વાંસના તીરકામઠાથી તાલીમ લેનાર ગરીબ પરિવારની દીકરીનો ઓલિમ્પિક માટેના ટોપ-8 ઉમેદવાર સ્પર્ધકોમાં સમાવેશ

ઘોઘંબાના બોર ગામની ગરીબ પરિવારની દીકરીની ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિકમાં તીરંદાજીની સ્પર્ધા માટે પસંદગીના સંજોગો ઉજળા બન્યા છે. ચાર વર્ષની વયથી ઘોઘંબાની શ્રીજી આશ્રમ શાળામાં અભ્યાસ મેળવવા સાથે વાંસના તીરકાંમઠાથી તીરંદાજી શીખીને આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી ગઇ છે.

ટોક્યો ખાતે યોજાનાર ઓલ્મ્પિક ગેમ માટે હાલમાં વિશ્વભરમાં અલગ અલગ રમતો માટે ખેલાડીઓની પસંદગી માટે તૈયારીઓ ચાલી રહી છે. ભારતમાં પુના ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તીરંદાજીના ખેલાડીઓની પસંદગી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી 20 તીરંદાજ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં પંચમહાલના ઘોઘંબા તાલુકાના બોર ગામની પ્રેમિલા બારીયાની ટોપ-8માં પસંદગી કરવામાં આવી છે.

પ્રેમિલાના પિતા શંકરભાઇ બારીયા અને માતા મુધુબેન ખેતીકામ કરી ત્રણ દીકરીઓ અને એક પુત્ર સાથે ગુજરાન ચલાવતા હતાં. ગરીબાઇને કારણે પ્રેમિલાને ચાર વર્ષની ઉંમરથી જ ઘોઘંબાની શ્રીજી આશ્રમ શાળામાં અભ્યાસ માટે મુકી દીધી હતી. આશ્રમ શાળાના આચાર્ય મીનાભાઇ કોળચાના જણાવ્યા મુજબ પ્રેમિલા પહેલેથી જ વાંસનું બનાવેલું તિરકામઠુ ચલાવતી હતી અને દશેરા પર્વે વિસ્તારમાં યોજાતી તિરકામઠાની હરીફાઇમાં પ્રેમિલા સહિત અન્ય શાળાના વિદ્યાર્થીઓ સારૂ પ્રદર્શન કરતા હતા. માટે આશ્રમ શાળા દ્વારા તીરંદાજીના સરકારી કોચ પ્રતાપભાઇ પસાયાના માર્ગદર્શન હેઠળ શાળામાં તીરંદાજની તાલીમ શરૂ કરવામાં આવી હતી.

જેમાં પ્રેમિલાનું પ્રદર્શન ખૂબ જ સારૂ રહેતું હતું અને અન્ય સ્થળે યોજાતી તીરંદાજની હરીફાઇઓમાં તે મેડલ લઇને જ આવતી હતી. ધોરણ 10 સુધી આશ્રમ શાળામાં અભ્યાસ કર્યો હતો. હાલ પ્રેમિલા નડીયાદમાં Fy.BAમાં અભ્યાસ સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની તીરંદાજી એકેડેમીમાં તાલીમ પણ લઇ રહી છે.  આગામી દિવસોમાં પ્રેમિલા પૂણે ખાતે વિદેશી કોચ દ્વારા વધુ એક ઉચ્ચ કક્ષાની વૈજ્ઞાનિક ઢબે તાલીમ લેવા જશે. પૂણે ખાતે ફાઇનલ કેમ્પમાં ટોપ-4માં પસંદગી થશે તો તે ટોક્યો ખાતેના ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા જશે. જેના માટે પૂણે ખાતે યોજાયેલા કેમ્પમાં ટોપ-8માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પસંદગી કરવામાં આવતા જિલ્લા કલેક્ટર અમિત અરોરા, કોચ પ્રતાપભાઇ પસાયા, વહીવટી તંત્ર તથા જિલ્લાવાસીઓએ ગૌરવ અભિનંદન પાઠવ્યા છે.

આં.રા.કક્ષાએ પણ મેડલ લઇને જ આવશે 
પંચમહાલ જિલ્લામાં ઘણા સારા ખેલાડીઓ છે. તેઓ સારૂ પરિણામ પણ લાવે છે. બારીયા પ્રેમિલા પર મને વિશ્વાસ છે. અને તેની પસંદગી ટોક્યો ખાતે યોજાનાર ઓલિમ્પિક ગેમ માટે થશે અને તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ મેડલ લઇને જ આવશે.- પ્રતાપભાઇ પસાયા, આર્ચરી કોચ.

આશ્રમ શાળામાં ભૌતિક સુવિધાઓનો અભાવ 
અમારી આશ્રમ શાળામાં ભૌતિક સુવિધાઓનો અભાવ છે તેમ છતાં  તીરંદાજી અને ખો-ખોના ખેલાડીઓ તૈયાર થાય છે. જેમાં પ્રેમિલા બારીયા સહિત ઘણા ખેલાડીઓ મેડલો જીતીને લાવ્યા છે. સરકાર અથવા ઔદ્યોગિક ક્ષેત્ર તરફથી ભૌતિક સુવિદ્યાઓ મળે તો સારા ખેલાડીઓ તૈયાર થાય તેમ છે. – મીનાભાઇ કોળચા, આચાર્ય, શ્રીજી આશ્રમ શાળા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો