ગુજરાતનું મસૂરી અને શિમલા છે આ હિલ સ્ટેશન

ફરવાના શોખિનોમાં દરિયા કિનાર ઉપરાંત હિલ સ્ટેશન પણ સૌથી લોકપ્રિય ઓપ્શન હોય છે તેનું કારણે છે ઊંચા પર્વત પર હવામાન વર્ષના લગભગ તમામ મહિનામાં મોટાભાગે આલ્હાદક જ રહેતું હોય છે. તેમાં પણ ગુજરાતી હોવ અને હિલ સ્ટેશનનું નામ આવે એટલે સૌથી પહેલા બે જ નામ આવે સાપુતારા અને ગુજરાતને અડીને આવેલું રાજસ્થાનનું આબુ, પરંતુ તમને નહીં ખબર હોય કે આ બંને હિલ સ્ટેશનોને ટક્કર આપે તેવું એક હિલ સ્ટેશન આપણા ગુજરાતમાં જ આવેલું છે. પાછલા થોડા સમયથી લોકો વચ્ચે પ્રખ્યાત થઈ રહેલા આ હિલ સ્ટેશનનું નામ છે ડોન, જે ગુજરાતના આહવા અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની બોર્ડર પર આવેલું છે.

સાપુતારા અને આબુ કરતા પણ જબરજસ્ત છે ગુજરાતનું આ હિલસ્ટેશન.

ગુજરાતનું મસૂરી અને શિમલા

આહવાથી માત્ર 38 કિલોમીટર દૂર આવેલું ડોન ગામ સાપુતારાથી પણ 17 મીટર ઊંચુ અને તેનાથી 10 ગણો વિસ્તાર ધરાવે છે. સહ્યાદ્રિ પર્વતમાળા ખુશનુમા ઊંચાઈ, હરિયાળા ઢોળાવો, નદી, ઝરણાં બધુ જ ધરાવે છે. એટલે પ્રકૃતિની મોજ માણવા ડોન હિલ સ્ટેશને એક ઉત્તમ વિકલ્પ છે. ગુજરાતના પ્રખ્યાત હિલ-સ્ટેશન સાપુતારાની જેમ ડોનની પણ 1000 મીટરની ઊંચાઇ છે. સાથોસાથ આને એક ઐતિહાસિક સ્થળ પણ કહેવામાં આવે છે, કારણ કે અહી ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ જોડાયેલી છે.આ સ્થળને ટ્રેકિંગ માટે પણ બેસ્ટ ગણવામાં આવે છે અને એજ કારણ છેકે અહી પ્રવાસીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળે છે.

ગુજરાતનું મસૂરી અને શિમલા છે આ સુરતથી નજીક આવેલું છૂપા રુસ્તમ જેવું હિલ સ્ટેશન..

આ રીતે પડ્યું ડોન નામ

આ હિલ સ્ટેશનનું નામ ડોન પડવા પાછળનો ઇતિહાસ પણ રોચક છે. અંજની પર્વત પાસે આવેલ આ જગ્યાનો સંબંધ રામાયણકાળ સાથે છે. રામાયણ કાળમાં અહીં ગુરુ દ્રોણનો આશ્રમ હતો અને વનવાસ દરમિયાન ભગવાન રામ અને સીતા અહીં આવ્યાં હતાં. ગુરુ દ્રોણના આશ્રમને કારણે આ જગ્યા દ્રોણ તરીકે ઓળખાતી હતી. કાળક્રમે દ્રોણનું અપભ્રંશ થઈને ડોન થઈ ગયું.

હનુમાનજી સાથે છે સંબંધ

કહેવાય છેકે અહી અંજની પર્વત અને કુંડ આવેલો છે જેને હનુમાનજીનું જન્મસ્થળ ગણવામાં આવે છે. અહી માતા અંજનીએ ભગવાન શિવની આરાધના કરી હતી. જેથી એક શિવલિંગ પણ છે અને આ ઉપરાંત અહી ભગવાન રામ અને માતા સીતાના પગલા અને ડુંગરના નીચલા ભાગે પાંડવ ગુફા પણ જોવા મળે છે. અહીં ઝરણાં પર્વત પરથી વહીને નીચે ‘સ્વયંભૂ શિવલિંગ’ રૂપે પૂજાતા શિવલિંગ પર અભિષેક કરે છે. આ ખુલ્લા શિવ મંદિરની પાસે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. દોઢેક વર્ષથી અહીં સહેલાણીઓ માટેની સગવડ પણ વિકાસ પામી રહી છે. એક વર્ષ અગાઉ વડાપ્રધાન સડક યોજના હેઠળ પાકો રસ્તો બનાવી લેવાયો છે.

ખળખળ વહેતા ઝરણાઓ અને ઘનઘોર વનરાજી

ડુંગરના ઢોળાવો ઉપર છવાયેલા ઘટાદાર જંગલોમાં વચ્ચે વચ્ચે અનેક જગ્યાએ ખળખળ વહેતા ઝરણાંમાં હાથ-પગ બોળવાનો રોમાંચ માણી શકાય. પથ્થરો અને વૃક્ષોનાં વિશાળ થડ સાથે અથડાતાં અને વળાંક લેતાં ઝરણાં પર બે ઘડી આંખ ઠરી જાય. સામાન્ય રીતે કોઇપણ હિલ સ્ટેશનનું સૌથી મોટું આકર્ષણ તો તેના રસ્તાઓ જ હોય છે. ડોન સુધી પહોંચવાના રસ્તાઓ પણ અતી મોહક છે. અહીં પર્વતની પર ટોચ સુધી પહોંચવા માટે સુંદર વળાંકવાળા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. જાણે કોઇ વિશાળકાય ઍનાકોન્ડા ડુંગરને વિટળાઇ વળ્યો હોય તેવી રીતે આ પાકા રસ્તાઓ તમારા પ્રવાસને વધારે રોમાંચક બનાવી દેશે. રસ્તમાં પર્વત પરથી પડતા ઝરણાઓ અને નીચે દેખાતી ખીણના દ્રશ્યો તમારા મનને તરબતર કરી દેશે

ટ્રેકિંગ માટે છે બેસ્ટ

1000 મીટરની ઊંચાઇએ આવેલ ડોન સાપુતારા કરતાં 100 મીટર વધારે ઊંચુ હોવા સાથે પર્વતનો ઢોળાવ અને ખડકોનો આકાર એવો છે કે ટ્રેકિંગ માટે ઉત્તમ રહે છે. એટલે જો તમને ટ્રેકિંગમાં રસ હોય તો એક વખત ડોન જરૂર જવા જેવું ખરું, તેમજ હિલ સ્ટેશન તરીકે વિકસતા ડોનમાં તમને અહીં પેરાગ્લાઇડિંગ, પેરા રોઇલિંગ ઝોર્બિંગ એટલે કે પારદર્શક ગોળામાં ગબડવાની મજા, ઝિપલાઇનિંગનો રોમાંચ માળવા મળી શકે છે.

અહીં આદિવાસી સમુદાયના 1700 લોકો વસવાટ કરે છે. અહીં આદિવાસીઓના ઉત્સવ પ્રસંગે વિવિધ ડાંગી નૃત્યોની રમઝટ જામે છે. અહીં વિવિધ પ્રકારનાં ભોજન આપતી 1-2 રેસ્ટોરાં મળી રહે છે. આ ઉપરાંત જો તમે ચેન્જ ખાતર ચાહો તો અહીંના આદિવાસી લોકોનું વિશિષ્ટ ભોજન નાગલીનો રોટલો અને વાંસના શાકની મઝા પણ માણી શકાય છે. અહીં રોકાણ માટે ગ્રામ પંચાયત તરફથી રૂમ અને ટેન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સગવડ નજીવા ચાર્જ ચૂકવીને મેળવી શકાય છે.

કેવી રીતે જશો ?

ડાંગ જિલ્લામાં આવેલા આ કુદરતી સુંદરતા ધરાવતા હિડન જેમ જેવું ડોન હિલ-સ્ટેશન આહવાથી 38 કિ.મી દૂર આવેલ છે. આહવા પાસે આવેલા ગડદ ગામથી પહાડી વળાંકદાર રસ્તેથી અહીં પહોંચી શકાય છે. સુરતથી ડોન હીલ સ્ટેશનનું અંતર લગભગ 175 કિલોમીટર, નવસારીથી અંદાજે 136 કિલોમીટર, સાપુતારાથી આશરે 50 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે અહીં પોતાના વાહન અથવા રાજ્ય સરકારની બસ સર્વિસ દ્વારા જઈ શકો છો.

ડોનની નજીક આવેલ ફરવાલાયક સ્થળો

  • બરડા વોટરફોલ – 33 કિલોમીટર
  • શીવધાટ – 32 કિલોમીટર
  • મહાલ – 46 કિલોમીટર
  • પંપા સરોવર – 47 કિલોમીટર

ફરવા માટેનો બેસ્ટ સમય

આમ તો હિલ સ્ટેશન ફરવા માટે વર્ષનો કોઈપણ સમય બેસ્ટ જ હોય છે પરંતુ ખાસ કરીને ડોનની કુદરતી સુંદરતા જોવી હોય તો સપ્ટેમ્બરથી મે મહિના સુધી અહીં ફરવાની ખરી મજા આવે છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં ફરવાની તેમજ ટ્રેકિંગની મુશ્કેલી નડી શકે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો