લાખોમાં પગાર હોવા છતાં સાદગીથી જીવી વતનનું ઋણ અદા કરતા અમૃતભાઈ પટેલ: ગામ લોકોએ અમૃત પટેલને અભ્યાસમાં મદદ કરતાં રેલવેના પાઈલોટ બન્યાં, હવે ગામના તેજસ્વી વિદ્યાર્થીઓને મદદ કરી સાદગીથી જીવે છે

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉભરાના અમૃત પટેલનો રેલવેમાં પોણા બે લાખ પગાર છે. રેલવેમાં પાઈલોટ તરીકે સેવારત આ કર્મચારીને તેમના ભણવા માટે મદદ કરી હતી અને તેઓ નોકરીએ લાગ્યા ત્યારથી પોતાના પગારનો મોટાભાગનો હિસ્સો ગામના તેજસ્વી વિદ્યાર્થીઓ પાછળ ખર્ચીને સાદગીપૂર્ણ જીવન જીવે છે. સોશિયલ મીડિયામાં આ પોસ્ટ હાલ ખૂબ વાયરલ થઈ છે. આ પોસ્ટ જાણીતા મોટિવેશનલ સ્પીકર અને સરકારી અધિકારી એવા શૈલેષ સગપરિયાએ કરી છે. જેમાં તેમણે સાદગીની મિશાલ એવા અમૃત પટેલની વાત કરી છે તે સરકારી નોકરી કરી લાખોનો પગાર મેળવે છે. છતાં કોઈપણ પ્રકારના દેખાડા કર્યા વગર પોતાના ગામના તેજસ્વી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે પોતાના પગારનો મોટો હિસ્સો ખર્ચી નાંખે છે.

અમૃતભાઈએ જણાવ્યું હતું કે, મારા પિતા હીરાભાઈ નાના ઉભરાથી માઈગ્રેટથી હીરાપુરા ગયા ત્યાંથી માઈગ્રેટ થઈને ઝાલાસર ગયા હતા. તે સમયે 1983માં મારા પિતાનો માસિક પગાર રૂ. 175 હતો. મારો વિદ્યાનગરનો ખર્ચ માસિક 600 હતો. મારા પિતાની સ્થિતિ નબળી હતી, ત્યારે મારા આજુબાજુના ભણતા હતા અને સર્વિસ કરતા હતા તેમણે ફંડફાળો એકઠો કરી મને ભણવામાં મદદરૂપ બન્યા હતા. એમના કારણે આ સ્થાને પહોંચી શક્યો છું. સમાજ ગરીબ વ્યક્તિને મદદ કરે તો મારી જેમ ઘણાબધા લોકો આગળ આવી શકે અને સમાજને મદદરૂપ બની શકે છે.સમાજ પાસે ઋણ લીધું હોય તો સમાજને અદા કરવું જોઈએ.

પોણા બે લાખનો પગારદારી સાયકલ પર ઓફિસ જાય છે

સાયકલ લઈને નોકરીએ જવા માટે નીકળેલા આ ભાઈ કારખાનામાં નોકરી કરતા કોઈ સામાન્ય કર્મચારી નથી પરંતુ મહિનાના 1,75,000 (પોણા બે લાખ) જેટલો પગાર મેળવતા ભારત સરકારના કર્મચારી છે. આટલો ઊંચો પગાર છતાં આટલી સાદગી કેમ?

અમૃતભાઈ પટેલ માંડલ તાલુકાના નાના ઉભરા ગામના વતની છે. એમના પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અમૃતભાઈ ભણવામાં હોશિયાર હતા. આગળના અભ્યાસ માટે વલ્લભ વિદ્યાનગર જવું હતું પણ મોટી મૂંઝવણ એ હતી કે રહેવા-જમવા અને ભણવાના ખર્ચની વ્યવસ્થા કેમ કરવી ? પિતાની મજૂરીની આવકમાંથી ખર્ચો નીકળી શકે તેમ ન હતો. આવા સમયે ગામના લોકો અમૃતભાઈની મદદે આવ્યા. ગામના અમુક લોકોએ સાથે મળીને એના અભ્યાસનો ખર્ચ ઉપાડી લીધો.

બસ તે જ દિવસથી અમૃતભાઈએ સંકલ્પ કર્યો કે, હું લોકોની મદદથી આગળ અભ્યાસ કરવાનું મારું સપનું પૂરું કરી શક્યો તો હવે જ્યારે હું કમાતો થાવ ત્યારે મારે આગળ અભ્યાસ કરવાના અન્ય વિદ્યાર્થીઓના સપનાઓ પુરા કરવા છે. અમૃતભાઈને 1987માં પશ્ચિમ રેલવેમાં નોકરી મળી. આજે તેઓ રેલવેમાં પાઇલોટ છે. છેલ્લા 33 વર્ષથી પોતાના પગારની મોટાભાગની આવક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપી દે છે. વધુ વિદ્યાર્થીઓને મદદ કરી શકાય એટલે પોતાના અંગત ખર્ચાઓ પર કાપ મૂકીને તેમજ સાદગીપૂર્ણ જીવન જીવીને બીજા માટે બચત કરે છે. પોણા બે લાખનો માસિક પગાર હોવા છતાં ઘરથી 8 કિમી દૂર ઓફિસ જવા-આવવા માટે કાયમ સાયકલનો ઉપયોગ કરે છે. પોસાય એમ હોવા છતાં પણ ફોર વ્હીલર લીધી નથી જેથી બચેલી રકમનો ઉપયોગ વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કરી શકાય.

નિકોલ ખાતે રહેતા અમૃતભાઈ પટેલના ધર્મપત્ની તરુલતાબેન પણ પતિના આ સેવાકીય કાર્યમાં પૂરતો સહયોગ આપે છે. ઘરખર્ચ માટે પતિના પગારનો ઓછો ઉપયોગ કરવો પડે એટલે તરુલતાબેન સિલાઈ કામ કરીને થોડી કમાણી કરે જેથી પગારની આવક બચાવી શકાય. પરમાત્મા પણ આવા પરમાર્થી માણસોના પડખે ઉભા રહેતા હોય છે. અમૃતભાઈ અને તરૂલતાબેનના બંને સંતાનો પણ ડાહ્યા અને હોંશિયાર છે. દીકરી એમએસસી એગ્રીનો અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ છે તો દીકરો અત્યારે આયુર્વેદ ડોક્ટરનો અભ્યાસ કરી રહ્યો છે.

અમદાવાદમાં રહેતા અમૃતભાઈએ અત્યાર સુધીમાં નાત-જાત જોયા વગર અનેક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની મદદ કરી છે. એમની મદદથી કોઈ ડોક્ટર થયા છે તો કોઈ એન્જિનિયર થયા છે. કોઈને લેપટોપ લઈ આપ્યા છે તો કોઈની ભણવાની ફી ભરી આપી છે. કોઈને ભણવા માટે દેશની બહાર પણ મોકલ્યા છે તો વળી કોઈને પોતાના ઘરે રાખીને પણ ભણાવ્યા છે. પોતાના માટે ઓછું અને બીજાના માટે વધુ જીવતા આ મુઠ્ઠી ઉંચેરા માણસને વંદન.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો