બનાસકાંઠાના લાખણી ગામે હાડ થીજવતી કડકડતી ઠંડીમાં ગત ૯મી જાન્યુઆરીએ આંતરડા બહાર આવી ગયા હોય તેવી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી, મા-બાપ દ્વારા તરછોડાયેલી તાજી જન્મેલી આ બાળકીને બાળ શિશુ ગૃહ દ્વારા સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગની ટીમે તાત્કાલિક આ બાળકીનું ઓપરેશન કરીને નવી જિંદગી બક્ષી છે, આ બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે. સિવિલના ડોક્ટરો અને નર્સો આ બાળકીને પોતાની દીકરીની માફક પ્રેમ-હૂંફથી રાખી રહ્યા છે અને તેમણે આ બાળકીનું નામ ધ્વનિ રાખ્યું છે તેમ સિવિલ હોસ્પિટલ ખાતે સવારે પત્રકાર પરિષદ યોજી ડોક્ટરોએ જાહેર કર્યું હતું.
સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે શિયાળાની કડકડતી ઠંડીમાં મા-બાપ દ્વારા તરછોડી દેવાયેલી આ બાળકીને ગેસ્ટ્રોથિસિસ નામની બીમારી હતી, જેના લીધે આંતરડા બહાર આવી ગયા હતા. ૧૦ હજારે બે બાળકોમાં આવી બીમારી જોવા મળતી હોય છે.
ડોક્ટરોએ કહ્યું કે, રામ રાખે તેને કોણ ચાખે તે કહેવતને સાર્થક કરતો આ કિસ્સો લાગી રહ્યો છે. ધ્વનિ નામની આ બાળકીને આગામી સમયમાં યોગ્ય પરિવારને દત્તક અપાશે, જે આ બાળકીની સારી રીતે દેખભાળ રાખી શકે.
સીવીલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, તરછોડાયેલી હાલતમાં મળેલી બાળકીના વિવિધ મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા, ત્યાર બાદ તાબડતોબ પીડિયાટ્રિક વિભાગની ટીમે સફળ ઓપરેશન કર્યું હતું.
ઓપરેશન બાદ ધ્વનિની સ્થિતિ અત્યારે સારી છે. સિવિલ હોસ્પિટલમાં બાળકીને લવાઈ ત્યારે તેનું વજન ૨.૩ કિલો હતું, જોકે અત્યારે બાળકીનું વજન ૨.૮ કિલો થયું છે જે સારી બાબત છે. અત્યારે બાળકીની તબીયત સારી છે. ગેસ્ટ્રોથિસિસ બીમારીથી પીડાતા બાળકોના જીવ બચ્યા હોય તેવા કેટલાક જ કિસ્સા પૈકીનો આ એક કિસ્સો છે.
અમદાવાદની સંસ્થામાં વર્ષે ૩૦ તરછોડાયેલા બાળકો આવે છે
તરછોડાયેલા બાળકોની સારસંભાળ રાખતી અમદાવાદની એક સંસ્થાના રિપોર્ટ મુજબ, વર્ષે ૩૦ જેટલા તરછોડાયેલાં બાળકો તેમની સંસ્થામાં આવે છે, સંસ્થા દ્વારા બાળકોની સારસંભાળ બાદ, બાળકને યોગ્ય પરિવારમાં દત્તક અપાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..