ગુજરાતના જાણીતા હિલ સ્ટેશન પાસે જ આવ્યું છે હનુમાનજીનું જન્મસ્થળ, જાણો ક્યાં આવેલું છે આ સ્થળ

શાસ્ત્રોમાં તો હનુમાનજીના જન્મસ્થળ અંગે અનેક ભિન્ન ભિન્ન મત જોવા મળે છે અને તેના આધારે દેશમાં જુદી જુદી જગ્યાએ હનુમાનજીના જન્મ અંગે દાવા કરવામાં આવે છે. જોકે આ બધામાં સૌથી વધુ જેને સમર્થન મળ્યું હોય તેવી એક જગ્યા આપણા ગુજરાતમાં જ આવેલી છે. ગુજરાતાના ખૂબ જ પ્રખ્યાત હિલ સ્ટેશન નજીક આવેલ આ પર્વતને હનુમાનજીના માતા અંજનીનું નામ પણ મળે છે.

આ જગ્યા એટલે રામાયણ કાળમાં વનવાસ દરમિયાન જે જગ્યાએ શ્રીરામે સૌથી વધુ રોકાણ કર્યું એ દંડકારાણ્ય. રામાણયમાં જે પ્રદેશને દંડકારણ્ય તરીકે ઓળખવામાં આવે છે તેનો એક મોટો વિસ્તાર ગુજરાતના દક્ષિણ છેવાડે ડાંગ જિલ્લામાં આવેલો છે. ડાંગ જિલ્લાના આદિવાસીઓના પેઢીદર પેઢી ચાલ્યા આવતા લોક સંગીત અને લોકવાર્તાઓમાં જોવા મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ જ્યારે સીતાજીની શોધમાં નિકળ્યા હતા ત્યારે અહીંથી જ પસાર થયા હતા. અહીં જ શબરીમાતાએ તેમને બોર ખવડાવ્યા હતા તે સ્થળ શબરીધામ અને પંપા સરોવર પણ આવેલા છે.

હનુમાનજીની જન્મભૂમી ગણાતા ડાંગના અંજની પર્વત, ગુફા અને કુંડ

તે ઉપરાંત હનુમાનજીનો જન્મ પણ ડાંગમાં જ થયો હોવાની માન્યતાના છે. પુરાવા સ્વરૂપે અહીં અંજની ગુફા, માતા અંજનીએ તપ કર્યુ હતુ તે અંજની પર્વત અને બાળ હનુમાન જ્યાં સ્નાન કરતા તે અંજની કુંડ આવેલા છે. સાતપુડાના પર્વતોમાં આવેલુ આ સ્થળ ચોમાસામાં ધોધ અને ઝરણાઓની શોભાથી ખીલી ઉઠે છે.

અંજની પર્વત

ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્રઢ પણે માને છે કે હનુમાનજીનો જન્મ અંજની પર્વતની ગુફામાં થયો હતો. વર્ષોથી ડાંગની પ્રજા આહવાથી આશરે ૩૦ કિલોમીટરના અંતરે આવેલા અંજની પર્વત, અંજની કુંડ અને અંજની ગુફાને હનુમાનજીના જન્મ સ્થળ તરીકે માનતી અને પૂજતી આવી છે. અંજની પર્વત સાતપુડાના પર્વતોની હારમાળામાં આવે છે. રામાયણકાળમાં દડકારણ્ય તરીકે ઓળખાતા આ પ્રદેશમાં માતા અંજનીએ એક ઉંચા પર્વત પર ભગવાન શીવને પ્રસન્ન કરવા તપશ્ચર્યા કરી હતી. જેથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને દર્શન આપ્યા હતા. તેમજ પ્રસન્ન થઇ વરદાન માગવા કહ્યું, ત્યારે અંજનીએ શિવજીને જ પુત્ર સ્વરૂપે પોતાની કુખે અવતરવાનું વરદાન માંગ્યું હતુ. જેના ફળ સ્વરુપે રુદ્રાવતાર ગણાતા હનુમાનજી માતા અંજનીને ત્યાં પુત્ર તરીકે અવતર્યા હોવોનું મનાય છે.

અંજની ગુફા

અંજની પર્વતની બરોબર વચ્ચોવચ એક ગુફા આવેલી છે. આ ગુફાને અંજની ગુફાના નામે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ ગુફામાં જ માતા અંજનીએ હનુમાનજીને જન્મ આપ્યો હતો. અહીં પ્રચલિત લોકવાયકાઓ પ્રમાણે અંજની માતાની દાયણ આ ગુફાના ઉપરના ડુંગરમાં રહેતી હતી. જે રોજ નીચે આવી સાફ સફાઇ કરતી. આ દાયણ જ્યાં કચરો નાખતી ત્યાં અંજની પર્વતની પાસે બે નાના ડુંગરો બની ગયા હતા. જે આજે ઉકરડો ડુંગર તરીકે ઓળખાય છે. આ દાયણના પગલાઓના નિશાન આજે પણ અહીં જોવા મળે છે. અંજની ગુફા સુધી જવા માટે પર્વત પર સીધું ચઢાણ છે જે થોડું અઘરું છે તેમજ ઉપર જવા માટે કોઈ ખાસ વ્યવસ્થાનો પણ અભાવ છે.

સંજીવની પર્વતનો એક ભાગ અહીં પડ્યો હતો

સાતપુડાના પર્વતોની હારમાળામાં આવેલ આ અંજની પર્વતને રામાયણ કાળ સાથે જોડતી બીજી પણ એક માન્યતા અહીં જોવા મળે છે. અહીં આદિવાસી સમાજ વચ્ચે પ્રચલિત માન્યતા અનુસાર જ્યારે લક્ષ્મણ ઈન્દ્રજીત સાથેના યુધ્ધમાં ઘાયલ થયા ત્યારે તેમને સંજીવની જડીબુટ્ટીની આવશ્યકતા પડી હતી. જે માત્ર હિમાલયની ગીરીકંદરાઓમાં મળે તેમ હતી. જેથી હનુમાન સંજીવની જડીબુટ્ટી લેવા હિમાલય ગયા હતા પરંતુ રાવણે માયા કરતા હનુમાન સંજીવની ઓળખી શક્યા નહીં તો આખો દ્રોણગીરી પર્વત ઉપાડી લાવ્યા હતા. રસ્તામાં આ પર્વતનો એક ભાગ ડાંગના આ સ્થળે પડ્યો હોવાની માન્યતા છે. મહત્વનું છે કે આજે પણ અંજની પર્વત પર અનેક દુર્લભ વનસ્પતીઓનો ભંડાર મળી આવે છે.

આહવા નજીક આવેલું અંજની કુંડ ગામ સાતપુડાના પર્વતોથી ઘેરાયેલુ છે. અહીં ચારે તરફ મનમોહક વનરાજી ફેલાય છે. પ્રકૃતિ પ્રેમીઓના પ્રિય સ્થળમાનું અંજની કુંડ ગામ હનુમાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. હનુમાનજીની જન્મભૂમી ગણાતા આ સ્થળે વર્ષભર સહેલાણીઓ આવતા રહે છે પરંતુ રામનવમી અને હનુમાન જયંતિના દિવસે અહીં મેળાવડા જેવું વાતાવરણ હોય છે.

અંજની કુંડ

અંજની પર્વતની તળેટીમાં એક કુંડ આવેલો છે જેને અંજની કુંડ કહે છે કે કહેવાય છે કે અંજની માતા અને હનુમાનજી અહીં જ સ્નાન કરતા હતા. એક પ્રચલિત દંતકથા પ્રમાણે હનુમાનજીએ આ કુંડમાં સ્નાન કરતા સમયે જ સવારે સૂર્યને એક સફરજન સ્વરુપે જોયા અને પછી અંજની પર્વત પર ચડીને સૂર્યને ગળી જવા માટે છલાંગ લગાવી હતી.

અંજની ધોધ

ચોમાસાની ઋતુમાં અંજનીકુંડ ગામની શોભા ચાર ગણી વધી જાય છે. વરસાદના કારણે ચોતરફ લીલોતરી, નાના-મોટા ઝરણા અને ચારે તરફ ટેકરાઓથી છવાયેલ આ જગ્યા જાણે કોઈ નવોઢા લીલુંડી સાડી પહેરી ધીમા પગેલ ચાલી જતી હોય તેવો ભાસ થાય છે. વરસાદથી નિર્માણ પામતો ધોધ અંજની ગુફાના મુખ દ્વાર આગળ એ રીતે પડે છે જાણે ગુફાના પ્રવેશ પર પાણીની દીવાલ રચવા માગતો હોય. આ પાણી અંજની કુંડમાં એકઠુ થાય છે. અંજની કુંડ છલકાતા આ ધોધનુ પાણી પથ્થરોમાંથી રસ્તો કરી ઝરણા રૂપે આગળ વધી જાય છે. પ્રવાસીઓ ખાસ ચોમાસાની મોસમમાં અહીં ધોધનો રોમાચ માણવા આવે છે. ગુફામાં બેસી ધોધ સાથે સુંદર ફોટોગ્રાફી કરી શકાય છે.

અહીં કેવી રીતે જઇ શકાય?

સુરતથી ડાંગના અંજની કુંડ ગામનું અંતર 160 કિલોમીટર જેટલું છે તેમ જ ડાંગના જિલ્લાના કેન્દ્ર આહવા થી માત્ર 30 કિમી દૂર છે. જ્યારે ફેમસ હિલસ્ટેશન સાપુતારાથી અંદાજે 32 કિલોમીટર જેટલુ થાય છે. આ જગ્યા અંતરિયાળ વિસ્તાર હોવાથી પોતાના વાહનની સુવિધા સાથે જવું વધુ હિતાવહ છે. આ ઉપરાત અહીં હોટલ કે રેસ્ટોરન્ટ તો ઠીક નાસ્તાની લારી પણ નથી જેથી નાસ્તો પાણી અને જમવાની વ્યવસ્થા સાથે કરવી તેમજ સાંજનો સમય થતા જ આહવા તરફ નીકળી જવું જોઈએ નહીંતર રાત્રે અહીં જંગલમાં ફસાઈ જવાય તેવું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો