કુવાડવા ગામના બસ સ્ટેન્ડમાં શીંગ-ચણા વેંચીને અભ્યાસ કરનાર આ યુવાન દેશની સર્વોચ્ચ સંસ્થા ભાભા એટમીક રિસર્ચ સેન્ટરમાં સાઇન્ટિસ્ટ તરીકે જોડાયો

રાજકોટની બાજુમાં કુવાડવા નામનું નાનું એવું ગામ છે. આમ તો આ કુવાડવા પેંડા માટે પ્રખ્યાત છે પરંતુ અહીના એક વિદ્યાર્થીએ કુવાડવાને દ્રઢ સંકલ્પ અને પ્રચંડ પુરુષાર્થ દ્વારા એક આગવી ઓળખ અપાવી છે.

કુવાડવાના સામાન્ય પરિવારમાં જન્મેલો વિવેક પોપટ અસામાન્ય સપનાઓ જોતો. શાળાની ફીનો વધારાનો બોજ પરિવાર પર ન પડે એટલે વિવેક સરકારી શાળામાં જ અભ્યાસ કરતો. કુવાડવા ગ્રામ પંચાયત સંચાલિત સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ચુકેલો આ છોકરો શાળા સિવાયના સમયે પરિવારને મદદ કરવા માટે કુવાડવાના બસ સ્ટેન્ડમાં શીંગ-દાળિયા વેંચવાનું કામ કરતો. બોલવામાં પણ થોડી જીભ થોથવાય અને બાહ્ય દેખાવ પણ સાવ સામાન્ય. કોઈ એને જુવે તો એવું લાગે કે આ છોકરો આમ જ શીંગ-ચણા વેંચીને જીવન પૂરું કરશે કે શું ?

વિવેક ભલે ખાનગી શાળામાં અભ્યાસ નહોતો કરતો પણ ભણવામાં ખૂબ તેજસ્વી. એનો બાહ્ય દેખાવ સામાન્ય પણ અક્ષર મોતીના દાણા જેવા થાય. શાળાના શિક્ષકો પણ આ છોકરાને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે. ઘણીવખત તો વિવેકના લખેલા પેપર જાહેરમાં નોટિસબોર્ડ પર મુકવામાં આવતા જેથી બીજા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે.

વિવેક પરિસ્થિતિ સામે હાર સ્વીકારીને પોતાની પ્રતિભાને ભોંમાં ભંડારી દે એવો વિદ્યાર્થી નહોતો. સંઘર્ષ સાથે સફળતાનાં પંથે આગળ વધવાનો દ્રઢ નિશ્વય કરનારો જુદી માટીનો માણસ હતો. આઈઆઈટીમાંથી એન્જિનિયરીંગ કરવાનું સપનું મોટા શહેરના કે સુખી-સંપન્ન પરિવારના છોકરાઓ પણ નથી કરી શકતા પણ વિવેક પોપટે આઇઆઇટીમાંથી એમ.ટેક. કરવાનું સપનુ પૂર્ણ કર્યું અને એ પણ આઇઆઇટીના ટોપર તરીકે.

વિવેકને વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઊંડો રસ હોવાથી દેશની સર્વોચ્ચ સંસ્થા ભાભા એટમીક રિસર્ચ સેન્ટરમાં સાઇન્ટિસ્ટ તરીકે જોડાવા કમર કસી અને પોતાની આગવી પ્રતિભા તથા વિષય નિપુણતાને લીધે વિવેક ભારત સરકારની આ સંસ્થામાં પસંદગી પામ્યા.

કુવાડવા ગામના બસ સ્ટેન્ડમાં શીંગ-ચણા વેંચનારા અને સરકારી શાળામાં અભ્યાસ કરનારા વિવેક પોપટે નસીબને કોસવાને બદલે કે પરિસ્થિતિનો વાંક કાઢવાને બદલે યોગ્ય દિશાની મહેનત દ્વારા પરિસ્થિતિને જ બદલી નાંખી અને કેટલાય યુવાનો માટે પ્રેરણારૂપ બન્યો.

જેને કંઇક કરવું જ હોય એને રસ્તો જડી જ રહે છે અને જેને કંઈ નથી કરવું એને બહાના જડી રહે છે

શૈલેષભાઈ સગપરિયા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો