“રાદડિયા પરિવાર સિવાય જો બીજાને ટિકિટ મળશે તો લોહીમાં ભાજપ હોય તો પણ વિરોધ થશે”

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગીનું કામ ઝટીલ બની ગયું છે. ભાજપ તરફથી અત્યાર સુધી ગાંધીનગર સહિત 14 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ તરફથી છ જેટલી બેઠક પર ઉમેદવારના નામ જાહેરાત કરવામાં આવ્યા છે. પોરબંદર બેઠક પરથી હાલ ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. એવી માંગણી કરવામાં આવી રહી છે કે આ બેઠક પરથી રાદડિયા પરિવારને જ ટિકિટ મળવી જોઈએ.

‘ટૂંકું ને ટચ, ટિકિટ નહીં તો ભાજપ નહીં,’ વિઠ્ઠલ રાદડિયાની તસવીર સાથે લાગ્યા પોસ્ટર..

આ દરમિયાન પોરબંદર બેઠકમાં આવતા વિસ્તારોમાં સાંસદ વિઠ્ઠલ રાદડિયાના સમર્થનમાં બેનર લાગ્યા છે. વિઠ્ઠલ રાદડિયા હાલ પોરબંદર બેઠક પરથી સાંસદ છે. જોકે, તેમની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ જાહેરમાં નથી દેખાઈ રહ્યા.

ધોરાજી અને કેશોદમાં રાદડિયાના ફોટોગ્રાફ્સ સાથે બેનર્સ લગાવવામાં આવ્યા છે. ભાજપે હાલ પોરબંદર બેઠક પરથી કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. ધોરાજી શહેર અને કેશોદના સરદાર ચોકમાં લાગેલા પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે કે, રાદડિયા પરિવારના ટિકિટ મળવી જોઈએ. જો આવું નહીં થાય તો ભાજપે તેની ભૂલનું પરિણામ ભોગવવું પડશે.

એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, “ભાજપની પોરબંદર બેઠકની ભુલ રાજકોટ, જૂનાગઢ, જામનગર, સુરત સૌરાષ્ટ્રભરમાં પણ લઈ ડૂબશે. જ્યાં રાદડિયા સરકારનો કરંટ લાગશે. ટૂંકું ને ટચ ટિકિટ નહીં તો ભાજપ નહીં.”

બીજા એક પોસ્ટરમાં લખાયું છે કે, “રાદડિયા પરિવાર સિવાય જો બીજાને ટિકિટ મળે તો ભલે લોહીમાં ભાજપ હોય તોય ભાજપનો વિરોધ થશે. ફરજિયાત ભાજપને ટિકિટ મળવી જોઈએ. હણે એને હણવામાં વાંધો નહીં, કોઈ સંત પુરુષોએ કહ્યું હતું.”

આ પણ વાંચજો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો