ગુજરાતની ઓળખમાં વધારો કરનાર આ 5 વડલાઓ અને તેમની ખાસિયત વિશે જાણો, અચૂક લેજો મુલાકાત

ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, અને તેમાના કેટલાક તો તેની શાનમાં વધારો કરે છે. તેઓ તેની અલગ જ ખાસિયત ધરાવે છે અને સાથે તે ખાસ કરીને પોતાના માટે જ જાણીતા છે. આજે અહીં વાત કરવામાં આવી રહી છે ગુજરાતમાં આવેલા વડલાઓની. અને તે શા માટે જાણીતા છે તે વિશે.

ગુજરાતમાં ખાસ છે આ વડલાઓ

શાસ્ત્રોમાં વડના વૃક્ષને કલ્પવૃક્ષ ગણવામાં આવ્યું છે. વડલો વડવાઈઓને લીધે ચારેકોર ખૂબ જ વૃદ્ધિ પામે છે. ગુજરાતનાં વિવિધ સ્થળે અડીખમ ઊભેલા આવા વર્ષો જૂના વડનું સૌંદર્ય હૃદયસ્પર્શી છે. દિવાળીમાં સહપરિવાર પિકનિક માણવી હોય તો આવા વડનો આશરો ઉત્તમ ગણાય છે. વડીલો છાંયાની મોજ માણે અને છોકરાંવ વડની ડાળીઓ પર ચઢે. ભરૂચના કબીરવડ, ગાંધીનગરના મહાકાલી વડ, વડોદરાના ઘેઘૂર વડ, અમરેલીના જંગવડ અને સાબરકાંઠાના મોતીપુર વડ આંખને ગમી જાય તેવા છે.

જાણો ગુજરાતના અન્ય વડલાઓને અને તેમની ખાસિયતોને વિશે વિગતે

કબીર વડ, શુક્લ તીર્થ, નર્મદા કાંઠે, ભરૂચ

કબીર વડને નિહાળતાં જ કવિ નર્મદની, ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમ્મસે પાડ સરખો, નદી વચ્ચે ઊભો, નિર્ભયપણે એકસરખો રચના મનમાં ઉજાગર થઈ જાય છે. ભરૂચથી લગભગ ૧પ કિ.મી. દૂર ખળખળ વહેતી નર્મદા કિનારે પથરાયેલો કબીર વડ સૌથી જૂનો અને સૌથી મોટા વડ તરીકે પ્રખ્યાત છે. શુક્લ તીર્થ પાસેના આ વડ હેઠળ પહાચવા બોટમાં નર્મદાના સામા કાંઠે જવું પડે છે. કહેવાય છે કે, સંત કબીરે વડનું દાતણ કરીને અહીં રોપ્યું હતું, જે વડવાઈઓ દ્વારા નિરંતર વૃદ્ધિ પામીને કબીર વડમાં પરિણમ્યો છે. અહીં આસપાસ કાળી તીર્થ, ઓમકારેશ્વર તથા શુક્લ તીર્થ આવેલાં છે.

મહાકાલી વડ, કંથારપુરા, દહેગામ, ગાંધીનગર

લીલાંછમ પાકથી લહેરાતાં ખેતરો વચ્ચે વિશાળ વડલાને દૂરથી દૂરથી જોતાં જંગલ હોય તેવી અનુભૂતિ થાય છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામનો આ વડલો પ૦૦ વર્ષની આયુ ધરાવતો હોવાનું અનુમાન છે. વડના થડમાં મહાકાલી માતાનું મંદિર પ્રસ્થાપિત કરાયેલું હોવાથી આ વડ મહાકાલી વડ તરીકે પ્રખ્યાત છે. અનેક વીઘા જેટલા વિસ્તારમાં ફેલાયેલ આ વડ દર વર્ષે ચોતરફે ચાર-પાંચ ફૂટ જેટલો વ્યાપ વધારે છે. ગરમીની સિઝનમાં આ વડ નીચે બહાર કરતાં ત્રણ ડિગ્રી નીચું તાપમાન હોય છે.

મોતીપુરાનો વડ, હિંમતનગર

હિંમતનગર નજીક આવેલા મોતીપુરા ગામે લગભગ દોઢસો વર્ષની આયુ ધરાવતો વિશાળ વડ આવેલ છે, જે મોતીપુરાના વડ તરીકે ઓળખાય છે. શહેરથી દૂર શાંત વિસ્તારમાં આવેલા વડની આસપાસ લીલાંછમ ખેતરો જોવા મળે છે. વડની નીચે ગોવાળો પોતાનાં ઢોર-ઢાંખર સાથે આશરો લેતાં પણ જોવા મળે છે. બપોરના સમયે સીમ વિસ્તારના લોકો પણ ખેતરનું કામ છોડીને વડ હેઠળ નિરાંત ફરમાવે છે. આ વડ નીચે થોડોક સમય પસાર કરતાં નયનરમ્ય જીવનની ઝાંખી ઉજાગર કરતાં દ્રશ્યો જોવા મળે છે.

જંગ વડ, અમરેલી, ગીર

અફાટ પ્રાકૃતિક સૌંદર્ય, વૈવિધ્યપૂર્ણ જીવ સૃષ્ટિ, તદ્દન અવિસ્મરણીય એકાંત અનુભૂતિ ધરાવતો નદી કિનારો અને આ બધા વચ્ચે આસ્થાની અનોખી ધૂણી એટલે ગીરમાં આવેલો જંગ વડ. અમરેલી જિલ્લાના રાજુલાથી ડેડાણા થઈ જસાધાર જતાં પહેલાં જમણી તરફના ફાંટા તરફે ચિખલકુબા નેસ પાસેથી વહેતી નદીમાં ઘૂંટણસમા પાણીમાં ચાલીને સામે કિનારે ટેકરી પર વિશાળ અને ઘટાદાર વડની છાંયામાં પહાચવું અનેક અલૌકિક લહાવો છે. પ્રાકૃતિક સૌંદર્યની સાથે આ વડ સાથે ધાર્મિક આસ્થા પણ જોડાયેલી છે. વડના થડમાં મા ખોડલનું મંદિર આવેલું છે.

ઘેઘૂર વડ, વડોદરા

વડોદરાના રાજમહેલની આંબાવાડી પાસે ૩૦૦ વર્ષની આયુ ધરાવતો વિશાળ વડ આવેલો છે, જે ઘેઘૂર વડ તરીકે પ્રખ્યાત છે. ઘેઘૂર વડની બહારનો ઘેરાવો ૫૨૫ ફૂટ જેટલો છે. આ વડ પક્ષીઓના આશ્રયસ્થાન તરીકે પણ ઓળખાય છે. અહીં પક્ષીઓની હજારો પ્રજાતિઓ જોવા મળે છે. વડ નીચે પ્રવેશતાની સાથે જ પક્ષીઓનો મધુર કલરવ સંભળાય છે. જેનાથી માનસિક શાંતિ અને હાશકારો અનુભવાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો