એક સંત એક ગામથી બીજે ગામ ફરતાં હતાં, એકવાર સંતને રસ્તામાં સોનાની મુદ્રા મળી તો તેમણે વિચાર્યું કે કોઈ ગરીબને આપીશ, પરંતુ પાછળથી તે મુદ્રા રાજાને આપી દીધી, રાજાએ સંતને તેનું કારણ પૂછ્યું, જાણો સંતે શું કહ્યું?

જૂની લોકકથા પ્રમાણે એક સંત એક ગામથી બીજે ગામ ફરતાં હતાં. તેઓ ક્યારેય કોઈ એક જગ્યાએ વધુ દિવસો સુધી રોકાતા ન હતાં. સંત પ્રવચન કરીને લોકોને જીવન સુખી બનાવવાના સૂત્ર બતાવતાં હતાં. એક દિવસ તેમને રસ્તામાં સોનાની મુદ્રા મળી. સંતે મુદ્રા ઊઠાવી લીધી અને વિચાર્યું કે તેને સૌથી ગરીબ વ્યક્તિને આપી દેવી જોઈએ.

સંત ઘણા દિવસ સુધી એવા માણસને શોધતાં રહ્યાં જે અત્યંત ગરીબ હોય, પરંતુ તેમને એવો કોઈ વ્યક્તિ જોવા મળ્યો નહીં. આ પ્રકારે થોડો વધારે સમય વિતી ગયો. એક દિવસ સંતે જોયું કે રાજા પોતાની સેના સાથે પાડોશી રાજ્ય પર હુમલો કરવા જઈ રહ્યો છે. સંતે સોનાની મુદ્રા કાઢી અને રાજાને આપી દીધી.

રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું કે એક સંત તેમને સોનાની મુદ્રા શા માટે આપી રહ્યાં છે? રાજાએ સંતને તેનું કારણ પૂછ્યું.

સંતે જવાબ આપ્યો કે રાજા થોડા સમય પહેલાં મને આ મુદ્રા રસ્તામાં મળી, ત્યારે મેં વિચાર્યું હતું કે સૌથી ગરીબ માણસને આ મુદ્રા આપીશ. આજે મને તમારા રૂપમાં સૌથી ગરીબ માણસ મળી ગયો છે.

આ સાંભળીને રાજા હેરાન થઈ ગયો. તેને સંતને કહ્યું કે આ તમે શું કહી રહ્યા છો, હું આ રાજ્યોનો રાજા છું, મારી પાસે ધન-સંપત્તિની કોઈ ખોટ નથી.

સંત બોલ્યા કે રાજન જે માણસ આટલું ધન હોવા છતાં પણ બીજા રાજ્ય ઉપર હુમલો કરવા જઈ રહ્યો હોય, તેનું ધન લૂંટવા જઈ રહ્યો હોય, તેને આપણે ગરીબ ન કહીએ તો બીજું શું કહીએ? રાજાએ સંતની વાત સમજાઈ ગઈ. રાજાએ સંતને પ્રણામ કર્યા અને પોતાની સેના સાથે ફરી પોતાના રાજ્ય તરફ પાછો વળી ગયો.

બોધપાઠ

આ કથાની શીખ એ છે કે ક્યારેય બીજાના ધન પર ખરાબ નજર ન રાખવી જોઈએ. જે લોકો આ વાતનું ધ્યાન નથી રાખતા, તેઓ ક્યારેય પણ સુખી નથી રહી શકતાં. હંમેશાં પોતાની મહેનતથી કમાયેલાં ધનમાં જ સંતોષ કરવો જોઈએ. સંતોષી વ્યક્તિ સૌથી વધુ સુખી રહે છે.

આ પણ વાંચજો – શિષ્યએ ભગવાન બુદ્ધને સવાલ પૂછ્યો કે આ ચટ્ટાન કરતાં વધુ શક્તિશાળી કોણ હોઈ શકે છે, ભગવાન બુદ્ધે કહ્યું આ શિલાઓથી વધુ લોખંડ શક્તિશાળી હોય છે. લોખંડથી શક્તિશાળી અગ્નિ છે અને અગ્નિથી પાણી વધુ શક્તિશાળી છે. તો આ બધાથી વધુ શક્તિશાળી શું હશે?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો