશા નિર્દેશની તાકીદે જરૂરિયાત છે. આજનો યુવાન માર્ગથી ભટકી ગયો છે. તેને ચોક્કસ તાલીમ થકી તેનાં લક્ષ્યાંક સુધી લાવી શકાય છે. આ માટે અશ્વિનભાઈ ગુજરાતભરમાં ધર્મ,રાજકારણ અને વાડાબંધી મુક્ત યુવા પથદર્શક તૈયાર કરવા અને બાળપ્રતિભા શોધવાનું બાળકોને તૈયાર કરવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે.

૧.આપશ્રીને વિશ્વ વિખ્યાત ગીનીસ બુક વર્લ્ડ રેકોર્ડનો વિચાર કેવી રીતે અથવા શા માટે કર્યો?

વિશ્વ વિખ્યાત ગીનીસ બુક વર્લ્ડ રેકોર્ડનો હેતુ : યુવાનોને પ્રેરણા આપવી. કૌશલ્ય પ્રતિભા બહાર લાવવાના પ્રયત્ન કરે, આત્મહત્યા બંધ થાય, તૂટતા કુટુંબો અટકે, મનથી હારી ચૂકેલો વ્યક્તિ ફરી ઊભો થઈ કઈ ક કરી શકે તે માટેની એક ભાવના જોડાયેલી રહી, કારણકે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી અને વિદ્યાર્થીઓના સેમીનાર દરમિયાન એવી ચેલેન્જો આવતી કે તમે જે બોલો છો એ માત્ર બોલવામાં સહેલું છે, કરવું ઘણું અઘરું છે, માટે આવી બધી જ વાતોને ધ્યાનમાં લઈ મનોમંથન કર્યું કે હું એવું તો શું કરુ જે મારા વિચારો, વક્તવ્યની સાબિતી પુરવાર કરે ! વિચારણા વમળોમાં ૨૦૧૪ ધનતેરસની રાત્રે ૧૧:૩૦ વાગ્યે ઉંઘ નહોતી આવતી માટે પોતાના ધર્મ પત્નીને જગાડી કહ્યું કે મારે કઈક પ્રેરણાદાયી અસ્તિત્વ ઉભું કરવું છે. હું યુવાનોના મોટીવેશન માટે શું કરી શકુ? જેથી તેનામાં આંતરિક જાગૃતિ આવે? આવા વિચારોથી નવા વિચારની જન્મ થયો કે ગિનીઝ બુકની સિધ્ધી માટે પ્રયત્ન કરવો જે વિચારની રજૂઆત સાંભળી “તેણીની ” હા આવી.

હવે તેમાં આગળ વધવા માટે તે માટેનું જરૂરી રીસર્ચ કાર્ય કરવાની શરૂઆત કરી. એ દિવસો દરમિયાન ગીનીસ બુક વર્લ્ડ રેકોર્ડની સાઈટ ઉપર કોમ્યુનીકેશન કર્યું.વર્લ્ડના વિશ્વના સૌથી લાંબી સ્પીચ આપનાર ટ્રેઇનર તરીકે ટાઈટલ માંગવામાં આવ્યુ એ જ દિવસે ગીનીસ બુક વર્લ્ડ રેકોર્ડ મેનેજમેન્ટે એમને પરમિશન ના આપી એ જ ક્ષણે એક સંકલ્પ કરેલો કે જે એવોર્ડ આપનાર વિશ્વની મોટી સંસ્થાએ “ના ” પાડી છે ત્યારે આ યુથ માટે હું આવી સંસ્થા શરુ કરીશ. (અને એ કર્યું પણ ખરું આજે યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ સંસ્થા એમણે ઉભી કરી.) આગળ પ્રોસેસ દરમિયાન લોંગેસ્ટ મેરાથોન સ્પીચ માટે ૬ મહિનાના સતત સંપર્ક અને અનેક પ્રકારના એવીડન્સ મંગાવ્યા પછી અંતમાં ગિનીઝ બુકમાં એમનું નામ નોમીનેટ થયુ.

૨, આ પ્રોગ્રામ માટે પરવાનગી મળ્યા પછીનો સંઘર્ષ કેવો હતો?

મોટા, કઠીન અને સાહસભર્ય આયોજનમાં પહેલી જ સમસ્યા ઘરમાંથી આવે.સ્વાભાવિક છે પરિવારની જવાબદારી માટે પહેલો પ્રશ્ન નાણાકીય આવકનું શું એ બાબતોનો હતો. બીજો પ્રશ્ન આ પ્રોગ્રામ ૭૫ કલાકનો હોવાથી ચાર દિવસ ત્રણ રાત્રી જાગવાનો અને સફળતા પ્રાપ્ત કરવા માટે હતો. કેટલા પ્રકારે તેની તૈયારી કરવી ?તો ઘણા પ્રકારની

મુંજવણ સાથે શારીરિક માનસિક બાબતો માટેનો પણ ખુબ સંઘર્ષ હતો છતા પુત્ર પુત્રી અને પત્ની એમ પરિવાર એક થઈને એવો વિચાર કર્યો કે આપણે સાથે મળીને એવું સ્વરૂપ આ વિષયને આપીએ કે 100પરિપૂર્ણ કરીને સમાજને વિચાર ક્રાંતિનું દાન આપી શકીએ

વાત પડકારો અને સંઘર્ષની કરીએ તો શરીર માટેનો પડકાર હતો. આજે ૪૫ વર્ષની ઉમર થવા જઈ રહી છે તો શરીરની આરામની,ખોરાકની જૂની આદતોમાંથી તેને બહાર લાવવાની હતી . આખી વ્યવસ્થા ઉભી કરવાનો પડકાર હતો કે ૭૫ કલાક કોણ બેસશે ? પહેલી જાન્યુઆરી થી સંપૂર્ણપણે અનાજ છોડવાનો નિર્ણય લીધો .તેની સામે શરીરને શું શું આપવું એ તૈયારી કરી .શરૂઆતના સાત દિવસ સંપૂર્ણ પણે અશક્ય લાગ્યું કે આપણાથી આ નહિ જ થાય. અનેક વખત શરીરમાંથી ભોજનની માંગ આવી દોઢ મહિના પછી અહેસાસ થયો કે હવે અનાજ વગર માત્ર મગ ,પાણી અને જ્યુસથી શરીર ચાલશે.

બીજો પડકાર એ હતો કે રાતની ઊંઘને કેમ તોડવી? આ માટે ત્રીજી માર્ચથી ૧00% ઊંઘવું નહિ એ મારા પરિવારે નક્કી કર્યું અને આ અમારો વિચાર અતિ સંઘર્ષમય હતો. પરિવાર મારી સાથે જાગશે. આ નક્કી થયા પહેલા ૨૨ કલાક જાગી શક્યા હતા. હું અને મારા પત્ની સતત આ પ્રવૃતિમાં હતા. મારી દીકરી મારી દવા ઓ અને ભોજન વ્યવસ્થાની જવાબદારી નિભાવી રહી હતી. મારો દીકરો ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડ માટેની દરેક બાબત પર ધ્યાન રાખતો હતો. આવી રીતે ચારે ભેગા થઈ છેલ્લા ત્રણ મહિના રાત દિવસ જાગવાનું શરૂ કર્યું છેલ્લા મહિનામાં જુન પહેલા મારા શરીરમાં વધારે શક્તિ આવી તેમાં ડોક્ટરનું એવું કહેવું હતું કે તમારી સ્વરપેટી કાયમને માટે ખરાબ થઈ શકે છે કદાચ તમે ૭૫ કલાક સ્પીચ આપ્યા પછી ‘ના’ પણ બોલી શકો તેટલી હદ સુધીની અસર આવી શકે છે એવા સમયે અમે અમારા કુળદેવી અને ભગવાન સ્વામિનારાયણની સતત પ્રાર્થના કરી અને શ્રધ્ધાથી સંકલ્પ કર્યો કે એ વસ્તુ ઈશ્વર નહિ થવા દે ,અહીંથી એ સંકલ્પને અમે વળગી રહ્યા .

ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડ કરવો એ એવો પડકાર હતો કે જેમાં બે બાબત સામેલ છે. સામે (1) સફળતા મળશે તો દુનિયા સન્માન કરશે. (૨)નિષ્ફળતા મળશે તો આગળની જિંદગી જીવવી અઘરી પડી જશે .તો આવા પ્રકારનો ડર,ચિંતા સતત મનમાં રહેતી.

આ પ્રોગ્રામની સફળતા તેમજ નિષ્ફળતા માટેનો એક યક્ષ પ્રશ્ન દરેકના ચહેરા પર હતો પણ મારા માટે ના હતો. મારી આસપાસ સંકળાયેલ તમામ વ્યક્તિઓ મારા હિત માટે પરિવારના સભ્યોને કહી જતા કે આટલી લાંબી સ્પીચ શકયે ના થઈ શકે, માટે શક્ય હોય તો આ પ્રોગ્રામને તમે છોડી દો .પણ હું મારા મનથી નિશ્ચિત હતો કે મારે આ પ્રોગ્રામ હર હાલમાં કરવો છે છતા જયારે હું ઘરે પ્રેક્ટીસ કરતો અને થાકી જતો ત્યારે ક્ષણિક વિચાર આવી જતો કે કદાચ પૂર્ણ ના કરી શકો તો ?

ભૂત કાળના જીવનમાં બનેલી અનેક ઘટનાઓ અને નિષ્ફળતાના કારણે લોકો શું કહેશે એ સફળતા કે નિષ્ફળતાનો ક્યારેક વિચાર કર્યો નથી .કયારેક કોઈ વિચાર આવી જાય તો મારા મગજ પર હાવી થવા દીધો નથી આ બાબતે પરિવારનો પૂરો સપોર્ટ મળ્યો છે .એક કહેવત છે કે “ફીનીક્સ પક્ષી રાખ માંથી બેઠું થાય.” એવી રીતે જ મારા જીવનના સંઘર્ષમાંથી હું એ જ રીતે ઊભો થયેલ હોવાથી પિતાશ્રી નું વાક્ય “આપ સમાન બળ નહિ મેઘ સમાન જળ નહી” જીવનમાં ઉતારેલ હોવાથી પોતાની અંદરના આત્મવિશ્વાસે નિષ્ફળતાની ચિંતા કરી ના હતી .

રહી વાત સફળતાની તો સફળતા મળ્યા પછી સમાજ કે અન્ય વ્યક્તિ દ્વારા કયા પ્રકારનું મારી સાથે વ્યવહાર કે વર્તન હશે એ પણ કયારેય વિચાર્યું ના હતું, કારણકે જે હેતુથી મે આ કાર્ય હાથ ધર્યું હતું તે જ માત્ર મારા માટે મહત્વનું હતું. પંદર જુન એટલે ગિનીઝ પરીક્ષાનો આગલો દિવસ. આ પરિક્ષા માટે ખુબ જ મહેનત કરેલી. મને ખુબ જ આગ્રહ હતો કે મારા પ્રોગ્રામની શરૂઆત મારી માતૃ સંસ્થા શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટના મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી આવીને ઉદઘાટીત કરે તો એમની પણ હા આવી એ ૧૦૦% પ્રોગ્રામ સફળ થશે એવો આશીર્વાદ આપ્યા. સાથે સાથે અમેરિકાથી શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્વામીનો ફોન આવ્યો કે સૌ સારા વાના થશે .અમે સંતો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.

ખુબ જ ઉત્સાહ સાથે ૧૬ જુન સવારમાં ૯:૫રથી વિશ્વના સૌથી વધુ સમય માટેના ભાષણની શરૂઆત થઈ સંતો તેમજ સુરતના મહાનુભાવો હાજર રહ્યા. પ્રવચનની પહેલી શબ્દધારા વર્લ્ડ રેકોર્ડના હેતુ પર રહી. જયારે પ્રથમ વિષય પ્રાર્થનાથી શરુઆત કરી ખૂબીની વાત એ છે ૭૨ કલાક સુધી સતત અલગ અલગ વિષયો ઉપર પ૫૦ કરતા વધારે ઉદાહરણો આપીને, જે મે મારી વાત રજૂ કરી છે તેમાં કોઈ જગ્યાએ ક્યારેય એવુ કહેવામાં નથી આવ્યું કે આમ કરજો અર્થાત ક્યારેય સલાહ આપવામાં આવી નથી, દરેક વખતે પ્રાર્થનારૂપી વિનંતી કરી કે જે છે તેમાં આમ કરીએ તો વધુ સારુ, શ્રેષ્ઠ અને વિષયલક્ષી બાબતોને ધ્યાનમાં રાખી ઉદાહરણો પુરા પાડવામાં હું સફળ રહ્યો .

ગિનીઝ બુકમાં સ્પીચ આપવાનો સંઘર્ષનો બીજો દિવસ હતો અને મગજ શક્તિ ૩૦% છૂટી ગઈ હતી તેવા વખતે શરીરનો દુઃખાવો, ખુબ જ ઉંઘ વધવી, ગળામાં સ્વરપેટી પર વધારે દબાણ થયેલું. આ આયોજન દરમ્યાન મારા ધર્મપત્ની જયશ્રી, દીકરો મૌલિક અને દીકરી યશપ્રિયા આ ત્રણેય રાત દિવસ સતત જરૂરી તમામ કાર્યમાં લાગી રહેલા. આમાં પ્રોગ્રામ દરમિયાન વિશેષ વ્યક્તિઓનો સહકાર રહ્યો તેમાં સમસ્ત ગુજરાતના અમારા ત્રાડા, તાડા અને સુદાણી પરિવારનો રાત દિવસનો સહકાર રહ્યો .રાત દિવસ તેમની હાજરી રહી આ સિવાય ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓ આવ્યા .આ સમય દરમિયાન ઘણા સારા અનુભવો થઈ રહ્યા હતા ,ઈશ્વર સાથેનું સાનિધ્ય સમાજ સાથેનો સહકાર , પારિવારિક પ્રેમ મળવો વગેરે .

ત્રીજા દિવસની રાત એટલે મારા સંકલ્પની કતલની રાત. મારું શરીર કોઈ પણ સંજોગોમાં બોલવા માટે તૈયાર ના હતું મારા મગજની શક્તિ ૬૦% થી વધારે લગભગ અજાગૃત હતી માત્ર એક જ લક્ષ્ય હતું ૭૫ કલાક પૂરા કરવા .રાત્રે ૨:૩૦ વાગ્યે જયારે પત્રકારો આવે તો હું બોલતા બોલતા લખીને એમને ચિઠ્ઠી આપતો કે મારા પર વિશ્વાસ રાખજો હું ૭૫ કલાક પૂરા કરી મારા ધ્યેય સુધી પહોચીશ જ.

સુદાણી પરિવારનો સહકાર, સંતોનું રાત દિવસ જાગવુ, જયારે જયારે મારા શરીરમાં વધારે તકલીફ પડતી ત્યારે ત્યારે ગુરુકુળના તમામ સંતો પ્રાર્થનામાં બેસી જતા અને ભક્તોને પણ કહેતા કે ભગવાનને પ્રાર્થના કરો કે એમને શક્તિ મળે .બસ આ રીતે ૭૫ કલાક પુરા કરી સમગ્ર ગુજરાત ભારતને વિશ્વનું લાંબુ પ્રવચન આપવાનો જે પ્રયત્ન કર્યો તેમાં સફળ રહ્યા છે. માટે સૌનો ખુબ ખુબ આભાર …

વર્લ્ડ રેકોર્ડ સંઘર્ષયાત્રા આ રીતે સફળતા સાથે નિર્વિને પરિપૂર્ણ થઈ અને એક નવો વિશ્વવિક્રમ બન્યો .

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો