પાણીની ટાંકી અને પાઈપ લાઈન સાફ કરવાની સરળ રીત, આ પ્રોસેસથી ટાંકીમાં રહેલાં વાયરસ અને બેક્ટેરિયા પણ થઈ જશે ખતમ

ઘરમાં પાણીની પાઈપ લાઈન ચોક (પાણીના પ્રવાહનો માર્ગ અવરોધાવો) થઈ જવાથી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને પાણી હાર્ડ થવા પર આ પ્રોબ્લેમ દર મહિને થવા લાગે છે. તેના કારણે પાણીનું પ્રેશર પણ ઘટી જાય છે. જેથી પાઈપ લાઈન સાફ કરવા માટે પ્લમ્બરને બોલાવવો પડે છે. જેમાં પ્લમ્બરનો ચાર્જ અને સફાઈ માટે વપરાતી સામગ્રીની કિંમત મળીને તેનો ખર્ચ પણ વધી જાય છે. જો મહિનામાં બેવાર આ રીતે સફાઈ કરાવવી પડે તો આ ખર્ચો ડબલ થઈ જાય છે, જોકે તમે આ કામ પ્લમ્બરની મદદ વિના જ ઘરે પણ ઓછાં ખર્ચમાં સરળતાથી કરી શકો છો. તેના માટે તમારે 20થી 40 રૂપિયામાં હાઈડ્રોજન પેરોક્સાઈડ ખરીદવું પડશે. જેથી આજે અમે અહીં જણાવીશું, ઓછાં ખર્ચમાં ઘરની ટાંકી અને પાઈપ લાઈન સાફ કરવાની રીત.

પાઈપ લાઈન અને ટાંકીની સફાઈમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ

1. 3થી 4 ડોલ જેટલું પાણી

2. 50 ગ્રામ બ્લીચિંગ પાઉડર

3. 1 નાની બોટલ હાઈડ્રોજન પેરોક્સાઈડ (50% સ્ટ્રેંથવાળુ)

બ્લીચિંગ પાઉડર અને હાઈડ્રોજન પેરોક્સાઈડ કોઈપણ કેમિસ્ટની દુકાન પર સરળતાથી મળી જશે. તમે ઓનલાઈન પણ તેને ખરીદી શકો છો. આ બંને વસ્તુઓ 100 રૂપિયામાં આવી જશે.

બ્લીચિંગ પાઉડર અને હાઈડ્રોજન પેરોક્સાઈડથી પાણીની ટાંકી અને પાઈપ લાઈન થઈ જશે ક્લીન, નળનું પ્રેશર વધશે અને પ્લમ્બરનો ખર્ચ પણ બચશે

પાઈપલાઈન સાફ કરવાની પ્રોસેસ

-પાઈપ લાઈન અને ટાંકીને સાફ કરવા માટે સૌથી પહેલાં ટાંકીમાં માત્ર 3થી 4 ડોલ જેટલું પાણી રાખો. જો પાણી વધુ હોય તો તેને કાઢી લો.

-હવે પાણીમાં નાની બોટલ હાઈડ્રોજન પેરોક્સાઈડ અને 50 ગ્રામ બ્લીચિંગ પાઉડર નાખી દો.

-પછી કોઈ રૉડની મદદથી પાણીને બરાબર મિક્સ કરો.

-ત્યારબાદ ટાંકીના બધાં નળ ઓપન કરી દો અને પાણીને બહાર કાઢી દો. પછી નળ બંધ કરી દો.

-હવે ટાંકીમાં જે સોલ્યૂશન તૈયાર થયું હતું, તે બધાં નળ સુધી પહોંચી ગયું હશે, જેથી આખી રાત આ રીતે જ નળ બંધ રહેવા દો.

-હવે સવારે પાછાં બધાં નળ ઓપન કરી દો અને સોલ્યૂશનને બહાર નીકળવા દો. પછી ટાંકીમાં 200થી 300 લીટર સાફ પાણી ભરો અને ફરી તેને નળમાં બહાર વહેવા દો.

-આ પ્રોસેસ કરવાથી ટાંકી અને પાઈપ લાઈન બંનેની સફાઈ થઈ જશે. સાથે જ ટાંકી અને પાઈપમાં રહેલાં વાયરસ અને બેક્ટેરિયા પણ ખતમ થઈ જશે.

IIT રુરકીથી પીએચડી કરી ચૂકેલા જીવાજી યુનિવર્સિટી ગ્વાવિયરના પ્રોફેસર ડીડી અગ્રવાલ જણાવે છે કે બ્લીચિંગ પાઉડર અને હાઈડ્રોજન પેરોક્સાઈડની મદદથી પાણીની ટાંકીની સફાઈ થઈ શકે છે, સાથે જ તેમાં રહેલાં બેક્ટેરિયાને પણ ખતમ કરી શકાય છે. હાઈડ્રોજન પેરોક્સાઈડ લાઈટ આસમાની રંગનું લિક્વિડ હોય છે. આ કેમિકલ બેક્ટેરિયાના ખતમ કરીને પાણીમાં રહેલી ગંદકીને દૂર કરી દે છે. તેનો ઘરેલૂ સેનિટાઈઝર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

નોંધ- તમે જ્યારે પણ આ પ્રોસેસથી ટાંકી અને પાઈપ લાઈન સાફ કરો, ત્યારે બાળકોને ટાંકી અને આ સફાઈ કામથી દૂર રાખો. એ બાબતનું પણ ધ્યાન રાખો કે સોલ્યૂશનવાળું પાણી કોઈ યુઝ ન કરે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો