રાજાના મંત્રીથી થઈ ગઈ એક ભૂલ તો તેને મળ્યો મૃત્યુદંડ, રાજાએ કહ્યું- તેને 10 ખૂંખાર કૂતરાઓ સામે ફેંકી દો, પરંતુ મંત્રીએ માંગ્યો 10 દિવસનો સમય, 10 દિવસ બાદ કૂતરાઓ મંત્રીને પ્રેમ કરવા લાગ્યા, જાણો એનું કારણ

પૌરાણિક સમયમાં એક રાજાએ અપરાધીઓને સજા આપવા માટે 10 ખૂંખાર જંગલી કૂતરા પાળી રાખ્યા હતા. જ્યારે પણ કોઇને મૃત્યુદંડ આપવાનો હોય ત્યારે એ વ્યક્તિને આ કૂતરાઓ સામે રાખી દેતો હતો. બધા જ કૂતરા ભેગા થઈને માણસને મારી નાખતા.

એક દિવસ તેમના મંત્રીથી એક ભૂલ થઈ ગઈ, જેનાથી રાજાને ખૂબજ ગુસ્સો આવ્યો અને તેને મૃત્યુદંડ આપી દીધો. રાજાએ મંત્રીને એ કૂતરાઓ સામે નાખવાનો આદેશ આપ્યો. મંત્રીએ પોતાની અંતિમ ઇચ્છા રૂપે 10 દિવસનો સમય માંગ્યો. તેણે રાજાને કહ્યું કે, મહારાજ મેં તમારી 10 વર્ષ સુધી સેવા કરી છે, કૃપા કરી મારી આ ઈચ્છા પૂરી કરો. રાજાએ મંત્રીની આ વાત માની લીધી.

10 દિવસ બાદ રાજાએ મંત્રીને જંગલી કૂતરાઓ સામે ફેંકવાનો આદેશ આપ્યો. સૈનિકોએ મંત્રીને જંગલી કૂતરાઓ સામે ફેંક્યો, પરંતુ કૂતરાઓએ મંત્રીને માર્યો નહીં, પરંતુ તેને પ્રેમ કરવા લાગ્યા. બધા જ કૂતરાઓ પૂંછડી હલાવી રહ્યા હતા રાજા સામે અને તેની સાથે રમી રહ્યા હતા.

આ જોઇને રાજા ચિંતામાં પડી ગયો કે, આ કૂતરાઓને શું થઈ ગયું? તેઓ મંત્રીને મારતા કેમ નથી? રાજાએ મંત્રીને પૂછ્યું કે, આ ખૂંખાર કૂતરા તારી સાથે રમી કેમ રહ્યા છે?

મંત્રીએ રાજાને જણાવ્યું કે, તમારી પાસેથી જે 10 દિવસનો સમય માંગ્યો હતો, તેમાં મેં આ જાનવરોની બહુ સેવા કરી. તેમને ખોરાક-પાણી આપ્યાં. આ 10 દિવસોમાં હું તેમનું ખૂબજ ધ્યાન રાખતો હતો. આ સેવા કૂતરા ન ભૂલ્યા અને જેવો હું તેમની સામે આવ્યો, મારી સાથે રમવા લાગ્યા.

મંત્રીએ રાજાને કહ્યું કે, મને માફ કરી દો, પરંતુ તમે માણસ થઈને મારી 10 વર્ષની સેવાને ભૂલી ગયા અને મારી એક નાનકડી ભૂલની આવડી મોટી સજા સંભળાવી દીધી. આ વાત સાંભળીને રાજાને પોતાની ભૂલ સમજાઇ ગઈ અને મંત્રીને માફ કરી દીધો.

બોધપાઠ

રાજાની જેમ જ આપણે પણ ક્યારેય-ક્યારેક ગુસ્સે થઈ જઈએ છીએ અને એ વ્યક્તિનું અહિત કરી બેસીએ છીએ, જેમણે ક્યારેક આપણું ભલું કર્યું હોય, આપણી સેવા કરી હોય. વ્યક્તિએ ક્ષમાશીલ બનવું જોઇએ. બીજાંની ભૂલને ભૂલીને આગળ વધવું જોઇએ.

આ પણ વાંચજો – મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને ભીષ્મ પિતામહે ઘોષણા કરી કે બીજા દિવસે તેઓ બધા જ પાંડવોનો વધ કરી નાખશે, પાંડવોની રક્ષા માટે શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે મારી સાથે ચાલ તેના પછી જે થયું તેનાથી આપણને પણ શીખ મળે છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો