લોકડાઉનમાં પ્રેગ્નેન્ટ મહિલા માટે ‘દેવદૂત’ બનેલા પોલીસકર્મીના નામ પરથી મહિલાએ દીકરાનું નામ પાડ્યું ‘રણવિજય ખાન’

કોરોનાના ખતરાને જોતાં સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના લીધે ઘરમાં બંધ લોકોને અમુક બાબતોની મુશ્કેલી થઈ રહી છે. ત્યારે આ સમય દરમિયાન અમુક એવા ‘કર્મવીર’ છે જેમની પ્રશંસનીય કામગીરી ચહેરા પર સ્મિત લાવી દેશે. આવો જ એક કિસ્સો છે તમન્ના અને તેના પતિ અનીસ ખાનનો. મુસ્લિમ તમન્ના અલીને હિંદુ પોલીસકર્મીએ કરેલી મદદ એટલી સ્પર્શી ગઈ કે તેણે પોતાના નવજાત દીકરાનું નામ પોલીસકર્મીના નામ પરથી ‘રણવિજય ખાન’ પાડી દીધું.

બરેલીની રહેવાસી તમન્નાના પતિ અનીસ ખાન કોઈ અંગત કામે 10 દિવસ પહેલા નોઈડા ગયા હતા. તેઓ પરત આવવાની તૈયારી કરતા હતા ત્યારે જ લોકડાઉનના સમાચાર આવ્યા. આ તરફ ઘરે પ્રેગ્નેન્ટ પત્ની તમન્ના એકલી હતી. અનીસ નોઈડાથી પરત આવી શકતો નહોતો અને તમન્ના ઘરે એકલી પરેશાન થતી હતી. બુધવારે તમન્નાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો અપલોડ કરીને પોતાની પરેશાની શેર કરી હતી.

વિડીયો બરેલીના એસપી સુધી પહોંચ્યો તો તેમણે નોઈડામાં તહેનાત એડીસીપી કુમાર રણવિજય સિંહને આ મામલે મદદ કરવાનું કહ્યું. આ દરમિયાન રણવિજય એક મેડિકલ સ્ટોર પર અમુક દવા ખરીદતા હતા. આ તરફ તમન્નાની હાલત બગડી હતી. તેમણે તમન્નાને ફોન કરીને અનીસનું ચોક્કસ લોકેશન મેળવ્યું. દરમિયાન તેમને એવી જાણકારી મળી કે તમન્નાને લેબર પેન શરૂ થઈ ગયું છે અને તેના ઘરમાં કોઈ નથી.

બુધવારે રાત્રે લગભગ 11 વાગ્યે રણવિજયે ગાડીની વ્યવસ્થા કરીને તેના પર ઓર્ડર પાસ લગાવીને અનીસને બરેલી મોકલ્યો. રાત્રે 2.30 કલાકે અનીસ બરેલી પહોંચ્યો ત્યારે આસપાસના લોકોની મદદથી તમન્ના હોસ્પિટલ પહોંચી હતી. અમારા સહયોગી એનબીટી ઓનલાઈન સાથે વાત કરતાં અનીસે જણાવ્યું કે, ‘મારી પત્નીએ જ્યારે મને જોયો ત્યારે તેની આંખમાંથી આંસુ અટક્યા. તેણે તરત રણવિજય સરને મેસેજ કરીને કહ્યું કે, જો દીકરો જન્મશે તો તેનું નામ રણવિજય પાડીશ. હું બરેલી પહોંચ્યો એની 45 મિનિટમાં જ મને પિતા બનવાની ખુશી મળી. અમે દીકરાનું નામ રણવિજય રાખ્યું છે. મારી પત્નીને જરાપણ આશા નહોતી કે હું તેના સુધી પહોંચી શકીશ પરંતુ પોલીસની મદદથી આ શક્ય બન્યું.’

તો આ તરફ એડીસીપી રણવિજયનું કહેવું છે કે તેમણે માત્ર પોતાની ફરજ નિભાવી છે. રણવિજયે કહ્યું, “લોકો સમજે છે કે પોલીસવાળા કઠોર હૃદયના હોય છે. પરંતુ અમે જેટલા કડક હોઈએ છીએ માનવીય જરૂરિયાતોને પણ તેટલી જ સમજીએ છીએ. અમે કોઈની પીડા જોઈ નથી શકતા. જ્યારે એક મહિલા મા બનવાની હોય ત્યારે તેને તેના પતિની સૌથી વધુ જરૂર હોય છે. મેં તેમને (તમન્ના)ને કહ્યું હતું કે, અનીસને ત્યાં પહોંચાડવાની પૂરતી કોશિશ કરીશ. મેં માત્ર મારી ફરજ બજાવી છે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો