આ છે ગુજરાતનો સૌથી સુંદર દરિયા કિનારો, એને જોયા પછી ગોવા અને દીવ-દમણને ભૂલી જશો

ગુજરાતીઓનો ફરવા પ્રત્યેનો પ્રેમ તો આખી દુનિયા જાણે છે. આપણે જેવું વેકેશન પડે કે ઉપડી જઈએ કોઈ જગ્યાએ ફરવા. જોકે દર વર્ષે એકના એક ડેસ્ટિનેશન પર ફરીને ઘણીવાર તમે કંટાળી ગયા હશો. ત્યારે નવા ડેસ્ટિનેશન માટે બીજે ક્યાંય દૂર જવાની જરુર નથી. આપણા ગુજરાતમાં જ કેટલાય એવા ડેસ્ટિનેશન છે જ્યાં તમે પહેલા ક્યારેય નહીં ગયા હોવ અને એકવાર અહીં જશો તો આ સ્થળના દીવાના બની જશો. આવું જ એક ડેસ્ટિનેશન એટલે નારગોલ બીચ. આપણા ગુજરાતને 1600 કિમી લાંબો દરિયા કિનારો મળ્યો છે ત્યારે ગુજરાતના ખુણે ખુણે ગોવા બની શકે તેવા અદભૂત સુંદર દરિયા કિનારા આવ્યા છે. આ બધામાં નારગોલ એક અલગ ઓળખાણ સાથે મોખરે આવે છે.

સુરતથી 150 કિમી દૂર છે ગુજરાતનો આ દરિયા કિનારો, ગોવા અને દીવ-દમણને ભૂલી જશો.

દૂર દૂર ક્ષિતિજ સુધી ફેલાયેલ અરબી સમુદ્રની અફાટ જળરાશિ, બ્રાઉન-ગોલ્ડન રેતાળ દરિયા કિનારો અને કિનારે જ આવેલ સરુના ઝાડનું જંગલ તમને ફિલ્મોના સેટની યાદ અપાવી દેશે. કિનારાની રેતીમાં ઉગી નિકળેલા આ ઝાડ અને તેની એકદમ બાજુમાં લહેરાતો દરિયો ગજબનો સંગમ કહી શકાય તેમ છે. હકિકતમાં આ વૃક્ષોની હરિયાળી જ અહીંની ખરી રોનક છે. આ નાનકડું વન જ તેને અન્ય બીચથી અલગ પાડે છે અને સહેલાણીઓને પણ આકર્ષે છે. અહીં ફરવા આવતા પ્રવાસીઓ આવનરાજીમાં બે ઘડી મનમુકીને ખોવાઇ જાય છે. અહીંની નિતાંત સુંદરતા જાણે મોજાના અવાજ, ગરમીમાં ઠંડક આપતા ઠંડા દરિયાઈ પવનના ઘૂ-ઘૂ અવાજમાં ભળીને જાણે કે તમારી સાથે વાત કરવા માગતી હોય તેવો અનુભવ આપશે. તમારો આ અનુભવ જ નારગોલ બીચને ગુજરાતના જાણીતા અને પોપ્યુલર બીચ દીવ-દમણ, તિથલ તેમજ ભારતના બીચ ડેસ્ટિનેશન ગોવા કરતા અલગ પાડે છે.

અહીંનું કુદરતી સૌંદર્ય હજુ છે અકબંધ

આ બધા દરિયા કિનારા કરતા અહીં લોકોની અવરજવર ઓછી રહે છે અને કદાચ એટલે જ આ બીચની સુંદરતા પણ એટલી વધારે અકબંધ રહી છે. દક્ષિણ ગુજરાતનો આ બીચ પ્રવાસીઓ વચ્ચે ધીરે ધીરે ફેમસ થઈ રહ્યો છે પરંતુ એડ ફિલ્મો, શોર્ટ ફિલ્મો અને અન્ય કેટલીક કોમર્શિયલ ફિલ્મો બનાવતા લોકો વચ્ચે આ એક ફેવરીટ ડેસ્ટિનેશન છે. દરિયા કિનારે આવેલા સરુના ઝાડના જંગલો આ બીચની સુંદરતામાં સોનામાં સુગંધ ભળે તેમ વધારો કરે છે.

ગોવા જવાનો ખર્ચ કરતા પહેલા એકવાર અહીં જઈ આવો

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ નજીક આવેલ આ બીચ અદ્ભૂત કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અન્ય પ્રવાસન સ્થળોની તુલનામાં અહીં સહેલાણીઓનો ધસારો ખૂબ ઓછો રહે છે. જો કોઇ શાંત કુદરતી સ્થળની મુલાકાત લેવી હોય તો તેના માટે નારગોલ બીચ સારો ઓપશન સાબિત થઇ શકે છે. અહીં લોકોની ઓછી અવર-જવરના કારણે આ બીચનો ઘણો ખરો વિસ્તાર વણખેડ્યો લાગે છે અને તેથી જ તેની કુદરતી શોભા પણ આજ દિન સુધી અકબંધ રહી છે. જો કે શનિ- રવિની રજાઓમાં અહીં સહેલાણીઓની થોડી અવર-જવર રહે છે. હાલ તો સમર વેકેશન ચાલી રહયુ છે જેથી ગોવા ફરવાના ઘણા શોખિનો ઓછા બજેટમાં નારગોલમાં જ મજા માણી શકે છે.

અહીંનો એટ્રેક્શન પોઈન્ટ છે સનસેટ

નારગોલના બીચની મુલાકાત ઠંડા પાણીમાં ડૂબકી મારવાની સાથે અન્ય એક બાબત માટે પણ લેવા જેવી છે અને તે છે સનસેટ, નારગોલ બીચનો સનસેટ આજીવન સંભારણું બની રહેશે તેમાં કોઈ બેમત નથી. અહીં વચ્ચે કોઇપણ જાતના આવરોધ નહીં આવવાના કારણે આખે આખા સૂરજને દરિયામાં સમાતો જોઇ શકાય છે. સનસેટ દરમિયાન ધીમે ધીમે સૂર્ય જાણે કે દરિયાને ભેટવા માટે આગળ વધતો હોય તેવું લાગે છે. ચોતરફ સૂર્યના સોનેરી કિરણો ફેલાય છે અને દરિયાના પાણી અને કિનારે ચોપાટીની રેતી આ સોનેરી કિરણોથી ચમકી ઉઠે છે. જાણે દરિયો સૂર્યની આ સ્વર્ણિમ આભાને પોતાના પર ઓઢી લેવા ઉછાળા મારાતો હોય તેવું રમણીય દ્રશ્ય સર્જાય છે. આ સાથે જ દરિયાના મોજાનો અવાજ અને પાછળ આવેલ સરુના જંગલોમાંથી પસાર થતા દરિયાઈ પવનનો અવાજ સંગિતમય વાતાવરણ નિર્માણ કરે છે.

આસપાસમાં આવેલ છે બીજા પણ કેટલાક સ્થળો

તમે નારગોલ બીચની મુલાકાત દરમિયાન અહીઁ આસપાસમાં આવેલ બીજા પણ કેટલાક સ્થળો ફરવાનો આનંદ ઉઠાવી શકો છો. જેમાં સામેલ છે નારગોલના માછીમારોમાં શ્રદ્ધાના કેન્દ્ર સમું રાધેશ્યામ મંદિર, ચંદ્રિકા માતા મંદિર જેવા હિન્દુ દેવી- દેવતાઓના મંદિર આવેલા છે. તેમજ રાધેશ્યામ મંદિરની નજીકમાં જ સમુદ્ર નારાયણ દેવનું પણ મંદિર આવેલું છે. અહીં પારસી સમાજમાં ખૂબ જ ફેમસ અગિયારી આવેલ છે. જેને આપણે ફાયર ટેમ્પલ પણ કહીએ છીએ.

પ્રી-વેડિંગ શૂટ માટે પરફેક્ટ લોકેશન છે

ઠંડા દરિયાઈ પવનોની લહેરખીઓ અને સાથે અહીં દરિયા કિનારે ઉગી નીકળેલા લાંબા સીધા પાતળા સરૂના ઝાડનું નાનકડું વન અહીં પ્રિવેડિંગ સૂટ માટે પરફેક્ટ લોકેશન બનાવે છે. એક તરફ દરિયો અને તેને અડીને આવેલ આ હરિયાળી અનોખી રોનક બનાવે છે. આ નાનકડું વન જ તેને અન્ય બીચથી અલગ પાડે છે. પોતાના જીવનના અમુલ્ય અવસરને જીનવભરનું સંભારણું બનાવવા લગ્નગ્રંથીથી જોડાનારા યુગલોમાં પ્રિ-વેડિંગ સૂટનો ક્રેઝ વધ્ય છે ત્યારે નારગોલ બીચની સુંદરતા છેટ સૂરત સહિતના વિસ્તારોમાંથી આવા કપલ્સને અહીં ખેચી લાવે છે.

કઈ રીતે જઈ શકો?

નારગોલ બીચનું સુરતથી અંતર લગભગ 150 કિલોમીટર આસપાસ થાય છે. બીચની સૌથી નજીકનું ગામ વલસાડનું ઉમરગામ છે જે આશરે 10 કિલોમીટર, સુરતથી પ્રાઇવેટ વાહન દ્વારા બાય રોડ 3 કલાકના ડ્રાઈવિંગ કરીને નારગોલ બીચ પહોંચી શકાય છે. આ સિવાય તમે ST બસ અને રેલવેનો પણ ઉપયોગ કરી શકો છો. નજીકનું રેલ્વે સ્ટેશન સંજાણ છે. સંજાણથી રોડ માર્ગે અડધો કલાકમાં નારગોલ બીચ પહોંચી શકાય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો