વ્યસન એક જાતની ગુલામી.

માણસ જન્મથી જ વ્યસની નથી હોતો. તે સમય, સંજોગોને આધીન વ્યસનનો આશરો લે છે. અપવાદરૂપે કોઈક કુટુંબોમાં મોટા મનુષ્યોને તમાકુ, બીડી, સિગારેટ, દારૂનું વ્યસન કરતાં જોઈ નાનાં બાળકોને નાનપણથી જ તેનો વારસો મળે છે. મા-બાપ અભણ, નિરક્ષર હોવાથી તેને પ્રેમ કરતો રોકી શકતાં નથી. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ નું સેવન વારંવાર કર્યા વિના ચાલે નહી એવું લાગે ત્યારે માણસ એ ચીજ વસ્તુનો વ્યસની થઈ ગયો છે એમ માનવું પડે.

ગુજરાતના યુવાનો આજે ગલ્લે માવો ઘસતા જોવા મળે છે. લાખો યુવાનોના મોઢા માવા ખાવાનાં કારણે બંધ થઇ ગયા છે. કેટલાય યુવાનોનાં કેન્સરનાં કારણે મૃત્યુ થયા છે અને એના બાળકો અને પત્ની નોધારા થયા છે. વ્યસન મુક્તિના ઘણા પ્રયાસો સરકાર તથા સંસ્થઓ કરી રહી છે. છતાં આજના ભણેલ ગણેલ અને હોશિયાર યુવાનો ની આખો ખુલતી નથી.

આપણે પશ્ચિમના દેશોનું આંધળું અનુકરણ કરીને રોજેરોજ વધારે ને વધારે વ્યસની બનતાં જઈએ છીએ. આપણા જીવનમાં સંઘર્ષ, દુઃખ, કલેશ આવે છે. તેનાથી દૂર જવા અને બચવા માણસ વ્યસનનો આશરો લે છે. વ્યસનના નશામાં ડૂબી જઈ ઘડીભર માણસ તેના દુ:ખને ભૂલી જવા મથે છે. કેટલાક લોકો બે ઘડી આનંદ લૂંટવા પણ વ્યસન કરે છે. વ્યસન વધારે દુઃખ આપનાર અને સુખ ઝૂંટવી લેનાર નશો છે. તેનાથી માણસ બરબાદ થાય છે. માણસ ક્યારેય પણ આબાદ થતો નથી, તેની પાછળ માણસ પૈસા વેડફે છે. તબિયત બગાડે છે, છેવટે મૃત્યુને વહેલું નોતરે છે. વ્યસન એ માણસ માટે કલંકરૂપ સાબિત થયું છે. આજકાલ નાનાં બાળકો પણ તમાકુ, પાન, માવા, ગુટખાના વ્યસની છે. ફકત મોટાં શહેરોમાં જ નહિ પરંતુ નાના ગામડાનાં બાળકો પણ વ્યસનનો શિકાર બનવા લાગ્યાં છે અને શરમની વાત એ છે કે સ્ત્રીઓ પણ હવે આ વ્યસનની શિકાર બનવા લાગી છે. આપણે જાણીએ છીએ કે વ્યસન એટલે કે ઈશ્વરે આપેલી તંદુરસ્તીને નાદુરસ્ત કરવાનો માર્ગ. “વ્યસન” એ માણસના જીવન માટે ઝેરી રસાયણ છે. જેનું પરિણામ ખુબ જ ખરાબ આવશે.

સમજી શકાય કે પશ્ચિમના દેશોમાં વ્યકિતના શરીરના અસ્તિત્વ માટે ઠંડા વાતાવરણથી બચવા માટે દારૂનું સેવન જરૂરી બને છે. પરંતુ તે દારૂ ભારત જેવા દેશમાં અતિશય નુકસાનકર્તા સાબિતિ થાય છે. આજનું આ યુવાધનરૂપી રાક્ષસના સંકજામાં ઝડપાઈ જઈ જુવાન ડોસલા બની રહ્યું છે. મનુષ્યો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું હોય, સારું જીવવું હોય તો આવા વ્યસનોથી દૂર રહેવું જ બહેતર છે. હવે તો સમાજમાં બેકારી પણ ઘણી વધી ગઈ છે. જેના કારણે બેકારો પણ વ્યસનો શિકાર થઈ જાય છે.

વ્યસન ઘણાં પ્રકારનાં હોય છે. સિગારેટ, દારૂનું , ઠંડાપીણા, માવાનું વ્યસન આવા તો અનેક પ્રકારના ધણાં બધાં વ્યસનો આપણને જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે પ્રભુએ આપણને આ અમુલ્ય માનવ અવતાર આપ્યો છે અને તેમાંય સુખ, સંપત્તિ આપી છે. માણસ સામાજિક સંબધોના રિતરિવાજોમાં ખોવાઈ ગયો છે. જેનાથી પર રહીને સુખમય જીવન, આનંદમય જીવન, આશામય જીવન, અમૃતમય જીવન, ઈશ્વરમય જીવન જીવવું હોય તો વ્યસનને ક્યારેય ઘર બતાવવું જોઈએ નહીં. વ્યસનને નિવારવા શિક્ષણ જરૂરી છે. કુદરતે બક્ષેલું આ જીવન ફકત જેમતેમ જીવવા માટે નથી. દરેક વ્યકિત તેને જીવે છે. પરંતુ જીવન કેવી રીતે જીવવું તે અગત્યનું છે. સારું જીવન જીવવા માટે નિર્વ્યસની બનવું જરૂરી છે.

વ્યસન કરવાથી ઘણા બધા રોગો થાય છે. જેમ કે ઉધરસ, તાવ, શરદી, લ્યુપસ ઈરીથોમેટ્સ, વાળ ખરી પડવા, મોમાં ચાંદાં પડે, મોતીઓ આવવો, ચામડી પર કરચલી પડવી, શ્રવણશક્તિ ઘટવી, ફેફસાના રોગો, દાંતનો સડો, ચામડીનું કેન્સર, હાડકાં પોલાં થઈ જવાં, હૃદયરોગ, હોજરીમાં ચાંદા પડવાં, સ્ત્રીઓમાં ગર્ભાશય અને ગર્ભાશયના મુખનું કેન્સર, શુક્રાણુઓની તરલીફ અને નપુંસકતા, લોહીની નળીઓનો રોગ વગેરે જેવા રોગો થાય છે. ભારતમાં દર વર્ષે અંદાજે ૧૮ કરોડથી પણ વધારે રૂપિયાની સિગારેટ પીવાય છે. તો તેની સામે થતી રોગોની બરાબાદી પાછળ પણ રોજ કરોડો રૂપિયા ખર્ચાય છે. ધૂમ્રપાનથી સમયનો અને નાણાંનો બગાડ થાય છે. ભારતમાં દર વર્ષે ૧૫ લાખ ટન તમાકુવાળી પાન તથા માવાની પિચકારી મરાય છે. કેન્સર અને ક્ષયના દર્દીઓમાંથી ૮૦ ટકા વ્યસની હોય છે. વ્યસનના કારણે દેશમાં દર વર્ષે લગભગ લાખો લોકો અકાળે મૃત્યુ પામે છે.

– રાકેશ નાકરાણી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો