‘બાબા કા ઢાબા’માં ગ્રાહકો ના આવતાં 80 વર્ષીય યુગલ રડી પડ્યું, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં લોકો મદદે આવતાં લાઇનો લાગી

સોશિયલ મીડિયામાં હાલમાં જ એક વિડિયો વાઈરલ થયો હતો. આ વિડિયોમાં વૃદ્ધ યુગલની વાત સાંભળીને આખો દેશ મદદ માટે આગળ આવ્યો છે. દિલ્હીમાં ઢાબા ચલાવીને ગુજરાન કરનારું આ યુગલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે. ઢાબામાં કોઈ જમવા આવતું નહોતું. વિડિયો સામે આવ્યા બાદ હવે બોલિવૂડ સેલેબ્સ તથા ક્રિકેટર્સે મદદ માટે હાથ લંબાવ્યો છે. સોનમ કપૂર, રવીના ટંડન, સ્વરા ભાસ્કર, સુનીલ શેટ્ટી સહિતે કેમ્પેન શરૂ કર્યું છે.

બાબા તથા તેમનાં પત્ની વાત કરતાં કરતાં રડી પડ્યાં
વાઈરલ વિડિયોમાં 80 વર્ષનું કપલ છે. આ કપલ દિલ્હીના માલવીયનગરમાં ‘બાબા કા ઢાબા’ ચલાવે છે. વિડિયોમાં વૃદ્ધ રડતાં રડતાં કહે છે કે લૉકડાઉન તથા ચેપને કારણે તેમના ઢાબામાં લોકો જમવા આવતા નથી અને તેથી જ તેમને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિડિયો ‘સ્વાદ ઓફિશિયલ’ યુટ્યૂબ ચેનલનો છે. આ વિડિયોની એક ક્લિપ વસુંધરા શર્મા નામની ટ્વિટર યુઝરે શૅર કરી હતી. આ લખાય છે ત્યાં સુધી આ વિડિયો 2.2 મિલિયનથી વધુ વાર જોવામાં આવ્યો છે.

બે દીકરા-એક દીકરી મદદ નથી કરતા

બ્લોગર ગૌરવે આ વિડિયો શૂટ કર્યો હતો. 80 વર્ષીય કાંતા પ્રસાદ તથા તેમનાં પત્ની બદામીદેવી રોજ સવારે 6.30 વાગે ભોજન બનાવવાની શરૂઆત કરે છે. તેઓ સાડાનવ સુધીમાં ભોજન તૈયાર કરી લે છે. તેઓ દાળ, ભાત, શાક તથા પરાઠા બનાવે છે. તેઓ અંદાજે 30-50 પ્લેટ્સ તૈયાર કરે છે. વિડિયોમાં કાંતા પ્રસાદના ચહેરા પર માસ્ક લટકાવેલો છે અને તેઓ ચમચાથી મટર-પનીર શાક હલાવે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કેટલી કમાણી કરે છે? તો તેઓ ભાંગી પડ્યા હતા અને કહ્યું હતું કે તેમણે 10 રૂપિયાની કમાણી કરી છે. ચાર કલાકમાં તેમને 50 રૂપિયા જ મળ્યા છે. તેઓ ક્યારેય વધુ નફો કરી શક્યા નથી, પરંતુ મહામારીને કારણે તેઓ કમાણી કરી શકતા નથી. તેમને બે દીકરા કે દીકરી પાસેથી કોઈ મદદ મળતી નથી.

સોનમ કપૂરે કહ્યું, મને કોઈ નંબર આપી દો

સોનમ કપૂરે વિડિયો પર કમેન્ટ કરતાં કહ્યું હતું કે કોઈ આમનો નંબર આપી શકે છે, તે બંનેની મદદ કરવા માગે છે.

રવીનાએ કહ્યું, મને ફોટો મોકલો

રવીના ટંડને ટ્વિટર પર વિડિયો શૅર કરીને કહ્યું હતું, ‘જેકોઈ પણ ‘બાબા કા ઢાબા’ પર જમવા જાય તેઓ તેમની એક તસવીર મને મોકલે. હું એ તસવીર સાથે એક મેસેજ ટ્વિટર પર પોસ્ટ કરીશ.’

સુનીલ શેટ્ટીએ કહ્યું, આવો, તેમનું હાસ્ય પાછું લઈ આવીએ

સુનીલ શેટ્ટીએ વિડિયો શૅર કરીને કહ્યું હતું, ‘આવો, આપણે તેમનું હાસ્ય પાછું લાવીએ. આપણી આસપાસના વિક્રેતાઓને આપણી મદદની જરૂર છે.’

30 વર્ષથી દુકાન છે

જાણવા મળ્યું છે કે આ વૃદ્ધ કપલ છેલ્લાં 30 વર્ષથી માલવીયનગરમાં પોતાની આ દુકાન ચલાવે છે. સોશિયલ મીડિયામાં હજારો લોકો આ યુગલને મદદ કરી રહ્યું છે. આ જ કારણે આ વૃદ્ધ કપલના ચહેરા પર ફરીથી હાસ્ય આવી ગયું છે.

આપના ધારાસભ્યે મદદ કરી, લોકો પણ મદદે આવ્યા

આપના ધારાસભ્ય સોમનાથ ભારતીએ ‘બાબા કા ઢાબા’ને જરૂરી સામાન આપ્યો હતો. આ ઉપરાંત આ જગ્યાએ ઘણા લોકો જમવા માટે ઊમટી પડ્યા છે. કાંતા પ્રસાદે કહ્યું હતું કે કોવિડ 19ને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન કોઈ વેચાણ થયું નહોતું. જોકે, હવે એવું લાગે છે કે આખું ભારત અમારી સાથે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો