રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સમયસર પહોંચવા માટે બાઇક લઈને જતા હોય છે. બાઇક લઈને પરીક્ષા કેન્દ્ર પર જતા કે પરીક્ષા આપીને પરત આવતા વિદ્યાર્થીઓનો અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવે છે, ત્યારે ગોંડલથી બોર્ડની પરીક્ષા આપીને બાઇક પર આવતા બે વિદ્યાર્થીના અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બંને વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ થતા તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
રિપોર્ટ અનુસાર ગોંડલના મોટા દળવા ગામમાં રહેતા અભય પરમાર અને હિરેન વેકરીયા નામના બંને વિદ્યાર્થીઓ ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી રહ્યા હતા. અભય અને હિરેનનું પરીક્ષા કેન્દ્ર ગોંડલ આવતા તેઓ બંને રોજ બાઇક લઈને મોટા દળવાથી ગોંડલ પરીક્ષા આપવા માટે જતા હતા. બન્ને જ્યારે પરીક્ષા આપીને ગોંડલથી દળવા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં બંને વિદ્યાર્થીની બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારી હતી.
અજાણ્યા વાહનની ટકકરે બંને વિદ્યાર્થીઓ ફંગોળાયા હોવાના કારણે બંનેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માતની ઘટનાને પગલે રાહદારીઓ ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત થયેલા બંને વિદ્યાર્થીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં બન્ને વિદ્યાર્થીઓનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને બંને વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. અભય પરમાર પરિવારનો એકનો એક દીકરો હતો. અકસ્માતમાં બન્ને વિદ્યાર્થીઓના મોત થતા બંનેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..