બોળ ચોથ: વ્રત કથા અને વિધિ, આ દિવસે મહિલાઓ નથી જમતી સમારેલી અને ઘઉંના લોટની વસ્તુઓ

હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખુ મહત્વ હોય છે અને દરેક પર્વની પાછળ તેનો કઈંક હાર્દ છુપાયેલો હોય છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ મહિનાના દરેક તહેવારને ઉજવવા માટે ખાસ પ્રકારના રીતરિવાજને પણ અનુસરવામાં આવતાં હોય છે. આજે બોળ ચોથ છે. જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે.

આ વ્રતની સાથે-સાથે. સાંજે ચાર વાગ્યે વાછરડા સાથેની ઘઉંવણીઁ ગાયનું પૂજન કરી તેના દોષમાંથી મુકત થવાય એ પણ રિવાજ છે. રીત-રિવાજ મુજબ આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રધ્ધાથી ગાયનું પુજન કરે છે. ગાયનુ પુજન કરતાં પહેલાં ભુદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે પછી ગાયના શિંગ પર તેલ ચોપડી મસ્તક પર તિલક અને રૂમાંથી બનાવેલા નાગલા ચડાવી ગાયને બાજરી ખવડાવી પુછડે જલાભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરે છે. આમ, આ પ્રકારે બોળ ચોથની પુજા અને વ્રત કરવામાં આવે છે.

વ્રતકથા:-

શ્રાવણ માસ આવ્યો છે. અંધારી ચોથ આવી છે. તે દી તો ગામોટીને ઘેર એકરંગી ગા’ ને એકરંગી વાછડો પૂજાય.

ગામોટીની વહુ તો ઊઠીને ના’વા ગઈ છે. વહુ-દીકરીને કહેતી ગઈ છે : “આજ તો તમે ઘઉંલો ખાંડીને ઓરજો.”

સાસુ તો ઘઉંનું ગળ્યું ધાન રાંધવાનું કહી ગઈ છે, પણ વહુ-દીકરી તો વાત ઊંધી સમજ્યાં છે. ગામોટની ગા’ના વાછડાનું નામ ‘ઘઉંલો’ છે.

નણંદ ભોજાઈએ તો ભેળી થઈ, ઘઉંલા વાછડાને ઝાલી, કાપી, ખાંડીને હાંડલામાં ચડાવી દીધો છે. એને તો બાફી નાખ્યો છે.

ગામોટીની વહુ તો નાહીધોઈને ઘેરે આવી છે. દીકરીને એણે પૂછ્યું છે કે “કાં, ઘઉંલો બાફ્યો ?”

દીકરી કહે, “હા. પણ માડી, ઘઉંલો તો કાંઈ ભૂંડો ને ! ઝાલ્યો ઝલાય નહિ ! કાપ્યો કપાય નહિ ! અને એણે તો શું રાડ્યું પાડી છે ને ! ભાંભરડે ભાંભરડા નાખે ! માંડ માંડ કપાણો.”

થડક થઈને મા તો પૂછે છે કે “તે તમે ક્યો ઘઉંલો બાફ્યો ?”

“બીજો ક્યો વળી ? આપણો વાછડો.”

“અરર ! વાલામૂઇયું ! તમે તો કાળો કોપ કર્યો ! હવે આપણે મોઢું શું દેખાડશું ? આ સાંજ પડ્યે તો ગા’-વાછડો પૂજવા ગામની ગોરાણિયું આવશે ! ગા’ આવીને ભાંભરડા દેવા માંડશે ! આપણે એને જવાબ શો દેશું ?”

મા તો મુંઝાઈ ગઈ છે. ઘઉંલાવાળું હાંડલું લઈને ત્રણેય જણીઓ છાનીમાની ઉકરડામાં દાટી આવી છે. આવીને ખડકી વાસી દીધી છે. ત્રણેય જણીઓ સંતાઈને ઘરમાં બેસી ગઈ છે.

આજ તો આઢતી ગા’ પૂજાય છે, પણ આગળ ઉપર આવતી ગા’ પૂજાતી.

ગામોટીની ગા’ સીમમાં ચરતી’તી ત્યાં એને સત ચડ્યું છે. માથે પૂછડું લઈ કાન પહોળા કરતી, ભાંભરડા દેતી, નાખોરાના ફરકડા બોલાવતી ગા’ વાજોવાજ ગામમાં વહી આવે છે.

આવે છે ત્યાં તો સામો સાવઝ મળ્યો છે. આડો ઊભો રહીને સાવઝ કહે કે “તને ખાઈ જાઉં !”

ગા” તો બોલી છે કે “અરે ભાઈ, ગામની ત્રણસો ગોરાણિયું સવારની ભૂખી બેઠી છે. હું નહિ જાઉં તો એ ખાશે નહિ. એને ખવાડીને હું હમણાં પાછી આવું છું. પછી મને ખુશીથી ખાજે.”

સાવઝે તો ગા’ને જાવા દીધી છે. વગડાને ધણેણાવતી ગા’ તો દોડી આવે છે, ગામમાં આવીને એણે તો ઉકરડામાં શીંગડાં ભરાવ્યાં છે.

ભરાવે ત્યાં તો હાંડલું ફૂટ્યું છે ને સડાક દેતો વાછડો બેઠો થયો છે. પોતાની માને ચસ ! ચસ ! ધાવવા માંડ્યો છે, મા તો વાછરડાને ચાટવા મંડી છે.

અને વાછડાની ડોકમાં તો હાંડલીનો કાંઠો વળગી રહ્યો છે.

સાંજ પડી ત્યાં તો ગામ આખાની ગોરણીઓ હાથમાં પૂજાની થાળીઓ લઈ લઈને ગામોટીને ઘેર ગા’ પૂજવા હલકી છે.

આવીને જુએ તો ખડકી તો વાસેલી છે. ઘરમાં તો કોઈ કરતાં કોઈ સળવળતું નથી. સમી સાંજે જાણે સોપો પડી ગયો છે.

ગોરણીઓ તો ખડકીનું બાર ભભડાવે છે કે “ગોરાણી ! એ ગોરાણી ! ઉઘાડો, આ સૌ ગોરણિયું ગા’ પૂજવા આવી છે.”

પણ કોઈ બોલે કે કોઈ ચાલે! ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણી પારેવડી જેવી ફફડે છે. એનો તો ફડકે શ્વાસ જાય છે.

વાટ જોઈ જોઈને વળી પાછી ગોરણીઓ બોલે છે, “અરેરે ! આ ગા આવીને ઊભી છે. આ વાછડો ગા’ને ધાવી જાય છે. અને આ વાછડાની ડોકમાં આજ તો ફૂલના હાર હોય એને સાટે આ રાંડુંએ તો વાછડાને કાળા હાંડલાનો કાંઠો કાં પે’રાવ્યો છે ?”

ખડકી બહાર તો આવી આવી વાતો થાય છે. ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણીઓ કાનોકાન સાંભળે છે. સાંભળીને વિસ્મે થાય છે.

મા કહે, “દીકરી, છાનીમાની ખડકીની તરડમાંથી જોઈ આવ તો ખરી ! આ ગા’-વાછડાની શી વાતું થાય છે ?”

દીકરીએ તો તરડમાંથી ગા’ – વાછડાને જીવતાં દીઠાં છે. દોડતી દોડતી ઘરમાં ગઈ છે. માને કહે કે “માડી ! ગા’ ઊભી છે, ને ઘઉંલો ધાવે છે!”

“અરે માડી ! એ તો કો’ક બીજાનો વાછડો હશે. હવે ઘઉંલો કેવો !” એમ કહીને મા રોઈ પડે છે.

દીકરી માને પરાણે ખડકીએ લઈ જાય છે. જઈને જુએ ત્યાં તો સાચોસાચ ઘઉંલો સજીવન દીઠો છે.

ઝટ ખડકીનું કમાડ ઉઘાડ્યું છે. ગા’ વાછડો દોડીને ફળિયામાં આવ્યાં છે. સાસુ, વહુ ને દીકરીની આંખે તો હરખનાં આંસુડાં હાલ્યાં જાય છે.

ગોરણીઓએ તો બાઈને બધી વાત પૂછી છે, બાઈએ તો બધું કહી સંભળાવ્યું છે. સૌ ગોરણીઓને પગે લાગીને બાઈ તો બોલી છે : “બાઈયું બેન્યું ! તમારાં વ્રતને બળે મારો વાછડો બેઠો થયો છે. પગ તો પૂજું તમ ગોરણિયુંના !”

ગોરણીઓએ તો ગા’-વાછડાને ચાંદલા કર્યા છે. ફૂલના હાર પહેરાવ્યા છે. ગા’ના જમણા કાનમાં કહ્યું છે,

માતાજી ! સત તમારું ને વ્રત અમારું.

તે દીથી સૌ ગોરાણીએ ઠરાવ્યું છે કે આજથી બોળચોથને દા’ડે પાટિયામાં રાંધેલું, છરીનું સુધારેલું કે ખારણિયામાં ખાંડેલું કોઈ ખાશો મા ! ઘઉં ખાશો મા !

બોળચોથ મા એને ફળ્યાં એવાં સૌને ફળજો!

પૌરાણિક કથા મુજબ મંદિરે દર્શન કરવા જતી વખતે સાસુ વહુને ઘઉંલો ખાંડીને બનાવવાનો આદેશ આપી ગયા. ગાયના વાછરડાનું નામ ઘઉંલો હોય એથી વહુએ એને ખાંડીને એની રસોઈ બનાવી દે છે તેવી માન્યતાના આધારે એ સમયે થયેલી ભૂલ હવે કયારેય ન થાય એ માટે આ દિવસે શાકભાજી અથવા કોઈ પણ ચીજ સમારવી નહીં અને સમારવાની વસ્તુને હાથ પણ લગાડવો નહીં એ માન્યતા આજ સુધી ચાલી આવે છે. તે ઉપરાંત આજના દિવસે મહિલાઓ ઘઉંના લોટની બનાવેલી કોઈ વાનગી પણ જમતી નથી. પરિણામે મોટા ભાગની મહિલાઓ આજના દિવસે મગ અને બાજરીના રોટલા જમવાનુ પસંદ કરે છે. જ્યારે ઘણી મહિલાઓ તો માત્ર બાજરીના લોટની કુલેર ખાઈને પણ વ્રત કરતી હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો