વૃદ્ધ પાસેથી જે મળે છે એ અનુભવનો નિચોડ હોય છે જે આજની કોઈ શાળા કે કોલેજ ના આપી શકે

આજે ઓફિસકામથી ભાવનગર ગયેલો. પરત ફરતી વખતે સિહોરમાં રહેતા એક કર્મશીલ માજીના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. ઇચ્છાબેન રુગનાથભાઈ પંડ્યાની ઉંમર 102 વર્ષની છે આમ છતાં પોતાનું તમામ કામ જાતે કરે છે. આપને જાણીને આશ્વર્ય થશે કે આ માડી રસોઈ પણ જાતે બનાવે છે.

માજીને કોઈ દીકરો નથી, બે દીકરીઓ છે. સાસરે રહેલી દીકરીઓ અને જમાઈ તેમજ તેમના સંતાનો બાને સેવા કરવા પોતાની સાથે લઈ જાય પણ માજીને શહેરના વાતાવરણ કરતા સિહોરનું વાતાવરણ વધુ માફક આવે એટલે દીકરીઓના આગ્રહ છતાં માડી એકલા રહે. માજીની સેવા માટે એક બીજા બેનની વ્યવસ્થા પણ કરી છે આમ છતાં માજી બને એટલું પોતાનું કામ પોતાની જાતે જ કરે છે.

આજે તો ઘરમાં કામવાળી બેન રાખવાની ફેશન ચાલે છે ત્યારે આ 102 વર્ષના માજી ઘરમાં કામવાળી હોવા છતાં બને એટલું કામ પોતાની જાતે જ કરે છે. કોઈને સમયનો અભાવ હોય અને ઘરમાં કામવાળા રાખે તો સમજી શકાય પણ કેટલીક બહેનો સાવ નવરિધૂપ હોય પણ પોતાનું સ્ટેટસ બતાવવા કામવાળા રાખે અને પોતાની તંદુરસ્તીને ગીરવે મૂકે એવા બહેનો માટે ઇચ્છાબા પ્રેરણારૂપ છે.

મેં પૂછ્યું બા આટલું લાંબુ જીવી શક્યા અને આ ઉંમરે પણ હાથ-પગ, આંખ કાન બધા જ અવયવો ખૂબ સરસ રીતે કામ કરે છે એનું કારણ શું ? એક જ વાક્યમાં બહુ સરસ જવાબ આપ્યો , “નિયમમાં રહેવું “. સમયનું ચુસ્ત પાલન કરવાનું. સમયસર સુવાનું, સમયસર ઉઠવાનું, સમયસર ખાવાનું, ઘરનું ખાવાનું અને લોકોને મળતું રહેવાંનું”

વૃદ્ધ પાસેથી જે મળે છે એ અનુભવનો નિચોડ હોય છે જે આજની કોઈ શાળા કે કોલેજ ના આપી શકે.

– શૈલેષભાઇ સગપરિયા

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો