રૂ.70000ની નોકરી છોડી સરપંચ બનેલા યુવાને ગામની સૂરત બદલી નાખી

ગામનો સરપંચ ઈચ્છે તો ધારે તે કરી શકે છે.આ ઉક્તિને વસો તાલુકાના લવાલ ગામના સરપંચે સાર્થક ઠેરવી છે.

કલકત્તામાં ૭૦૦૦૦ના પગારે નોકરી કરતા ગામના યુવાને નોકરીને ઠુકરાવી છે અને પોતાના વતનમાં પરત ફરી સરપંચની જવાબદારી સંભાળી છે.સરપંચ બન્યાને એક વર્ષ થયું છે.અનેક ઉતાર-ચઢાવ સાથેની આ એક વર્ષની સફરના અંતે ગામમાં ઘણું પરિવર્તન આવ્યું છે.આ બદલાવે ખોબા જેવડા લવાલ ગામને એક અનોખી ઓળખ આપી છે.

ખેડા જિલ્લાનો વસો તાલુકો અને તેનું લવાલ ગામ. જેનું નામ આખા ગુજરાતમાં ગુંજતુ થયુ છે.માત્ર એક વર્ષમાં એવું તે શું થયુ?કે માત્ર૧૫૦૦ની વસ્તી ધરાવતું આ ગામ આકર્ષણનું કેન્દ્ર બન્યું?  તેની પાછળ એક વર્ષ પહેલા બનેલા ગામના સરપંચ અને ગ્રામજનોની આગવી સુઝ-બુઝ અને ગામના વિકાસ માટેની નિસબત જબાવદાર છે.૩૧ વર્ષનાં મહિપતસિંહ ચૌહાણ એક વર્ષ અગાઉ કલકત્તા ખાતે  નોકરી કરતા હતા.બજાજ અલીયાન્સમાં તેમનો પગાર ૭૦૦૦૦ રૃા.મહિને હતો.

દરમહિને જ્યારે તેઓ ગામમાં આવતા ત્યારે ગામની સ્થિતિથી તેઓ ગુંગળાતા હતા.તેમણે નક્કી કર્યું કે જો ગામનો વિકાસ કરવો હશે તો સરપંચ બનવું પડશે.તમારે ગામનો વિકાસ કરવો હોય અને મારી પર વિશ્વાસ હોય તો મને મત આપજો તેવું કહી મહિપાલસિંહ ફરી કલકત્તા જતા રહ્યા.ચુંટણીનાં બે દિવસ પહેલા આવ્યા અને કોઈ પણ જાતના પ્રચાર વગર,મતદારોને લલચાવ્યા વગર તેઓ સરપંચ બન્યા.સરપંચ બન્યા એક વર્ષ જેટલો સમય થયો છે.આ એક વર્ષના ગાળામાં તેમણે નોંધપાત્ર વિકાસ કર્યો છે.

ગામના પ્રવેેશ દ્વાર ઉકરડા સમાન હતો.ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય હતું.ગટરો ઉભરાતી હતી.પરંતુ મહિપાલસિંહે ગામના યુવાનો અને ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરી ગામને ચોખ્ખુ ચણાક કરી દીધુ છે.એટલુ જ નહીં ઘણા બધા પ્રગતિશીલ નિર્ણયો પણ લીધા છે.જે  ગામને અલગ ઓળખ આપે છે.ગામના વિકાસ માટે સરપંચે કેટલાક લોકો સાથે દુશમની પણ વ્હોરી છે.

રસ્તો પહોળો કરવા અને કેટલાક દબાણો તોડવા પડયા.જે લોકોના દબાણ તુટયા એ બધા સરપંચને ગુસ્સાની નજરથી જુએ છે.કેટલાકે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ મુક્યા છે.સરપંચને આ બાબતે પુછતા તેમણે જણાવ્યુ હતું કે,બધાને ખુશ કરીને હું વિકાસ ના કરી શકુ.મારા માટે બધા સરખા છે.મારે મારા ગામને જિલ્લાનું નંબર ૧ ગામ બનાવવુ છે.અને એ હું આ પાંચ વર્ષમાં કરીને જ રહીશ.

સરપંચના આ મજબુત ઈરાદાથી અને ગ્રામજનોના તેમની ઉપરના વિશ્વાસથી લવાલ ગામ એક આદર્શ ગામ બનવા તરફ આગેકુચ કરી રહ્યુ છે.આ સાથે તે જિલ્લાનું એક માત્ર સ્માર્ટ વિલેજ પણ છે.જ્યાં દરેકને પોતાની વાત રજુ કરવાનો અધિકાર છે.એક વર્ષમાં લવાલની જે રીતે કાયાપલટ થઈ છે એ રીતે જોતા આવનારા પાંચ વર્ષમાં તે જિલ્લાનું નંબર ૧ ગામ બનશે જ તેવો આશાવાદ ગ્રામજનો સેવી રહ્યા છે.

૧ વર્ષમાં ચોરી જ ન થઈ: ૧૫૦૦ની વસતિ સામે ૧૬ સીસીટીવી કેમેરા

ગામમાં રહીશ અને શિક્ષક જયંતીભાઈ સોલંકીએ જણાવ્યુ હતું કે,નડિયાદ શહેરની વસ્તી આશરે ત્રણ લાખ જેટલી છે.તેની સામે નડિયાદ શહેરમાં ૧૫ જેટલા કેમેરા છે.એની સામે સાવ નાના ગણાતા લવાલ ગામની વસ્તી માત્ર ૧૫૦૦ છે તેની સામે સરપંચે પોતાના સ્વખર્ચે ૧૬ જેટલા કેમેરા નંખાવ્યા છે.સી.સી.ટી.વી કેમેરાની મદદથી એક વર્ષના સમયગાળામાં એક પણ ચોરી નથી થઈ.વૃક્ષો પણ જીવંત રહ્યા છે.જ્યારે આગલા વર્ષે આશરે ચાર થી ૫ાંચ ચોરીની ઘટનામાં બેથી અઢી લાખ રૃપિયાની ચોરી થઈ હતી.

ક્યારેય નહોતી એટલી બધી સગવડો ગામમાં ઉભી કરી

  • – આખુ ગામ સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ
  • – આખા ગામમાં એલ.ઈ.ડી ફ્લડ લાઈટ
  • – ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની વ્યવસ્થા
  • – આખા ગામમાં ભુગર્ભ ગટર વ્યવસ્થા
  • – આખા ગામમાં સ્ટ્રીટ સ્પીકરની ગોઠવણી
  • – ૨૦૦૦ જેટલા વૃક્ષો વાવ્યા,૧૪૦૦ જેટલા જીવંત, સી.સી.ટી.વી કેમેરાની નજરમાં
  • – કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો
  • – વર્ષમાં બે જાહેર ગ્રામસભા,દરેકને બોલવાનો અધિકાર
  • – ગામમાં જે ઘરે દિકરી જન્મે તેમને રૃા.૧૦૦૦નો પુરસ્કાર
  • – કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીને પહેલા વર્ષનું મફત શિક્ષણ
  • – સ્વચ્છ ફળીયાને ટ્રોફી એનાયત
  • – પંચવટી ગાર્ડન બનાવવાનું કામ પ્રગતીમાં

પરોઢે પ્રભાતિયાં સંભળાય પછી લોકોનાં કામ શરૃ થાય

ગામના રહીશ નિવૃત આચાર્ય ભગવાનભાઈ પટેલે જણાવ્યુ હતું કે,આ સ્પીકરની મદદથી અમે ઘરમાં બેઠા-બેઠા અથવા તો કામ કરતા કરતા યોજનાઓની માહિતી મેળવીએ છે.અને સવારના પાંચ વાગ્યે આખા ગામમાં વાગતા પ્રભાતીયા સાંભળી અમારા દિવસની શરુઆત થાય છે.અને હકારાત્મક ઉર્જા મળે છે.

દીકરી જન્મે તો રૃ.૧૦૦૦ અને કોલેજના પહેલા વર્ષની ફી મળે

ગામના યુવાન સરપંચ મહિપતસિંહ ચૌહાણે દિકરીઓને લઈને બે મહત્વની યોજનાની જાહેરાત ૨૬મી જાન્યુઆરીએ કરી હતી.જેમાં જે ઘરમાં દિકરીનો જન્મ થાય તે પરિવારને રૃા.૧૦૦૧નો રોકડ પુરુસ્કાર અને જે દિકરી કોલેજમાં એડમીશન  મેળવે તેને પહેલા વર્ષની ફી આપવી.આ પૈકી બે દિવસ અગાઉ ગામના એક પરીવારમાં દીકરીનો જન્મ થયો હતો.

ક્રિષ્ના નામની દીકરીના માતા-પિતા સચીન અને ફાલ્ગુની પ્રજાપતિ એ જણાવ્યુ હતું કે,અમારે ત્યા દિકરીને જન્મ થયો.સરપંચની આ લવાલ કી લક્ષ્મી યોજનાનો પહેલો લાભ અમને મળ્યો છે.જેનો મને આનંદ છે.બેટી બચાવો અને બેટી પઢાવોની ઉકિતને સાર્થક કરતી આ યોજના ગામની દીકરીઓને હીંમત અને ફુંફ આપનારી સાબીત થશે.અને આ યોજનાના કારણે ગામડાના લોકોની માનસીકતામાં પણ પરિવર્તન આવશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો