ગુજરાતમાં કોરોનાના 7 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 3, વડોદરામાં 2 પોઝિટિવ, 1 સુરત અને એક રાજકોટ

ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા ગઈકાલે 2 હતી તે એક દિવસમાં જ વધીને આજે 5થઈ ગઈ છે. અમદાવાદમાં એક જ દિવસમાં 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 2મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરાના એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાંથી એક યુવતી ન્યૂયોર્કથી આવી હતી જ્યારે બીજી મહિલા ફિનલેન્ડથી આવી હતી. જ્યારે વડોદરામાં જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે યુવાન સ્પેનથી આવ્યો હતો. આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના આરોગ્ય કમિશનર સુશ્રી જયંતિ રવિએ જણાવ્યું છે કે, અત્યાર સુધી ગુજરાતમાં જે પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તે બધા વિદેશથી આવેલી વ્યક્તિના છે, કોઈ લોકલ કે ડોમેસ્ટિક સિટિઝન કેસ પોઝિટિવ આવ્યો નથી.

-અમદાવાદમાં જે કેસ બે પોઝિટિવ આવ્યા હતા તે બંને દર્દી ઘરમાં જ હોમ આઇસોલેશનમાં હતા એટલે વધુ કોઈ વ્યક્તિ સુધી પહોંચ્યો હોય તેવી શકયતા ઓછી જણાય છે

કોરોના પોઝિટિવ કેસની બન્ને મહિલાઓ પશ્ચિમ અમદાવાદની

અમદાવાદના પોઝિટિવ કેસની બન્ને મહિલાઓ પશ્ચિમ અમદાવાદની છે. એક ન્યુયોર્ક અને એક મહિલા ફિનલેન્ડથી આવી હતી અને મુંબઇ થઇ ફ્લાઈટમાં અમદાવાદ પહોંચી હતી. ન્યૂયોર્કથી આવેલી મહિલા 14 માર્ચે આવી હતી. 3 દિવસ ઘરે રહ્યાં બાદ 17મીએ SVPમાં દાખલ કરવામાં આવી છે. ફિનલેન્ડથી આવેલી મહિલા અમદાવાદ 13મી માર્ચે આવી હતી અને 16મી માર્ચે SVPમાં દાખલ કરવામાં આવી છે.

તમામ પોઝિટિવ દર્દીની વય 35થી ઓછી, આઈસોલેશનમાં રખાયા

આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું કે, અમદાવાદના યુવતી કે જે 14 માર્ચના રોજ ન્યૂયોર્કથી વાયા મુંબઈ ફ્લાઈટમાં આવી હતી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ફિનલેન્ડથી આવેલી યુવતીનો રિપોર્ટ પણ આજે સવારે પોઝિટિવ આવ્યો છે. જ્યારે સ્પેનથી વડોદરા આવેલા યુવકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 5 થઈ ચૂકી છે. જો કે, આ તમામ દર્દીઓની વય 35 વર્ષથી ઓછી છે. આ તમામને જે-તે જિલ્લામાં ખાસ ઉભા કરાયેલા આઈસોલેશન વોર્ડમાં રખાયા છે. શરૂમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પણ અત્યારે તેઓ આઈસોલેશન વોર્ડમાં છે અને બધાની હાલત સ્થિર છે.

તમામ પોઝિટિવ દર્દીઓના પરિવારજનો પણ ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાં

કોરોનાના ઈલાજ અંગેની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (હૂ) અને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ આ પાંચેય પોઝિટિવ દર્દીના પરિવારજનોને ફરજિયાત ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાં રખાયા છે. રાજ્ય સરકારે કરેલી અલાયદી વ્યવસ્થામાં આ તમામ પરિવારજનોને હાલ ક્વોરેન્ટાઈન કરાયા હોવાનું જણાવતા જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, પરિવારજનોની હાલત પણ સ્થિર છે. તેઓ કેટલા લોકોના સક્રિય સંપર્કમાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે અને જરૂર જણાશે તો વધુ લોકોને ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાં રખાશે.

અમદાવાદની સેટેલાઈટમાં રહેતી યુવતીને કોરોના પોઝિટિવ

અમેરિકાથી એક અઠવાડિયા પહેલાં પરત આવેલી યુવતીને કોરોના પોઝિટિવ આવવાથી ફફડાટ મચ્યો છે. આવ્યાના 2 દિવસ બાદ તેને શંકાસ્પદ લક્ષણો જણાતા તેનો હોસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યો. ગઈકાલે રાતે પુણેથી રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં તેના પરિવારજનો પણ ક્વોરેન્ટાઈન કરાયા છે.

150 સેમ્પલ લેવાયા છે તેમાંથી 5ના રિપોર્ટ પોઝિટિવ, 22ના રિપોર્ટ આવવાના બાકી

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ અંગે જયંતિ રવિ જણાવ્યું છેકે, કોરોના પોઝિટિવ દર્દીઓની સ્થિતિ સ્થિર છે. કોરોનાના દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા નથી. આ તમામ અસરગ્રસ્તો વિદેશથી આવેલા છે. આ તમામ દર્દીની ઉમર 36 વર્ષથી વધુ નથી. 150 શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી પાંચના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, હજુ 22ના રિપોર્ટ આવવાના બાકી છે. જ્યારે 123ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વિદેશમાંથી 555 મુસાફરો આવ્યા છે. જેમાંથી 68 ઓબ્ઝર્વેશન હેઠળ છે અને 492 લોકો હોમ કોરોન્ટાઇનમાં છે. જે લોકો શંકાસ્પદ હશે તેમને સ્ટેમ્પ મારવામાં આવશે. આ ઉપરાંત જે લોકો ગઇકાલથી બહાર આવ્યા છે તેમનું ડોર ટૂ ડોર સર્વે કરવામાં આવશે.

સ્પેનથી પરત ફરેલા વડોદરાના યુવાનમાં કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો

સ્પેનથી વડોદરા પરત ફરેલા યુવાનની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો 39 વર્ષીય યુવાન તાજેતરમાં જ સ્પેન ગયો હતો. જ્યાં તેને સતત 3 દિવસ શરદી-ખાંસી શરૂ થવા સાથે તબિયત લથડતા વડોદરા પરત આવી ગયો હતો. અને મંગળવારે મોડી રાત્રે તે સયાજી હોસ્પિટલમાં દોડી ગયો હતો. હોસ્પિટલ દ્વારા તેનામાં કોરોનાના પ્રાથમિક લક્ષણો જોઇને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દીધો હતો.

અમદાવાદમાં કોરોનાને લઈને લેવાયા મહત્વના પગલા

  • મેરેજ હોલ, લગ્ન વાડી, જિમ બંધ કરાયા.
  • શહેરમાં ક્લબો, ગેમ ઝોન વોટર પાર્ક પણ બંધ.
  • અમદાવાદની રાજપથ, કર્ણાવતી ક્લબ બંધ.
  • બસસ્ટેન્ડ પર ખાનગી ટ્રાવેલ્સના મુસાફરોનું સ્ક્રીનિંગ ફરજીયાત.
  • આજથી કાલુપુર રેલવે સ્ટેશન પર થર્મલ સ્ક્રિનિંગ કરાશે.
  • શંકાસ્પદ લક્ષણો જણાય તો વહીવટી તંત્રને કરાશે જાણ.
  • મુસાફરોનું મેડિકલ ચેક અપ કર્યાં બાદ 24 કલાક રાખશે ઓબ્ઝર્વેશનમાં.
  • કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યમાં ઘટાડો.
  • અત્યાર સુધીમાં 26 ટ્રેનો રદ્દ કરાઈ.
  • કોરોના વાયરસને કારણે 70% બુકીંગમાં ઘટાડો નોંધાયો.
  • હવે મનપામાં થતી મીટીંગો ઓનલાઇન થશે.
  • કોર્પોરેશન ઓફિસમાં મીટીંગો પર મુકાયો કાપ.
  • મનપામાં જો મીટીંગ થશે તે ખુરશીઓ વચ્ચે 4 ફૂટનુ અંતર રખાશે.
  • અનિવાર્ય હશે તો મીટીંગમાં સૌથી ઓછા સભ્યોની કરાશે મીટીંગ.
  • ઈ-મેઈલ વિડીયો કોન્ફરસથી મીટીંગ કરવાનો લેવાયો નિર્ણય.
  • મહારાષ્ટ્ર તરફની ST બસ સેવા કરાઈ રદ્દ.
  • 31 માર્ચ બાદ પણ બસ સેવા રદ્દ કરાઈ શકે છે.

ગુજરાતમાં પાન મસાલાની દુકાનો, મોલ, પાર્ટી પ્લોટ સહિતના જાહેર સ્થળો બંધ

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં સાચવેતીના ભાગરૂપે કેટલાક પગલા હાથ ધરવામાં આવ્યા છે. અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર 31 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તમામ પાનના ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે. સુરતમાં મલ્ટીપ્લેક્સ,સિનેમા અને નાટ્યગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, ડાન્સ ક્લાસીસ, ગેમ ઝોન, ક્લબ હાઉસ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ વગેરે સ્થળોએ તમામ શૈક્ષણિક કાર્ય 19 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. હોટલ,રેસ્ટોરન્ટ, ખાણી-પીણીના સ્થળો, જાહેર ખાનગી સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા સ્થળો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે. રાજકોટમાં થીએટર, મોલ, 170 બગીચા, રેસકોર્સ ગ્રાઉન્ડ, પાનના ગલ્લા, ચાના થડા બંધ રાખવા આદેશ કરાયો છે. આ ઉપરાંત રાજ્યભરના મોટાભાગના મંદિરો બંધ રાખવા પણ જણાવવામાં આવ્યું છે. વડોદરામાં પણ તમામ મોલ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો