કેવી રીતે બન્યું વર્ણીન્દ્ર ધામ, માત્ર 16 મહિનામાં બની આ સુંદર જગ્યા

અમદાવાદથી માત્ર 90 કિલોમીટરના અંતરે નાના રણની નજીક પાટડીમાં એક અદ્ધભૂત મંદિર બનીને તૈયાર થયું છે જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે. આ જગ્યા છે વર્ણીન્દ્રધામ.. મીની પોઇચા તરીકે ઓળખાતું આ નીલકંઠ ધામ 15 એકરમાં ફેલાયેલું છે અને માત્ર 16 મહિનામાં બનીને તૈયાર થયું છે.

કેવી રીતે બન્યું વર્ણીન્દ્ર ધામ

મીની પોઇચા તરીકે ઓળખાતું આ વર્ણીન્દ્ર ધામ ચાલુ વર્ષે એટલે કે 2017માં ધનતેરસે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાયું હતું. અમદાવાદથી લગભગ 95 અને સુરેન્દ્રનગરથી 60 કિમીના અંતરે આવેલા આ વર્ણીન્દ્ર ધામ 20 સંતો અને 450 જેટલા કારિગરોની સખત મહેનતથી બનીને તૈયાર થયું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલું ભવ્ય મંદિર બનાવવામાં કોઇ એન્જિનિયર કે આર્કિટેક્ટની સેવા લેવામાં નથી આવી. પરંતુ માત્ર 10 ધોરણ ભણેલા સૂરત ગુરૂકૂળના ધર્મવલ્લભદાસ સ્વામીએ એક કાગળ પર પેનથી ડિઝાઇન કરી અને તેના આધારે આખુ મંદિર બનાવવામાં આવ્યું.

આવુ છે વર્ણીન્દ્ર ધામ

વર્ણીન્દ્ર ધામના મુખ્ય ખંડમાં સ્વામીનારાયણ ભગવાન બિરાજમાન છે. મુખ્ય મંદિરની બાજુમાં રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ, સીતારામ, નરનારાયણ દેવની મૂર્તિ છે. મુખ્ય મંદિરના ફરતે 80 લાખ લીટરનું નીલકંઠ સરોવર છે જેના ફરતે હિન્દુ ધર્મના કહેવાતા 24 અવતારોના કળશ મંદિરો છે. આ 24 અવતારોની આગળ એક-એક શાલીગ્રામ ભગવાન બિરાજમાન છે. જે-તે અવતારના ભક્તો આ શાલીગ્રામ ભગવાનને અભિષેક કરતા હોય અને આ અભિષેકનું પાણી સરોવરમા આવે છે. સરોવર ઓવરફ્લો થાય એટલે 108 ગૌમુખ ધારા રૂપે આ પાણી મંદિરની ફરતે પડે છે. જેમાં સ્નાન કરતાં કરતાં પ્રદક્ષિણા કરવાની હોય છે.

મંદિરની જમણી તરફ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનું મંદિર છે. જેમાં ભગવાન પારણામાં ઝુલે છે. ડાબી તરફ હનુમાનજીનું મંદિર છે. આ ઉપરાંત, વર્ણીન્દ્ર ધામમાં 3 ખંડોમાં વહેંચાયેલુ પ્રદર્શન છે. મંદિરની નીચે ટનલમાં 24 અવતારોનું પ્રદર્શ છે. જેમાં એક્વેરિયમ છે. મુખ્ય મંદિર એટલે કે કમળ મંદિરની નીચે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતાં પ્રસંગોની મૂર્તિઓ અને મૂવીંગ શો છે. ત્રીજા ખંડમાં પ્રદર્શનોમાં લાઇટ અને સાઉન્ડ શો આવેલા છે. ઉપરાંત, સાયન્સના પ્રયોગોનું પ્રદર્શન છે.  3.50 લાખ લાઇટથી બનેલો એલઇડી શો છે.  પિતા કા બલિદાન મૂવી છે મંદિરના પાછળ એન્જલ પાર્ક છે, જયાં રાઇડ્સ, સ્વિમિંગ પુલ, નૌકા વિહાર છે.

વર્ણીન્દ્ર ધામમાં દરરોજ સવારે 5.30થી 6.30 એક કલાક 108 લીટર ગાયના દૂધ, 108 ઔષધીઓ, વિવિધ પ્રકારના ફળોના રસ, જુદા જુદા તિર્થભૂમીમાંથી લાવવામાં આવેલી માટીથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. દરરોજ થાળમા 108 જેટલી વાનગીઓ હોય છે. દરરોજ સાંજે 6 વાગે ઘોડા, ગાય વગેરે સાથે ભગવવાની નગરયાત્રા નીકળે છે. જેમાં ભગવાન રથ પર બિરાજમાન હોય છે. સાંજે મહાનિરાજન આરતી થાય છે. મંદિરની પ્રતિષ્ઠા થઇ ત્યારથી અહીં અખંડધૂન ચાલી રહી છે.

રાજકોટ ગુરૂકૂળ વિશે

વર્ણીન્દ્ર ધામ શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળ રાજકોટ દ્ધારા સંચાલિત છે. 1948માં રાજકોટ ગુરૂકૂળની સ્થાપના માત્ર 7 વિદ્યાર્થીઓ અને એક ભાડાના મકાનથી થઇ. આજે આ ગુરૂકૂળની દેશ-વિદેશમાં કુલ 36 શાખાઓ છે. જેમાં ગુજરાતમાં 16, અન્ય રાજ્યોમાં 10, વિદેશમાં 9 શાખાઓ છે. કુલ 23,000 વિદ્યાર્થીઓ આ ગુરૂકૂળમાં હિન્દુ સંસ્કૃતિ અનુસાર શિક્ષણ મેળવી રહ્યા છે. સુરત ગુરૂકૂળમાં કુલ 7500 વિદ્યાર્થીઓ અને 275 સંતો છે. અને મુખ્ય ગુરૂ પદે દેવકૃષ્ણદાસજી સ્વામી બિરાજમાન છે. વર્ણીન્દ્ર ધામ અગાઉ સૂરત ગુરૂકૂળના ધર્મવલ્લભદાસ સ્વામીએ નર્મદા કાંઠે પોઇચા નીલકંઠ ધામ બનાવ્યું હતું. જેની આજ સુધીમાં 2.25 કરોડ જેટલા લોકોએ મુલાકાત લીધી છે

કોણ છે ધર્મવલ્લભદાસ સ્વામી

સૂરત ગુરૂકૂળના ધર્મવલ્લભદાસ સ્વામીને આ મંદિર બનાવવાનો વિચાર આવ્યો. પોઇચામાં નર્મદા કિનારે મંદિર બાંધ્યુ હોવાથી રણમાં આવેલા વ્યક્તિને ભગવાનના દર્શનનો લાભ મળે તે હેતુથી પાટડી નજીક આ મંદિર બનાવ્યું છે. આ મંદિર ગોલ્ડન, લોટસ અને વોટર ટેમ્પલનો સુભગ સમન્વય છે. ધર્મવલ્લભદાસ સ્વામી સૂરત ગુરૂકૂળમાં છેલ્લા 25 વર્ષથી રહે છે. તેઓ 61 વર્ષના છે અને 20 વર્ષની ઉંમરે જ તેઓએ દિક્ષા લઇને સ્વામીનારાયણ ધર્મ અપનાવ્યો હતો. તેઓ છેલ્લા 12 વર્ષથી એક ટાણું કરે છે. મંદિરમાં હોય ત્યારે સવારે 3.30 કલાકે ઉઠે છે અને ભગવાનની પૂજા કરે છે. પોઇચાનું મંદિર પણ તેમના માર્ગદર્શનથી જ બન્યું છે.

વર્ણીન્દ્ર ધામમાં દરરોજ ભગવાનના થાળમા 108 જેટલી વાનગીઓ હોય છે.

વર્ણીન્દ્ર ધામની ડ્રોનથી લેવામાં આવેલી તસવીર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો