વડોદરામાં 17 વર્ષની નંદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેનડેડ થતાં હાર્ટ, લંગ્સ, કિડની, ચક્ષુ અને લિવરનું દાન કર્યું, 7 અંગના દાનનો વડોદરામાં પ્રથમ કિસ્સો

વડોદરાની સવિતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેનડેડ જાહેર કરવામાં આવેલી હાલોલની કિશોરીનાં હાર્ટ, ફેફસાં, બે કિડની, બે ચક્ષુ અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું. હાર્ટ દિલ્હી અને ફેફસાં મુંબઇ હવાઇ માર્ગે પહોંચાડવા માટે વડોદરા શહેર ટ્રાફિક-પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર કરીને હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું 6.8 કિ.મી.નું અંતર 8 મિનિટમાં કાપ્યું હતું, અંગોને હરણી વિમાની મથકે પહોંચાડવામાં આવ્યાં હતાં. કિડની, ચક્ષુ અને લિવર પણ ગ્રીન કોરિડોર કરીને અમદાવાદ આઇ.કે.ડી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં હતાં. એકસાથે 7 અંગનું દાન કરવાનો વડોદરાનો આ પ્રથમ કિસ્સો છે.

મારી દીકરીના અંગદાનથી ગૌરવ અનુભવું છું: માતા

નંદનીની માતા ક્રિમાબહેન શાહે જણાવ્યું હતું કે મારી ઇચ્છા હતી કે મારા મૃત્યુ બાદ મારા શરીરના તમામ અવયવો દાન કરીશ, પરંતુ એ ક્યારેય વિચાર્યું ન હતું કે મારા જીવતાજીવ મારી દીકરી નંદનીનાં અંગોનું દાન મારે કરવાનો વખત આવશે. મારા મૃત્યુ બાદ મારા શરીરનાં અંગો દાન કરવાનું વિચાર્યું હતું, પરંતુ મારાં અંગો પહેલાં મારી દીકરીનાં અંગોનું દાન કરવાનો વખત આવ્યો. આનું મને ગૌરવ છે, સાથે દીકરીની વિદાયનું દુઃખ પણ છે. મારાં બે સંતાનોમાં નંદની મોટી દીકરી હતી અને ધ્યેય મારો નાનો પુત્ર છે. મારી દીકરી મને અને તેના પિતાને અમારા પ્રાણથી પણ વધારે પ્યારી હતી અને તેની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરતા હતા. તે જણાવતી હતી કે હું ધોરણ-12માં પણ સારા ટકાએ પાસ થઈશ, પરંતુ, હું મેકઅપ આર્ટિસ્ટ બનીશ, એમ જણાવી પતિના ખભા પર માથું મૂકી હૈયાફાટ રુદન કરતી માતા અને પિતાએ દીકરીનાં અંગોને હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.

હાલોલ-ગોધરા રોડ પર આવેલી સનસિટી સોસાયટીમાં નીરજભાઇ શાહ અને ક્રિમાબહેન શાહની 17 વર્ષની મોટી દીકરી નંદનીની 18 ડિસેમ્બરની રાત્રે તબિયત ખરાબ થઇ ગઇ હતી. માતા-પિતા તરત જ દીકરીને હાલોલની હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા વાઘોડિયા રોડ ચાર રસ્તા પાસે આવેલી સવિતા હોસ્પિટલમાં લઇ આવ્યા હતા, જ્યાં તબીબોએ તેને બચાવી લેવા માટે અથાગ પ્રયત્નો કર્યાં હતા, પરંતુ આખરે તેમને બુધવારે સાંજે 5 વાગે નંદનીને બ્રેનડેડ જાહેર કરવાની ફરજ પડી હતી.

કિશોરીનાં માતા-પિતા પણ દીકરીનાં અંગોનું દાન કરવા માટે તૈયાર હતાં
સવિતા હોસ્પિટલના વહીવટી વિભાગના ડો. તરંગ શર્માએ જણાવ્યું હતું કે નંદનીને બ્રેનડેડ જાહેર કર્યા બાદ હોસ્પિટલની કાઉન્સેલિંગ કરતી ટીમ દ્વારા નંદનીનાં માતા-પિતાને નંદનીનાં અંગોનું દાન કરવા માટે સમજાવવામાં આવ્યાં હતાં. નંદનીનાં માતા-પિતા પણ દીકરીનાં અંગોનું દાન કરવા માટે તૈયાર હતાં, જેથી હોસ્પિટલની ટીમ દ્વારા અંગો સમયસર યોગ્ય સ્થળે પહોંચી જાય એ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે સવારે દિલ્હી એઇમ્સની ટીમ હાર્ટ માટે, મુંબઇની ફોર્ટિસ હોસ્પિટલની ટીમ ફેફસાં માટે વડોદરા આવી પહોંચી હતી અને નંદનીના શરીરમાં સર્જરી કરીને હાર્ટ અને લંગ્સ સહી સલામત બહાર કાઢ્યાં હતાં. એ જ રીતે કિડની, ચક્ષુ અને લિવર માટેની અલગ-અલગ ટીમો દ્વારા આ અંગો કાઢવામાં આવ્યાં હતાં અને એ અંગો સમયસર યોગ્ય સ્થળે પહોંચાડવામાં આવ્યાં છે.

ડો. તરંગ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે હાર્ટ હરણી વિમાની મથકથી ઇન્ડિગો ફ્લાઇટમાં દિલ્હી એઇમ્સમાં મોકલવા માટે અને ફેફસાં મુંબઇ ફોર્ટિસ હોસ્પિટલમાં પહોંચાડવા માટે ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે કિડની, લિવર અને ચક્ષુ બાય રોડ દ્વારા અમદાવાદ આઇ.કે.ડી. હોસ્પિટલમાં પહોંચાડવાનાં હતાં. અંગો પહોંચાડવા માટે માર્ગમાં કોઇ અવરોધ ઊભો ન થાય એ માટે શહેર ટ્રાફિક-પોલીસ તંત્રની મદદ લેવામાં આવી હતી.

વડોદરા શહેર ટ્રાફિક-પોલીસ દ્વારા કોરિડોર કરી હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું 6.8 કિલોમીટરનું અંતર 8 મિનિટમાં કાપીને હાર્ટ અને લંગ્સ પહોંચાડવામાં આવ્યાં હતાં. એ જ રીતે કિડની, ચક્ષુ અને લિવર હોસ્પિટલથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યાં હતાં. વડોદરાની હોસ્પિટલથી અમદાવાદ આઇ.કે.ડી. સુધીનું 130 કિ.મી.નું અંતર ગણતરીની મિનિટોમાં અંગો પહોંચાડવામાં આવ્યાં હતાં. આ કામગીરીમાં શહેર પોલીસ તંત્રના એ.એસ.આઇ. રમેશભાઇ, એ.એસ.આઇ. વિજયભાઇ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ, ડ્રાઇવર રફીકભાઇ અને પ્રજ્ઞેશભાઇ જોડાયા હતા.

પિતા નીરજભાઇ શાહે જણાવ્યું હતું કે અમારી દીકરી નંદની એકાએક અમારી વચ્ચેથી વિદાય લેશે એની અમને સ્વપ્ને પણ ખબર ન હતી. ભલે અમારી દીકરી આજે અમારી પાસે સ્વદેહે નથી, પરંતુ તેનાં અંગોનું જે વ્યક્તિઓમાં પ્રત્યાર્પણ થશે એટલે અમને આનંદ થશે કે અમારી દીકરી આ ધરતી ઉપર છે. અમારી દીકરીનું હાર્ટ, લંગ્સ, કિડની, આંખો તેમજ લિવર બીજાને કામ લાગવાથી અમે ગૌરવ અનુભવીએ છે. અમારી સમાજને અપીલ છે કે સમાજમાં ભલે જીવતાજીવ કોઇને કામ આવીએ કે ન આવીએ, પરંતુ મૃત્યુ બાદ આપણાં અંગોનું દાન કરીને કોઇને કામ આવીએ તેવું કરવું જોઇએ.

માતા-પિતાનાં હૈયાફાટ રુદને હોસ્પિટલમાં પણ સન્નાટો પાથરી દીધો
નંદનીનાં અંગોને હોસ્પિટલમાંથી લઇ જવામાં આવ્યાં ત્યારે માતા-પિતા પોતાનાં આંસુ રોકી શક્યાં ન હતાં. માતા-પિતાનાં હૈયાફાટ રુદને હોસ્પિટલમાં પણ સન્નાટો પાથરી દીધો હતો. સવિતા હોસ્પિટલની નર્સો દીકરીના વિલાપ કરી રહેલાં માતા-પિતાને સાંત્વન આપવા માટે દોડી ગઈ હતી અને તેમને હિંમત રાખવા માટે જણાવી રહ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો