વડોદરાની સયાજી હોસ્પિટલમાં 119 વર્ષના વયોવૃદ્ધની થાપાની સર્જરી કરતા તબીબો આટલી ઉંમરે બીપી અને ઇસીજી નોર્મલ જોઇને અચંબામાં

સયાજી હોસ્પિટલમાં શનિવારે 119 વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિના તૂટેલા થાપાનું ઓપરેશન કરાયું હતું. હોસ્પિટલના ઇતિહાસમાં આ સૌથી વધુ વ્યક્તિનું ઓપરેશન છે. હાલમાં આ વયોવૃદ્ધ દર્દીની હાલત સામાન્ય છે. મૂળે છોટાઉદેપુર જિલ્લાના કવાંટના નાનાવાંટામાં રહેતા જબરાભાઇ રેવલાભાઇ રાઠવા ગત શુક્રવારે ઘરે સવારે ખાટલા પરથી અચાનક પડી ગયા હતા. વય વધુ હવાથી પડતા વેંત તેમનો ડાબો થાપો તૂટી ગયો હતો. તેમના પરિવારજનો તેમને સારવાર માટે કવાંટ સીએચસી લઇ ગયા હતા પણ ઉમર વધુ હોવાથી તેમને સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબો ડો. વી.એચ. ચાવલીના વડપણ હેઠળ ડો. ધનજી ચૌધરી અને ડો. પ્રભુ ચૌધરીએ ઓપરેશન કર્યું હતું.

બળદે શિંગડુ મારતા થાપે ઇજા થઈ હતી

આ વિશે વાત કરતા ડો. વી.એચ. ચાવલીએ જણાવ્યું કે, ‘ઓપરેશનલ જટિલ ન હતું પણ પડકારજનક હતું. પ્રોક્સિમલ ફિમોરલ નૈલી નામના હાડકામાં ક્રેક હતી. તેમનું ઓપરેશન સરળ હતું પણ વય મોટો પડકાર હતો. જોકે તેમના બ્લડપ્રેશરથી માંડીને ઇસીજી સહિતના તમામ રિપોર્ટ સામાન્ય આવતાં અમે ઓપરેશન હાથ ધર્યું હતું અને તે પણ સફળ નીવડ્યું હતું. જબરાભાઇને 20 વર્ષ પહેલા પણ બળદે શિંગડું મારતા તેમના થાપાના ભાગે ઇજા થઇ હતી.

રોજ 4 વાગે ઊઠવાનું, બીડી, દારૂ અડક્યા નથી

જબરાભાઇ વિશે તેમના દોહિત્ર ઇશ્વરભાઇએ જણાવ્યું કે, જબરાભાઇ મકાઇના રોટલો અને શાક ખાતા હતા. આ ઉપરાંત ઘરમાં બનાવેલા ઘીના શોખીન છે. જોકે છેલ્લા 20 વર્ષથી દાંત પડી ગયા હોવાથી અડદની દાળના ઢેબરાં, ઘંઉના લોટના ભજિયા અને ભાત દૂધ અને ઘીમાં નાખીને નિયમિતપણે ખાય છે. બીડી, સિગરેટ કે દારૂનું તેમને જ નહીં પરિવારમાં પણ કોઇને વ્યસન નથી. આ ઉપરાંત સવારે 4 વાગ્યે નિયમિત પણે ઊઠીને ઘરની બહાર ખાટલામાં આરામ ફરમાવે છે, કોઇ આવે તો વાતચીત પણ કરે છે. બપોરે 12 વાગ્યાના સુમારે જમે છે. જ્યારે બપોરના 4 વાગ્યે તેઓ ઘરના અંદરના ભાગમાં જઇને થોડું જમીને સૂઇ જાય છે. રાત્રે પંદરેક મિનિટ માટે ઊઠીને ભોજન લઇને તુરંત જ આરામ ફરમાવે છે. જબરાભાઇ નાનાવાટના 20 વર્ષ સુધી સરપંચ રહ્યાં અને 100 વર્ષના હતા ત્યાં સુધી વાંસળી વગાડતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો