વેપારી સમુદ્ર માર્ગે જુદા જુદા દેશોમાં જતો અને માલ વેચતો હતો, તેનો નવો સાથી દરિયાઈ યાત્રા પર જવાથી ડરતો હતો, તેણે જહાજ ચલાવતા વ્યક્તિને પુછ્યું કે તારા ઘરમાં સમુદ્રના કારણે તારા પિતા, દાદા અને પરદાદા મૃત્યુ પામ્યા છે તો તુ કેમ ફરીથી આ કામ કરી રહ્યો છે અને કેમ મુસાફરી પર જઈ રહ્યો છો? જાણો તેણે શું કર્યું..

પ્રચલિત કથાના અનુસાર, પ્રાચીન સમયમાં એક વેપારી સમુદ્રના રસ્તેથી બીજા દેશોમાં જઈને વેપાર કરતો હતો. વેપારી જહાજથી મુસાફરી કરતો હતો. તેનો સારો વેપાર જોઈને વેપારીનો એક નવો ભાગીદાર બની ગયો. ભાગીદારે પણ વેપારની સાથે પૈસાનું રોકાણ કર્યું.

જ્યારે દરિયાઇ સફર પર જવાનો સમય આવ્યો ત્યારે નવો ભાગીદાર ડરી ગયો. તે વિચારી રહ્યો હતો કે જો વચ્ચે સમુદ્રમાં તોફાન આવશે તો બધું સમાપ્ત થઈ જશે. પ્રાણ મુશ્કેલીમાં મૂકાઈ જશે. નવા સાથીએ શેઠને એમ પણ કહ્યું હતું કે તેમણે આ સમયે મુસાફરી પર ન જવું જોઈએ. પરંતુ શેઠે કહ્યું કે કોઈએ તો મુસાફરી પર જવું પડશે, નહીં તો નુકસાન થશે.

જહાજ ચલાવતા અન્ય લોકો પણ ત્યાં પહોંચી ગયા. ભાગીદારે વિચાર્યું કે, હું જહાજ ચલાવતા લોકોને ડરાવી દઉં, જેથી આ મુસાફરી અટકી જાય. તેણે એક વ્યક્તિને કહ્યું કે, તારા પિતા છે કે નહીં. વ્યક્તિએ કહ્યું કે, એક સમુદ્રી તોફાનમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. ભાગીદારે ફરીથી પૂછ્યું કે, તારા દાદા? વ્યક્તિએ કહ્યું કે દાદાનું પણ સમુદ્રના તોફાનના કારણે મૃત્યુ થયું હતું. પરદાદાની સાથે પણ આવું જ થયું હતું.

ભાગીદાર હસવા લાગ્યો અને કહ્યું કે, ભાઈ જ્યારે તારા ઘરમાં સમુદ્રના કારણે આટલા લોકોના મૃત્યુ થઈ ગયા છે તો તુ કેમ ફરીથી આ કામ કરી રહ્યો છે અને કેમ મુસાફરી પર જઈ રહ્યા છો?

જહાજ ચલાવતા માણસે નવા ભાગીદારને પૂછ્યું કે, તમારા પિતાનું મૃત્યુ કેવી રીતે થયું? ભાગીદારે કહ્યું કે, તેઓ આરામથી પલંગ પર સૂઈ રહ્યા હતા અને તેમનું મૃત્યુ થઈ ગયું. મારા દાદા અને પરદાદા પણ આરામથી પલંગ પર સૂતા સૂતા મૃત્યુ પામ્યા હતા.

જહાજ ચલાવતા નાવિકે કહ્યું કે, સાહેબ, જ્યારે તમારા ઘરમાં પણ ઘણા લોકો પલંગ પર સૂતા સૂતા આટલા લોકો મરી રહ્યા છે, તેમ છતાં તમને ડર નથી લાગતો?તેણે સમજાવ્યું કે આપણે સમસ્યાઓથી ડરવું જોઈએ નહીં. જો તમે ડરતા હો, તો એક નાની સમસ્યા પણ મોટી લાગશે.

આ સાંભળીને ભાગીદાર સમજી ગયો હતો કે તેનો ડર વ્યર્થ છે. ત્યારબાદ તેણે પણ હિંમત બતાવી અને સમુદ્રી સફર પર જવા માટે તૈયાર થઈ ગયો.

બોધપાઠ
આ પ્રસંગથી આપણને એ શીખવા મળ્યું કે આપણે સમસ્યાઓથી ડરવું ન જોઈએ. જો અટકી જઈ શું તો તો આપણી અવરોધો કદી દૂર થશે નહીં. પરંતુ નાની સમસ્યા પણ મોટી થશે. જે લોકો સમસ્યાથી ડરી જાય છે, તેઓ ક્યારેય સફળતા મેળવી શકતા નથી. લક્ષ્ય સુધી પહોંચવા માટે પડકારોનો સામનો કરવો જરૂરી છે. નિડર થઈને સમસ્યાઓનો સામનો કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે.

આ પણ વાંચજો- એક વ્યક્તિ હંમેશાં અશાંત રહેતો હતો, તેણે ભગવાનને કહ્યું કે કોઇ એવી રીત જણાવો જેનાથી મારા જીવનમાં શાંતિ આવી જાય, ભગવાને 2 થેલા પ્રકટ કર્યાં અને તે વ્યક્તિને બંને થેલા આપીને કહ્યું કે એક થેલો પીઠ પર લટકાવવો અને બીજો થેલો આગળ લટકાવવો, જાણો પછી શું થયું..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો