શું તમે જાણો છો કે આપણા ગુજરાતમાં પણ આવેલો છે અતિસુંદર હવા મહેલ ? જાણો ક્યાં આવેલો છે

હવા મહેલનું નામ પડે એટલું પહેલો વિચાર જયપુરનો જ આવે. હરવા ફરવાના શોખીન ગુજરાતીઓએ રાજસ્થાનના જયપુરનો હવા મહેલ જોયો પણ હશે, પણ શું તમે જાણો છો કે આપણા ગુજરાતના સુરેન્દ્રનગરમાં પણ સુંદર હવા મહેલ આવેલો છે? આ મહેલ જયપુરના મહેલ જેટલો પ્રખ્યાત ભલે ન હોય, પરંતુ સુંદરતા અને બાંધકામની દૃષ્ટિએ તે જયપુરના મહેલને પણ ટક્કર આપે એવો છે. ગરવા ગુજરાતીઓએ જયપુર જતા પહેલા આ મહેલની અવશ્ય મુલાકાત લેવી જોઈએ.

અમદાવાદથી 111 કિ.મી દૂર આવેલો છે ગુજરાતનો હવા મહેલ , ફોટોશૂટ કરાવવા માટે પણ છે પરફેક્ટ પ્લેસ

ઝાલા રાજપૂતોએ બંધાવ્યો હતો આ મહેલ

અગાઉ વઢવાણમાં ઝાલા રાજપૂત વંશના રાજાઓનું શાસન હતું. કાબેલિયતથી વહીવટ સંભાળવા ઉપરાંત તેમનો કળા સંસ્કૃતિ પ્રત્યેનો ઝુકાવ પણ ઊડીને આંખે વળગે તેવો હતો. એ સમયે તે પોતાના લોકોની રક્ષા કરવા માટે કિલ્લા બનાવડાવતા હતા. અમુક દીવાલો આજની તારીખે શહેરમાં જોવા મળે છે. વઢવાણને અગાઉ ‘વર્ધમાનપુરી’ તરીકે ઓળખવામાં આવતું હતું. શહેરનું નામ જૈનોના તીર્થંકર ભગવાન વર્ધમાન પરથી પડ્યું હતું. 18 અને 19મી સદીમાં દિવાન બહાદુરના રાજમાં અનેક ઐતિહાસિક ઈમારતોનું ચણતર કરાયું હતું.

કામ ક્યારેય પુરું ન થઈ શક્યું

ઝાલા શાસકોના કાર્યકાળમાં જ વઢવાણના હવા મહેલનું કામકાજ શરૂ કરાયું હતું. તેનો અર્થ થાય છે પવનનો મહેલ. આ અતિ મહત્વકાંક્ષી મહેલની કારીગરી કોઈની પણ આંખો પહોળી થઈ જાય તેવી સુંદર છે. નસીબજોગે, આ મહેલનું કામ ક્યારેય પૂરુ નહતું થઈ શક્યું. પરંતુ હાલ આપણને જે જોવા મળે છે તેનાથી એ સમયના કડિયા તથા કલાકારોની બાંધકામની સ્ટાઈલ અંગે ઘણું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં જૈન ધર્મને લગતા અનેક શિલ્પ સ્થાપત્યો જોવા મળશે. અહીં બે મુખ્ય મહેલ આવેલા છે- હવા મહેલ અને રાજ મહેલ. રાજ મહેલ 19મી સદીમાં રાજા બાલસિંહજીનું નિવાસ સ્થાન હતું અને ત્યાં સુંદર ગાર્ડન, ક્રિકેટ પિચ, ફુવારા, ટેનિસ કોર્ટ અને સુંદર તળાવ આવેલા છે.

હવા મહેલની ખાસિયતઃ

ઝાલા શાસકોના સમયમાં હવા મહેલનું બાંધકામ શરૂ કરાયું હતું. જે ભાગનું બાંધકામ બાકી રહી ગયું છે તે ભાગ કિલ્લાની બહારની બાજુ છે અને તે કન્સ્ટ્રક્શનના વિવિધ તબક્કાની ચાડી ખાય છે. આ મહેલ એ સમયના કોતરણીકારોની શૈલીની ઝલક આપે છે. આજની તારીખે હવા મહેલ બનાવનારા સોમપુરા કલાકારોની પછીની પેઢીઓ હિન્દુ અને જૈન મંદિરોમાં કોતરણી અને શિલ્પ કામ કરતા જોવા મળે છે.

સોમપુરા સલાટ ન્યાત ગુજરાતમાં બ્રાહ્મણોની જ એક નાતિ છે. તેઓ કળામાં અને વિશેષ પ્રકારના શિલ્પ સ્થાપત્ય બનાવવામાં નિષ્ણાંત છે. તેમના પૂર્વજોએ જ્યોતિર્લિંગ સાથે સોમનાથ મંદિરનું બાંધકામ કર્યું હતું. હાલમાં તેઓ ગુજરાત અને ભારતમાં પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધારમાં જોડાયેલા છે.

કેવી રીતે જશો?

હવા મહેલ અમદાવાદથી લગભગ 111 કિ.મી દૂર આવેલો છે. અહીં પહોંચવા માટે ખાનગી બસ, ટેક્સી અને સરકારી બસોની સુવિધા છે. લોકલ ફરવા માટે મીટર વિનાની રિક્ષા બેસ્ટ છે. ભાવનગર-સુરેન્દ્રનગર વચ્ચે દોડતી ટ્રેનોની મારફતે પણ પહોંચી શકશો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો