UPSC/ GPSCની તૈયારી કરનાર આનું ધ્યાન રાખો

ગુજરાતના વિદ્યાર્થીઓમાં GPSC અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની બાબતમાં ખૂબ જાગૃતિ આવી છે. ગુજરાત સરકાર દ્વારા પણ મોટા પાયા પર ભરતીઓ થઇ રહી છે એટલે ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓની તૈયારી કરવા તત્પર છે. વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી મુશ્કેલી એ છે તૈયારી કેમ કરવી એની કોઈ યોગ્ય દિશા નથી. વિદ્યાર્થીઓની આ અજ્ઞાનતાનો લાભ લઈને આવી પરીક્ષાઓની તૈયારી કરાવતા કલાસીસ બિલાડીનાં ટોપની જેમ ફૂટી નીકળ્યા છે.

કેટલાક કલાસીસ ખૂબ સારા છે અને ખૂબ સારું રિઝલ્ટ પણ આપે છે. કલાસ જોઈન કરવા સારી વાત છે પણ તમે ઈચ્છો તો ઘરે બેસીને પણ આવી પરિક્ષાની તૈયારી કરી શકો છો આ માટે શું વાંચવું જોઈએ એની કેટલીક મારા અનુભવો આધારિત ટીપસ આપની સાથે શેર કરું છું. આ વાત આપના મિત્રો સાથે પણ શેર કરજો તમારો એક નાનો પ્રયાસ કોઈ વ્યક્તિની જિંદગી બનાવી દેશે.

1. ધો.5 થી ધો.10 સુધીનું સમાજવિદ્યા વાંચવું જેનાથી ઇતિહાસ, ભૂગોળ, બંધારણ અને અર્થશાસ્ત્રનું પાયાનું જ્ઞાન મળી જશે.

2. ધો.11 અને ધો.12નું ઇતિહાસ અને ભૂગોળ વાંચવું જેથી આ બંને વિષયનું વધુ જ્ઞાન મળશે.

3. Youtube ચેનલ પર ‘ભારત એક ખોજ’ સિરિયલ જોવી. વર્ષો પહેલા દૂરદર્શન પર આવેલી આ સિરિયલ ભારતનો ઇતિહાસ, ભૂગોળ, ખેતી, ઉદ્યોગો, કલા, સાહિત્ય, સંસ્કૃતિ આ બધું સમજવામાં મદદ કરશે.

4. www.unacadamy.in સાઈટ પર IAS માંથી રાજીનામુ આપીને વિદ્યાર્થીઓની સેવા કરતા રોમન સાઈની નામના યુવકે ઢગલાબંધ સારામાં સારા વીડિયો લેક્ચર મુક્યા
છે. આ વીડિયો લેક્ચર તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ખૂબ ઉપયોગી થશે.

5. ભારતના બંધારણની સમજૂતી આપતું કોઈ એક સારું પુસ્તક વાંચીને બંધારણને પણ સમજવું કારણકે પરિક્ષામાં અને ઇન્ટરવ્યૂમાં બંધારણને લગતા ખુબ પ્રશ્નો પુછાય છે.

6. બંધારણની સરળ સમજૂતી માટે youtube પર ‘સંવિધાન’ નામની સિરિયલ જોવી. રાજ્યસભા ચેનલ પર આવેલી 12 એપિસોડની આ સિરિયલમાં બંધારણની મહત્વની બાબતોની સરળ સમજૂતી આપી છે.

7. Youtube પર અનુજ ગર્ગ અને મૃણાલ પટેલના લેક્ચર પણ ખૂબ સારા છે. સરળ ભાષામાં તમને અઘરા વિષયો સમજાઈ જશે.

8. Youtube પર ‘પ્રધાનમંત્રી’ સિરિયલના 25 એપિસોડ પણ જોવા જેવા છે. ભારતની આઝાદી વખતેના પ્રશ્નો અને ત્યાર પછી જુદા જુદા વડાપ્રધાનોના કાર્યકાળ દરમ્યાન લેવાયેલા મહત્વના નિર્ણયોની અદભૂત રજૂઆત કરી છે.

9. ગુજરાતી વ્યાકરણ માટે ધો. 8 થી ધો.10 સુધીનું અને ત્યાર પછી સમયની અનુકૂળતા મુજબ ધો.11 અને 12નું ગુજરાતી વ્યાકરણ અને લેખન તૈયાર કરવું. જરૂર પડે તો આ માટે ગુજરાતી વિષયના નિષ્ણાંત શિક્ષકનું પર્સનલ ટ્યુશન રાખી શકાય.

10. અંગ્રેજી ગ્રામર માટે ધો. 8 થી ધો.10 સુધીનું અને ત્યાર પછી સમયની અનુકૂળતા મુજબ ધો.11 અને 12નું અંગ્રેજી ગ્રામર અને લેખન તૈયાર કરવું. જરૂર પડે તો આ માટે અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકનું પર્સનલ ટ્યુશન રાખી શકાય.

12. ગુજરાત સરકારે તૈયાર કરેલ ‘ગુજરાત ક્વિઝ’માં આપેલી માહિતી પણ ઉપયોગી થાય એવી છે એના પર પણ નજર નાખી લેવી. આ ક્વિઝની pdf તમને ગૂગલમાં સર્ચ કરવાથી મળી જશે.

13. રોજેરોજના સમાચારપત્રો વાંચવા. ખાસ કરીને રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સમાચારો પર વિશેષ ભાર મુકવો.

14. જુદા જુદા સમાચારપત્રોની રવિવાર અને બુધવારની પૂર્તિ પર નજર નાખવી. સારા લેખો વાંચવા અને મોબાઈલમાં ફોટો પાડીને એ લેખને સાચવવા.

15. જે વાંચો, સાંભળો, જુવો એની એક નોટબુક તૈયાર કરવી અને આ નોટબુકમાં મહત્વના મુદ્દાઓની નોંધ કરવી જેથી રિવિઝન વખતે બધું ફરીથી વાંચવું ના પડે.

16. રોજે રોજ ટીવી પર ન્યુઝ ચેનલ પર રાત્રે આવતી ડિબેટ જોવાની ટેવ પાડો જેથી એક જ ઘટનાને તમે જુદા જુદા એંગલથી જોતા થશો જે તમારા લખાણને વધુ અસરકારક બનાવશે.

17. ધો.5 થી ધો.10 સુધીનું વિજ્ઞાન પણ ખાસ વાંચવું અને પાયાનું ગણિત પણ શીખવું.

18. માત્ર વાંચવાનાં બદલે અમુક સમયે લખવાની પણ પ્રેક્ટિસ કરવી. પરિક્ષાઓના જુના પેપર મેળવી એને સોલ્વ કરવા.

19. સરકારની વિવિધ લોકકલ્યાણની યોજના વિશેની જાણકારી પણ મેળવીને વાંચવી. દરેક જિલ્લામાં સરકારના માહિતી ખાતાની ઓફિસ હોય છે તમને આ ઓફિસમાંથી સરકારની યોજનાઓ વિશેના ચોપાનિયા કે પુસ્તિકાઓ મળી જશે.

20.ડિસેમ્બર મહિનાના અંતે દરેક છાપામાં આખા વર્ષ દરમ્યાન બનેલી મહત્વની ઘટનાઓ વિશેની માહિતી બહુ ટૂંકમાં આપી હોય છે. આવી માહિતી તમને પરિક્ષામાં ખૂબ ઉપયોગી થશે.

આ 20 મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો આપને ચોક્કસ ફાયદો થશે. આ તૈયારી આપ આપના ગામમાં ઘરે રહીને પણ કરી શકો અને સફળતા મેળવી શકો.

શૈલેશ સગપરીયા લેખક છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંદર્ભે માર્ગદર્શન પણ આપે છે. વર્તમાન વિષયો સંદર્ભે રસપ્રદ રીતે લખે છે.

વધુમાં વધુ મિત્રો સુધી પોસ્ટ Share કરવા વિનંતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો