કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આવતીકાલથી 25 માર્ચ સુધી ચાર મહાનગરો લૉકડાઉન રહેશે. રાજ્યમાં કોરોનાના 14 પોઝિટીવ કેસ નોંધાતા નિર્ણય લેવાયો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સંપૂર્ણ પણે બંધ રહેશે. તબીબી સેવાઓ, શાકભાજી અને કરિયાણા જેવી જીવન જરુરી વસ્તુઓ સિવાય તમામ વેપાર બંધ રહેશે. મુખ્યમંત્રી નિવાસે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે.
આ સિવાય રાજ્ય સરકારની કચેરીમાં, બોર્ડ નિગમોમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કામ કરતા તમામ અધિકારીઓના માત્ર 50ટકા અધિકારીઓ જ 29મી માર્ચ સુધી હાજર રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની માહામારી સામે લડવા સરકારે અમદાવાદમાં 1200 બેડ,સુરતમાં 500 બેડ, રાજકોટમાં 250 બેડ, વડોદરા 250 બેડના આઇસોલેશન વોર્ડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિના સારવાર માટે તાત્કાલિક સુવિધા ઊભી કરવામાં આવી છે.
ઇકોમર્સ સાથે સંકળાયેલી સેવા ચાલુ રહેશે
આ ઉપરાંત અન્ય આવશ્યક સેવાઓ જેવી કે, મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વીજળી સેવા, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવા, બેન્ક, એ.ટી.એમ., બેન્કના ક્લિયરીંગ હાઉસ તથા સ્ટોક એક્ષચેન્જ અને તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન ચાલુ રહેશે. આ સિવાય અન્ય અતિ આવશ્યક સેવાઓ જેવી કે, રેલવે, ટ્રાન્સપોર્ટ સેવા, પેટ્રોલ પંપ, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા તંત્ર તથા મીડીયા સમાચારપત્રો, ખાદ્ય પદાર્થો અને ખાદ્ય સામગ્રી, દવાઓ, પેસ્ટકંટ્રોલ, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા તથા તેને લગતા ઇ-કોમર્સ સાથે સંકળાયેલી દુકાનો-સંસ્થાઓ જ ચાલુ રહેશે.
ચારેય મહાનગરમાં બેડની વ્યવસ્થા કરવા આદેશ
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી 1200 બેડની નવી હોસ્પિટલને કોરોના વાયરસના પોઝિટીવ કેસની સારવાર માટે ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હોસ્પિટલ આગામી સોમવારથી કાર્યરત થઇ જાય તે માટે મહેસૂલ અધિક મુખ્ય સચિવને જણાવવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્યના અન્ય 3 મહાનગરો રાજકોટમાં 250 બેડ, વડોદરામાં 250 બેડ તથા સુરતમાં 500 બેડની હોસ્પિટલની સુવિધા ઊભી કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
લૉકડાઉન શું હોય છે?
- લૉકડાઉન એટલે કોઈ શહેરમાં તમામ એકમો બંધ કરી દેવા
- મહત્વના કામ વિના ઘર બહાર નીકળવા પર હોય છે પ્રતિબંધ
- જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે જ ઘર બહાર જઈ શકાય
- અનાજ, ઔષધિ, હોસ્પિટલ, બેંક જેવા કાર્યો માટે જ બહાર નીકળી શકાય
- સ્કૂલ, કોલેજ, જીમ, સ્વિમિંગ પુલ, થિયેટર, મોલ કરવામાં આવે છે બંધ
- જાહેર સ્થળો, ગાર્ડન, મંદિર, પર્યટક સ્થળો કરવામાં આવે છે બંધ
- ઓફિસોને પણ બંધ કરી દેવાનો લેવાય છે નિર્ણય
- APMC માર્કેટ પણ બંધ કરી દેવામાં આવે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..