સમગ્ર દેશમાં વર્ષ 2021નું પ્રથમ ઓર્ગન ડોનેશન અંગદાનમાં અગ્રેસર એવા સુરત શહેરમાંથી થયું છે. ડિંડોલીમાં રહેતા અને અક્સ્માત બાદ બ્રેનડેડ થયેલા કારખાનેદારના પરિવારે તેમના અંગોનું દાન કરી 5 વ્યક્તિને નવું જીવન આપ્યું છે. તેમના હૃદય અને ફેફસાનું સુરતથી 1618 કિમીનું અંતર 170 મીનીટમાં કાપીને ચેન્નાઈની હોસ્પિટલમાં બે દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ડિંડોલીની અંબિકા સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ પટેલ(57) તા.30 ડિસેમ્બરે પ્રમુખ પાર્ક બ્રિજ પરથી જતા હતા ત્યારે અચાનક ગાય આવી જતા બાઈક સ્લીપ થઈ હતી. સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી સિટીસ્કેન કરાવતા હેમરેજના કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયાનું જણાતા તબીબોએ લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. જોકે 1લી જાન્યુ.એ તબીબોએ બ્રેનડેડ જાહેર કરતા અંગ દાન કરાયા હતા.
ડીંડોલી વિસ્તારમાં આવેલી અંબિકા સોસાયટીમાં 57 વર્ષીય વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા અને પાંડેસરા પ્રમુખ પાર્ક સોસાયટીમાં ક્રિષ્ના ટેક્ષ્ટાઇલના નામથી વિવિંગ યુનિટ ચલાવતા હતા. 30 ડિસેમ્બરના રોજ વિષ્ણુભાઈ પાંડેસરામાં આવેલ પોતાની વિવિંગ ફેક્ટરી પરથી રાત્રે 7.15 કલાકે પોતાની બાઈક પર પ્રમુખ પાર્ક પાસેના બ્રીજ ઉતરીને પોતાના ઘરે ડીંડોલી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગાય આવી જતા તેઓએ બ્રેક મારતા બાઈક સ્લીપ થઇ પડી જતા તેઓને માથાના ભાગે તથા ડાબા પગે ઈજા થવાથી સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ડોક્ટરોએ ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.
1 જાન્યુઆરીના રોજ ન્યૂરોસર્જન, ન્યૂરોફિજીશિયન, ઇન્ટેન્ટસીવીસ્ટ, ફીજીશીયન સહિતના તબીબોએ વિષ્ણુભાઈને બ્રેનડેડ જાહેર કર્યા હતા. પરિવારજનોએ હોસ્પિટલમાં લાગેલા ડોનેટ લાઈફ સંસ્થાના અંગદાન જીવનદાનના પોસ્ટરનો સંદેશ વાંચ્યો હતો. તેથી પરિવારના હિતેશભાઈએ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરતા અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. પરિવારજનોએ જણાવ્યું કે અમે થોડા દિવસ પહેલાજ જશ સંજીવ ઓઝા નામના અઢી વર્ષના બાળકના અંગદાનના સમાચાર વર્તમાનપત્રોમાં વાંચ્યા હતા. ત્યારે અમને લાગ્યું હતું કે આ એક ખુબ જ ઉમદા કાર્ય છે જેનાથી બીજી વ્યક્તિઓને નવજીવન મળે છે. આથી જયારે અમારા સ્વજન બ્રેનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમનું શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેમના અંગદાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન કરવા તૈયારી છીએ.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા SOTTOના કન્વીનરનો સંપર્ક કરી હૃદય, ફેફસાં, કિડની અને લિવરના દાન માટે જણાવ્યું હતું. ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી નહિ હોવાને કારણે SOTTO દ્વારા ROTTO મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ROTTO મુંબઈમાં પણ કોઈ દર્દી નહિ હોવાને કારણે NOTTOનો સંપર્ક કરવામાં આવ્યો હતો. NOTTO દ્વારા હૃદય ચેન્નાઈની MGM હોસ્પીટલને અને ફેફસાં ચેન્નાઈની એપોલો હોસ્પીટલને ફાળવવામાં આવ્યા હતો. જયારે SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની IKDRCને ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ ચેન્નાઈથી સુરત આવી MGM અને એપોલો હોસ્પિટલની ટીમે આવી હૃદય અને ફેફસાંનું દાન સ્વીકાર્યું હતું. જયારે કિડની અને લિવરનું દાન અમદાવાદની IKDRCના ડોક્ટરની ટીમે આવી સ્વીકાર્યું હતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વિકાર્યું હતું.
સુરતથી અમદાવાદનું અંતર 190 મિનિટમાં કાપીને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ
સુરત મહાવીર હોસ્પિટલથી ચેન્નાઈનું 1618 કિમીનું અંતર 170 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ MGM હોસ્પિટલમાં ચેન્નાઈના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં અને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ એપોલો હોસ્પિટલમાં ચેન્નાઈની રહેવાસી 62 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે. સુરતની મહાવીર ટ્રોમા હોસ્પિટલથી અમદાવાદની IKDRC હોસ્પિટલ સુધીનું 270 કિમી રોડ માર્ગનું અંતર 190 મિનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ખેડાના રહેવાસી 45 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. જયારે બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી તેનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું નથી.
ગુજરાતમાંથી હૃદયદાનની આ 39મી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદયદાન કરાવવાની આ 31મી ઘટના છે.જેમાંથી 20 હૃદય મુંબઈ, 5 હૃદય અમદાવાદ, 4 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી ફેફસાંના દાનની આ 7મી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાં દાન કરાવવાની આ છઠ્ઠી ઘટના છે. જેમાંથી 6 ફેફસાં ચેન્નાઈ, 4 ફેફસાં મુંબઈ અને 2 ફેફસાં બેંગ્લોરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. હ્રદય અને ફેફસાં સમયસર ચેન્નાઈ પહોંચાડવા માટે મહાવીર ટ્રોમા હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની અને લિવર અમદાવાદની IKDRC મોકલવા માટે મહાવીર ટ્રોમા હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના 270 કિમીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
કુલ 856 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 786 વ્યક્તિઓને નવુજીવન
કોવિડ-19ની મહામારી દરમિયાન આખા દેશમાં અંગદાનની પ્રવૃત્તિમાં ખૂબ જ ઘટાડો થયો છે, ત્યારે વર્ષ 2021નું પહેલું કેડેવર ઓર્ગન ડોનેશન વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ પટેલના પરિવારજનોના સહયોગથી સુરતથી ડોનેટ લાઈફ દ્વારા કરાવવામાં આવ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 375 કિડની, 153 લિવર, 8 પેન્ક્રીઆસ, 31 હૃદય, 12 ફેફસાં અને 278 ચક્ષુઓ કુલ 856 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 786 વ્યક્તિઓને નવુજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી નહિ હોવાને કારણે હૃદય ચેન્નાઈની MGM હોસ્પિટલને અને ફેફસાં ચેન્નાઈની એપોલો હોસ્પિટલને અપાયા હતા. જયારે કિડની અને લિવર અમદાવાદની IKDRCને આપ્યા હતા. ચેન્નાઈથી સુરત આવી MGM અને એપોલો હોસ્પિટલની ટીમે હૃદય અને ફેફસાંનું દાન સ્વીકાર્યું હતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વિકાર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..