ગરીબ મહિલાએ લાખો ડોલર ભરેલી બેગ માલિકને પરત કરતા માલિકે 8 કરોડ 40 લાખ રૂપિયાનું ઇનામ આપ્યું

મોટી સંખ્યામાં રૂપિયા જોઈને ઘણા લોકોની નિયત બગડી જતી હોય છે. જમૈકાની રાજધાનીમાં કિંગસ્ટનમાં એક ગરીબ મહિલાની પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવ્યું છે. એકૈશા ગ્રીન નામની મહિલાને મંગળવારે એટીએમ મશીનની બહારથી 5000 અને 1000 ડોલરની નોટો ભરેલી બેગ મળી હતી. તેણે જિંદગીમાં ક્યારેય આટલા બધા ડોલર એકસાથે જોયા નહોતાં આથી તે એક સમય માટે તો ચોંકી ગઈ કે આ બેગનું શું કરવું!. આ બેગ મળી તે સમયે આજુબાજુ પણ કોઈ હાજર નહોતું.

પોલીસને બેગ સોંપી

એકૈશાએ ઘણી રાહ જોઈ પણ તે બેગ લેવા માટે કોઈ આવ્યું નહીં. તેને કોઈ અંદાજો નહોતો કે બેગમાં કુલ કેટલા ડોલર છે. એક વખત માટે તેને વિચાર આવી ગયો કે, હાલ મારી પાસે કોઈ જોબ નથી કે ના કોઈ આવક છે. આટલા ડોલરથી આરામથી મારી ગરીબી દૂર થઈ જશે. મારા બાળકોને પણ સારી રીતે ભણાવી શકીશ. તેમ છતાં એકૈશાએ મજબૂત મનોબળ રાખીને વિચાર્યું કે, આ બેગ મારી નથી. મારે ઈમાનદાર બનીને બેગ પોલીસને આપી દેવી જોઈએ.

ઈમાનદારીની કિંમત

ગરીબ મહિલાએ બેગ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધી, જ્યાંથી બેગ તેના માલિક સુધી પહોંચી ગઈ. તે બેગમાં કોર્પોરેટ કંપનીનું ધન હતું. કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર સહિત બીજા ઓફિસરો એકૈશાની ઈમાનદારી જોઈને તેને મળવા ગયા અને ઇનામમાં 12 લાખ ડોલર એટલે કે 8 કરોડ 40 લાખ રૂપિયા આપ્યાં હતાં.

કંપનીએ એકૈશાને કહ્યું કે, અમે તમારી પ્રામાણિકતા જોઈને ઘણા ખુશ થયા છીએ. ભવિષ્યમાં પણ તમારી મદદ કરીશું. તમારા બંને બાળકોને ભણાવવાની જવાબદારી આજથી અમારી છે. કોર્પોરેટ કંપનીની પાર્ટનર કંપની નેસ્લેએ મહિલાના બંને બાળકોને એક વર્ષ સુધી મફત દૂધ આપવાનું કહ્યું. આ જોઈને ગરીબ મહિલા એકૈશાની ખુશીનો પાર નહોતો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો