થેલેસેમિયાની ખામીથી પીડાતા દર્દીઓ માટે પાંચ હજાર વર્ષ જૂની આયુર્વેદ પદ્ધતિ આશીર્વાદ સમાન બની છે. રક્તબસ્તી નામે ઓળખાતી આ પદ્ધતિમાં થેલેસેમિયાના દર્દીઓને એનીમા દ્વારા બકરાનું લોહી ચઢાવવામાં આવે છે. દર્દીઓના આયુષ્યમાં સરેરાશ 10 વર્ષનો વધારો થાય છે. અમદાવાદમાં થેલેસેમિયાના 219 દર્દીઓ નિયમિતપણે રક્તબસ્તી લે છે.
અમદાવાદની અખંડાનંદ આયુર્વેદ કોલેજના ડૉ.અતુલ ભાવસારે 2010માં રક્તબસ્તીની શરૂઆત કરી. આ માટે જમાલપુર સ્થિતિ મ્યુનિ.કોર્પોરેશન માન્ય કતલખાનામાંથી બકરાનું લોહી મેળવવામાં આવે છે. ડીમાન્ડ વધતી જતાં ગુજરાત સરકારે રાજયમાં અન્ય ચાર સેન્ટરો જૂનાગઢ, વડોદરા, ભાવનગર તથા અમદાવાદમાં જ અસારવાની મણિબેન હોસ્પિટલમાં શરૂ કર્યા હતા.
કેવી રીતે પહોંચે છે બકરાનું લોહી?
કતલખાનાથી બકરાનું લોહી મેળવીને તેને હૉસ્પિટલમાં ફ્રિજ કરવામાં આવે છે. એનીમા આપતા પહેલા કતલ વખતે લોહીનો નમૂનો લેબોરેટરીમાં ચેક કરવામાં આવે છે. દર્દીનો બોનમેરો મજબુત થાય એ માટે બકરાના હાડકામાંથી મેળવાયેલા બોનમેરોમાં ઔષધિ તથા ગાયનું ઘી મિશ્ર કરીને દર્દીને અપાય છે. તેનાથી રક્તકણો ઝડપથી બને છે.
પેઇન લેસ હોય છે સારવાર
ડ્રીપ સેટના એક છેડે રબરની પાઇપ હોય છે જેનો એક છેડો ગુદામાર્ગે થઇ પેટમાં અપાય છે. લોહીને આંતરડા સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રક્રિયામાં માત્ર 15 મીનિટ જેટલો સમય લાગે છે. ખોરાકની જેમ લોહી પ્રક્રિયા થઇ પચી જાય છે. તેમાંથી લોહી બને છે જેમાં હિમોગ્લોબીન વધારે હોય છે.
દર્દીઓ વેબસાઇટમાં જોઇ આવે છે, વિનામૂલ્યે થાય છે ટ્રીટમેન્ટ
થેલેસેમિયામાં ખાસ કરીને લીવર તથા હાર્ટ ફેઇલ થઇ જાય છે. લાંબી સારવારથી તે અટકાવી શકાય છે. ગુજરાત બહારથી પણ દર્દીઓ આવે છે. ઘણાં દર્દીઓ રક્તબસ્તી ટ્રીટમેન્ટ અંગે વેબસાઇટમાં જોઇને આવે છે. તેમને વિનામૂલ્યે રક્તબસ્તી અપાય છે. હાલ અખંડાનંદ હોસ્પિટલ ઉપરાંત ગુજરાતમાં પાંચ થેલેસેમિયા સ્પેશ્યાલિટી ક્લિનિક (સેન્ટર ) ચાલે છે.
ઉજ્જૈનની ગાર્ડી મેડિકલ કોલેજમાં હાલ સારવાર ચાલુ છે. પંજાબના લુધિયાણામાં શરૂ કરવાના છે. તેના માટે બે વર્ષ પહેલાં ત્યાંનો સ્ટાફ તાલીમ લઇ ગયો હતો. આ તાલીમ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. – ડૉ. રામ શુક્લા, અખંડાનંદ હોસ્પિટલ, અમદાવાદ