અમદાવાદના માધુપુરા વિસ્તારમાં વાહન સિઝિંગ(વાહન જપ્તી)ના વ્યવસાય સાથે સંકળાયેલા અને ગોલ્ડમેન તરીકે ઓળખાતા કુંજલ પટેલ નામના વ્યક્તિએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતક કુંજલ પટેલે વિધાનસભા ચૂંટણી 2017માં ઉમેદવારી પણ નોંધાવી હતી.
આ મામલે માધવપુરા પીઆઇ આર. ટી ઉદાવતે જણાવ્યું હતું કે, આ આત્મહત્યા પાછળ પરિવારમાં થયેલો ઝઘડો કારણભૂત છે. બે દિવસ પહેલા પત્નીને તેઓએ પિયર મોકલી દીધા હતા. પોલીસે તપાસ શરૂ કરી છે.
પત્ની સાથે બોલાચાલી થઈ હતી
શહેરના માધુપુરામાં આવેલી યોગેશ સોસાયટીમાં કુંજલ પટેલે શનિવારે ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે માધુપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કુંજલ વાહન સિઝિંગના ધંધા સાથે સંકળાયેલો હતો અને તે ધંધાના માર્કેટમાં જાણીતી વ્યક્તિ હતો. અગાઉ તેને પત્ની સાથે અને ઘરમાં બોલાચાલી થઈ હતી. જેમાં પત્ની પિયર જતી રહી અને બાદમાં કુંજલે આપઘાત કર્યો હતો માધવપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાનો ઉમેદવાર હતો
કુંજલ પટેલે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની દરિયાપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી. જો કે આ ચૂંટણીમાં તેની ડિપોઝિટ પણ ગઈ હતી. કુંજલ પટેલ શિવસેનાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યો હતો. સોનાના ઘરેણા પહેરવાના શોખીન કુંજલે પોતાની એફિડેવિટમાં 45 તોલા સોનાના ઘરેણા હોવાનું જણાવ્યું હતું. કુંજલ પટેલે મીડિયા સમક્ષ પણ કબુલ્યું હતું કે તેમના ઘરે 115 તોલા સોનું છે અને તેઓ પોતે 50 તોલા સોનાના ઘરેણા પહેરે છે.
કુંજલ પટેલ લોકો વચ્ચે વોટ માંગવા પણ ખુબ બધી જ્વેલરી પહેરીને જ જતો હતો. ગળામાં જાડી સોનાની ચેઈન, હાથમાં પણ એવા જ જાડા બ્રેસલેટ પહેરીને ચૂંટણી પ્રચાર કરતા ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આ ચૂંટણીની એફિડેવિટમાં તેમણે 49 લાખની સંપત્તિ, 24 હજાર રોકડા, 45 તોલા સોનું અને બે કાર દર્શાવી હતી. તેમનો મુખ્ય જંગ કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ અને ભાજપના ભરત બારોટ સામે હતો. જો કે કુંજલ પટેલને માત્ર 1393 મત જ મળ્યાં હતાં.
કુંજલે દરિયાપુરમાં પાટીલની સભામાં પથ્થરમારો કરવા ધમકી આપી હતી
ફેબ્રુઆરીમાં મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં દરિયાપુરમાં સી. આર. પાટીલની જાહેરસભા યોજાવાની હતી. આ સભા પહેલા કુંજલ પટેલે સ્થાનિક ભાજપના આગેવાન સંજય લિંબાચિયાને ધમકી આપી હતી કે, ‘ભાજપવાળા કોઈએ પણ સભા કે પ્રચાર કરવો નહીં તેમ છતાં જો કોઈ કરશે તો હું માણસો બોલાવીને પથ્થરમારો કરાવીશ.’ કુંજલ વિરુદ્ધ દરિયાપુર પોલીસમાં ગુનો પણ નોંધાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..