રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન હતું, એક દિવસ રાજાએ પોતાના બુદ્ધિમાન પરંતુ કુરૂપ મહામંત્રીને કહ્યું, ”કેટલું સારું હોત જો તમે રૂપવાન પણ હોત”, મહામંત્રીએ રાજાને શું જવાબ આપ્યો? જાણો

રતનપુર રાજ્યના રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન હતું. તે કોઈ ન કોઈ રીતે પોતાના રૂપના વખાણ પોતાના મંત્રીઓ અને સભાના સભ્યો વચ્ચે કરતા રહેતા હતા. બધા લોકો જાણતા હતા કે રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન છે પરંતુ કોઈ તેમની સામે બોલી નહોતા શકતા.

રાજાના એક પરમ બુદ્ધિમાન મહામંત્રી હતા. તેમનો રંગ શ્યામ હતો અને ચહેરા ઉપર કરચલીઓ હતી, તેના કારણે તે કુરૂપ દેખાતા હતા. એક દિવસ રાજાએ પોતાના મહામંત્રી સાથે મજાકમાં જ કહી દીધુ કે તમે બુદ્ધિમાન તો ખૂબ છો પરંતુ કેટલું સારું થયું હોત જો તમે રૂપવાન પણ હોત. મહામંત્રીએ જવાબ આપ્યો કે મહારાજ, રૂપ તો નષ્ટ થઈ જાય છે, વ્યક્તિની ઓળખ તો ગુણ અને બુદ્ધિથી જ થાય છે.

રાજાએ મહામંત્રીને કહ્યુ – શું કોઈ એવું ઉદાહરણ આપી શકો છો જ્યાં ગુણની સામે રૂપનું મહત્વ ઓછું દેખાઇ. મહામંત્રીએ કહ્યુ – એવા તો અનેક ઉદાહરણ છે મહારાજ, પહેલા તમે પાણી પીને મન હળવું કરો પછી વાત કરીશું. મહામંત્રીએ રાજાને બે ગ્લાસમાં પાણી આપ્યું. તેના પછી મહામંત્રીએ પૂછ્યુ કે મહારાજ, પહેલા ગ્લાસનું પાણી એક સોનાના માટલાનું હતું અને બીજા ગ્લાસનું પાણી કાળી માટીના માટલાનું હતું. હવે તમે જણાવો કયા ગ્લાસનું પાણી તમને મીઠું અને સ્વાદિષ્ટ લાગ્યું.

રાજાએ જવાબ આપ્યો – માટીથી ભરેલા ગ્લાસનું પાણી શીતળ અને સ્વાદિષ્ટ લાગ્યુ અને તેનાથી તૃપ્તિ પણ મળી. રાજા પાસે બેસેલી રાણીએ હસીને કહ્યુ – મહારાજ આપણાં મહામંત્રીએ તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. આ સોનાનું માટલું કયા કામનું જો તેનું પાણી સ્વાદહીન લાગતું હોય તો. બીજી તરફ કાળી માટીથી બનેલું માટલું જે કુરૂપ તો લાગે છે પરંતુ તેમાં ગુણ છુપાયેલા છે. તેના શીતળ સ્વાદિષ્ટ પાણી પીને મન તૃપ્ત થઈ જાય છે. હવે તમે જ કહો કે રૂપ મોટું છે કે ગુણ અને બુદ્ધિ?

આ સાંભળીને રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે પોતાના રૂપ ઉપર અભિમાન કરવાનું છોડી દીધુ.

બોધપાઠ

રૂપ તો બહારનું આવરણ છે જેનું નષ્ટ થવું નિશ્ચિત છે પરંતુ ગુણ કાયમ રહે છે અને અન્ય લોકોથી તમને અલગ કરે છે. ગુણના કારણે જ તમારી ઓળખ બને છે અને સન્માન મળે છે. એટલે રૂપની અપેક્ષા ગુણ ઉપર વધુ વિશ્વાસ કરવો જોઈએ.

આ પણ વાંચજો – કેટલાક લોકો અંધારાવાળી ટનલમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના પગમાં નાના-નાના કાંકરા ખૂંચવા લાગ્યા, કેટલાક લોકોએ કાંકર ઉપાડીને પોતાની બેગમાં રાખી લીધા જેથી બીજા કોઈને કાંકરા ન ખૂંચે, જેમણે બેગમાં પથ્થર નહોતા રાખ્યા તેમને પાછળથી અફસોસ થયો, જાણો કેમ?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો