એક દેશ ઉપર પાડોસી દેશે કરી દીધો હુમલો, આ સાંભળીને રાજા ગભરાઈ ગયા કેમ કે તેમની પાસે ઘણા ઓછા સૈનિકો હતા, રાજાએ આ વાત પોતાના સેનાપતિને જણાવી ત્યારે સેનાપતિએ એક સિક્કો ઉછાડીને કર્યો હાર અને જીતનો નિર્ણય

કોઈ દેશમાં એક દયાળુ રાજા રહેતા હતા. એક દિવસ પાડોસી દેશે તેમના ઉપર હુમલો કરી દીધો. રાજાને જ્યારે આ વાતની ખબર પડી તો તે ગભરાય ગયા. તેમણે પોતાના સેનાપતિને બોલાવ્યો. રાજાએ સેનાપતિને કહ્યુ – પાડોસી દેશ પાસે સૈનિકોની સંખ્યા ખૂબ વધારે છે, એવામાં આપણે તેનો મુકાબલો કેવી રીતે કરી શકીશું?

સેનાપતિ ખૂબ જ ચાલાક અને બહાદુર હતો. તેણે કહ્યુ કે – આપણી પાસે સેના ભલે ઓછી છે પરંતુ આપણે તેમ છતાં આ યુદ્ધ જીતી શકીએ છીએ. પાડોસી દેશ પાસે આપણાં કરતા વધુ સૈનિક છે, આ વાત માત્ર આપણે જાણીએ છીએ, આપણાં સૈનિક નહીં. આપણે માત્ર કોઈ રીતે આપણાં સૈનિકોનું મનોબળ વધારવાનું છે, પછી જીત આપણી જ થશે.

સેનાપતિએ રાજાને પોતાની યોજના જણાવી અને તેના મુજબ બધા સૈનિકોને એક જગ્યાએ ભેગા કર્યા. સેનાપતિએ સૈનિકોને કહ્યુ કે – પાડોસી દેશે આપણાં દેશ ઉપર હુમલો કરી દીધો છે. હવે આપણે યુદ્ધ કરવાનું છે. યુદ્ધમાં આપણને વિજય મળશે કે પરાજય તેનો નિર્ણય આપણે અત્યારે જ કરી શકીએ છીએ.

સૈનિકોએ પૂછ્યુ – એ કેવી રીતે? સેનાપતિએ કહ્યુ – મારી પાસે સિદ્ધ સંતનો આપેલો એક સિક્કો છે. તેના એક તરફ તલવારની તસવીર છે તો બીજી તરફ ઢાળની. હું આ સિક્કો તમારા બધાની સામે ઉછાળીશ. સિક્કો પડવા પર જો તલવારવાળો ભાગ ઉપર આવ્યો તો આપણને નિશ્ચિત સફળતા મળશે અને જો ઢાળવાળો ભાગ ઉપર આવ્યો તો હાર.

સેનાપતિએ સૈનિકોની સામે ત્રણ વખત સિક્કો ઉછાડ્યો. ત્રણેય વખત તલવારવાળો ભાગ જ ઉપર આવ્યો. આ જોઇને સૈનિકોમાં નવી ઉર્જા આવી ગઈ. સંખ્યા ઓછી હોવા છતાં પણ તે દુશ્મન પર તૂટી પડ્યા અને જોત-જોતામાં પાડોસી દેશની સેના ભાગી ગઈ. સૈનિકોમાં હર્ષ છવાઈ ગયો અને તે નાચવા લાગ્યા. જીત પછી જ્યારે રાજાએ સેનાપતિને તે સિક્કા વિશે પૂછ્યુ તો તેણે જણાવ્યુ કે આ સિક્કાની બંને તરફ તલવારનો જ નિશાન બનેલો છે. મારે તો માત્ર સૈનિકોને એ વિશ્વાસ અપાવવાનો હતો કે દરેક સ્થિતિમાં જીત આપણી જ થશે. તેનાથી સૈનિકોમાં જોશ આવી ગયો અને તેના પરિણામ સ્વરૂપ આપણે આ યુદ્ધ જીતી ગયા.

બોધપાઠ

જો તમારી અંદર આત્મવિશ્વાસ છે તો કોઈ પણ કામ એવું નથી જે તમે નથી કરી શકતા. આત્મવિશ્વાસના બળ પર જ અશક્યને પણ શક્ય કરી શકાય છે. જો તમે સમસ્યાની સામે પહેલા જ હાર માની લીધી તો પછી તમે તેનો ઉકેલ નહીં કાઢી શકો. અને જો તમે એ નક્કી કરી લીધું કે મને આ પરેશાનીથી છુટકારો મેળવવો જ છે તો તમને કોઈ હરાવી નથી શકતું.

આ પણ વાંચજો – જંગલમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો હતો ત્યારે ચાર લોકો એક વૃક્ષની નીચે ઊભા હતા, કડકડતી વીજળી તે વૃક્ષ સુધી જઈને પાછી આવી રહી હતી, ત્યારે ચારેયએ વિચાર્યુ કે આપણાંમાંથી કોઈ એકનું મોત આવ્યું છે અને પછી શોધ્યો એક ઉપાય.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો