પહેલો સગો પાડોશી એ ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરી: અમદાવાદમાં કોરોના વચ્ચે ત્રણ પેઢીનો આખો પરિવાર જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતો હતો, દેવદૂત બનીને પાડોશી આગળ આવ્યા

કોરોનાએ અમદાવાદ શહેરમાં કહેર વર્તાવ્યો છે, નવા વર્ષમાં અનેક લોકોએ પોતાનાં સ્વજનો ગુમાવ્યા છે ત્યારે અમદાવાદના એક પરિવારમાં પણ એક એવો જ કિસ્સો બન્યો છે, જેમાં એકસાથે દાદા, પુત્ર અને પુત્રવધૂ તથા પૌત્ર પણ વારાફરતી કોરોનાની ચુંગાલમાં ફસાયાં. પરિવારના ચારેય સભ્યો એક બાદ એક સંક્રમિત થતાં તમામ સભ્યો હોમ કવોરન્ટીન થયા હતા અને અલગ અલગ રૂમમાં આઇસોલેટ હતા. એક બાદ એક પરિવારના સભ્યોની તબિયત લથડતી ગઈ. ત્યારે દાદાને 108 મારફત હોસ્પિટલમાં એડમિટ કરાયા. ત્યાર બાદ તેમના ઘરમાં અનેક લોકોની પરિસ્થિતિ ગંભીર થવા લાગી હતી. આવી સ્થિતિમાં પાડોશીઓ આગળ આવ્યા અને આ પરિવારને તમામ પ્રકારની મદદ કરી અને પહેલો સગો પાડોશી એ ઉક્તિને સાર્થક કરી.

પુત્રને કોરોનાનું સંક્રમણ લાગ્યું પછી એક પછી એક સંક્રમિત થયા

નાના ચિલોડા ખાતે રહેતા પરિવારના પુત્રનું ઓક્સિજન લેવલ ઘટ્યું અને તબિયત લથડી તો પિતાએ 108ને કોલ કર્યો, પરંતુ તેમણે 6 કલાકનું વેઈટિંગ હોવાનું જણાવ્યું હતું. પ્રાઇવેટ એમ્બ્યુલન્સ પણ અવેલેબલ ન હતી. ત્યારે તેમના પાડોશી તેમની વહારે આવ્યા અને તેઓ આ કોરોના સંક્રમિત પુત્રને લઈને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવા માટે લઈ ગયા અને ત્યાં પણ તેઓ ડર્યા વગર તેઓ હોસ્પિટલની તમામ ફોર્માલિટીસ માટે તેની સાથે રહ્યા હતા. જ્યારે પૌત્ર અને દાદા હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે અચાનક પરિવારના ત્રીજા સભ્યને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. તેમનું પણ ઓક્સિજન લેવલ ઘટવા માંડ્યું હતું. ત્યારે પરિવારના એકમાત્ર જવાબદાર વ્યક્તિ માનસિક રીતે ભાંગી પડ્યા અને તેમણે 108ને કોલ કર્યો, પરંતુ એમાં વેઈટિંગ હતું.

ઘરનો મોભી હોમ ક્વોરન્ટીન હતો અને પિતાનું મોત થયું

ઘરના મોભી એવા માનસિક રીતે ભાંગી પડ્યા ત્યારે ફરીવાર પાડોશીએ જ મહત્ત્વની ભૂમિકા ભજવી અને તેઓ અગાઉ ઘરના પોઝિટિવ સભ્યોને હોસ્પિટલ સુધી લઈ ગયા હતા. આ તમામ ઘટનામાં હવે માત્ર પરિવારની એક જ વ્યક્તિ ઘરે હતી અને તે માનસિક રીતે પડી ભાંગી હતી. ત્યારે હોસ્પિટલમાં ફોન આવ્યો કે તેમના વૃદ્ધ પિતાનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. આ પરિસ્થિતિમાં આવો આઘાત લાગવાથી તેઓ રડી પડ્યા, કારણ કે તેઓ હોમ ક્વોરન્ટીન હતા અને તેમના પુત્ર અને પત્ની હોસ્પિટલમાં દાખલ હતાં. ત્યારે તેઓ તેમના પિતાના અંતિમસંસ્કારમાં ન જઇ શક્યા, પરંતુ પાડોશીએ તેમને હિંમત આપી અને દરેક જરૂરિયાત પૂરી પાડવા માટે આગળ આવ્યા હતા.

કોરોનાના કહેરનો ભોગ બનેલા ઘરના મોભીની વ્યથા

પરિવારના એકમાત્ર હોમ ક્વોરન્ટીન રહેલા અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે કોરોના મારા પરિવારમાં અચાનક ભૂકંપ લાવી દીધો છે. હું સૌપ્રથમ કોરોના પોઝિટિવ આવ્યો હતો. હું ઘરે એક રૂમમાં ક્વોરન્ટીન થયો. ત્યાર બાદ મારા પુત્રએ 104ને કોલ કરીને ઘરના સભ્યોના રેપિડ ટેસ્ટ કરાવવા માટે કોલ કર્યો હતો, જેમાં મારા વૃદ્ધ પિતાને પોઝિટિવ આવ્યો અને બાકીના 2 સભ્યોને નેગેટિવ રિપોર્ટ આવ્યો, પરંતુ બીજા જ દિવસે 2 સભ્યોની તબિયત બગડતાં RT-PCR ટેસ્ટ કરાવ્યો અને તેઓ પણ સંક્રમિત થયા. આ પરિસ્થિતિમાં તમામ લોકો અલગ-અલગ રૂમમાં ક્વોરન્ટીન હતા.


પિતાનું મોત થયું અને પત્ની અને પુત્ર હોસ્પિટલમાં હતાં

અલ્પેશ પટેલે વધુમાં ઉમેરે છે, કોરોના સંક્રમણને પગલે કોઈને અસહ્ય માથું દુઃખે તો કોઈને તાવ ઓછો ન થાય, કોઈ એકબીજાનું ધ્યાન રાખી શકે તેમ ન હતું. મારા પિતા 2 દિવસ હોસ્પિટલમાં રહ્યા, ત્યાર બાદ તેમણે અંતિમશ્વાસ લીધા, સાથે મારો પુત્ર અને પત્ની પણ હોસ્પિટલમાં દાખલ હતાં. હું આ પરિસ્થિતિને જોઈ માનસિક રીતે તૂટી ગયો હતો, પરંતુ પાડોશીએ મને બહુ હિંમત આપી, સાથે મારા પરિવારને પણ હોસ્પિટલ લઈ જવામાં આગળ આવ્યા. તમે સમાચારપત્રોમાં જોતા હશો કે સગાં પણ આ કોરોનાના કારણે તેમનાં સ્વજનોથી દૂર ભાગે છે ત્યારે આ પાડોશીએ તો સાચી માનવતા નિભાવી અને અમને જમાડવાથી માંડીને દવા અને ફ્રૂટ્સ જ્યૂસ જેવી તમામ સેવા 25 દિવસથી કરે છે. હું મારા પાડોશીઓનો આભારી છું.

પરિવારજનોને હોસ્પિટલ ખસેડનાર પાડોશી

કોરોના સંક્રમિત વ્યક્તિને હોસ્પિટલ સુધી લઈ જનાર મિતેષ પટેલે જણાવ્યું હતું કે એક દિવસ અગાઉ મારા પિતા 1200 બેડ હોસ્પિટલમાં દાખલ હતા અને તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે એ જોઈને લાગ્યું કે કોઈની સાથે આવો બનાવ ન બને, એટલે મેં મારો પાડોશી ધર્મ નિભાવીને 2 સંક્રમિત વ્યક્તિને કોવિડ હોસ્પિટલ સુધી લઈ ગયો અને તેમને દાખલ કરાવ્યા. કોરોનામાં લોકોએ એકબીજાની મદદ કરવી જોઈએ. મને કોઈ ડર ન હતો કે હું સંક્રમિત થઈશ. બસ, એટલું જ નક્કી કર્યું હતું કે આ લોકોની તબિયત ગંભીર છે. 108 મળતી નથી તો તેમને વહેલી તકે હોસ્પિટલમાં લઈ જાવ.


ઘરમાં જઈને જમાડ્યા અને અન્ય લોકોને ઉદાહરણ પૂરી પાડ્યું

સતત 25 દિવસથી આ પરિવારને જમવાનું પૂરું પાડતાં નીતાબેને જણાવ્યું હતું કે આ મહામારીમાં લોકોએ એકબીજાની મદદ કરવી જોઈએ. આ પરિવાર છેલ્લા 25 દિવસથી કોરોના સામે ઝઝૂમી રહ્યો છે. તેમને અમે કોઈ સામાજિક સંસ્થા સુધી પહોંચવા નથી દીધા. તેમને 3 ટાઈમ જમવાનું નાસ્તો અને ફ્રૂટ્સ જ્યૂસ અમે પૂરું પાડીએ છીએ, સાથે તેમને કોઇ દવાની જરૂર પડે તો તાત્કાલિક ઉપલબ્ધ કરાવીએ છીએ. અમને કોઈ ડર લાગતો નથી. આજે પણ હું માસ્ક પહેરીને તેમના ઘરમાં જઈને જમવાનું આપું છું. મને આશા છે કે લોકો પણ આવી રીતે તેમની આજુબાજુના લોકોની મદદ કરતા રહે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો