ભોજનનો વેડફાટ રોકવા કરી અનોખી પહેલ, ‘એઠું ના છોડશો’ લખેલી 10 હજાર થાળીઓ બનાવડાવી

જોધપુર: યુએનના અહેવાલ અનુસાર ભારતમાં દર વર્ષે 40 ટકા ખાણી-પીણીની વસ્તુઓ વેડફાય છે સાથે આપણે ત્યાં વર્ષભરમાં 88 હજાર કરોડ રૂ.થી વધુનું ભોજન નષ્ટ થઈ જાય છે. જોકે રોજ લાખો લોકો સામે ભૂખ્યાં ઊંઘવાની નોબત છે. એવામાં જોધપુર શહેરમાં ચાર મોટી પહેલ કરાઈ છે. “એઠું ના છોડશો” શહેરમાં પ્રજા માટે અભિયાન બની ગયું છે. સૌથી મોટી પહેલ સમાજો અને કેટરરોએ ખાસ પ્રકારની થાળીઓ બનાવડાવીને કરી છે. આ થાળીઓ પર મોટા અક્ષરોમાં લેઝર પ્રિન્ટથી લખ્યું છે કે કૃપા કરીને એઠું ના મૂકશો. અભિયાન એટલી ઝડપે ફેલાયું કે એક મહિનામાં 2 ટન સ્ટીલમાંથી આવી 10 હજાર થાળીઓ બનાવાઈ છે.

થાળીઓ પર લખેલા આગ્રહની મનોવૈજ્ઞાનિક અસર થાય છે

પહેલીવાર સમદડી વિસ્તારના શ્રી કુંથુનાથ જૈન મંદિરના જયંતીલાલ પારેખે આવી 1000 થાળીઓ બનાવડાવી હતી. તેની પ્રેરણા તેમને મહારાષ્ટ્રમાં આવી થાળીઓ જોઈને મળી. પારેખ કહે છે કે થાળીઓ પર લખેલા આગ્રહની મનોવૈજ્ઞાનિક અસર થાય છે. લોકો સમજી વિચારીને પ્લેટમાં ભોજન લે છે. રાજસ્થાન સ્ટેનલેસ સ્ટીલ યૂટેન્સિયલ એસોસિએશનના સચિવ રાજેશ જીરાવલા કહે છે કે અહીં સ્ટીલ ઉદ્યમીઓએ જૈન ભોજનાલયની થાળીને સોશિયલ મીડિયા પર મૂકી હતી. તેના પછી સતત ઓર્ડર આવવા લાગ્યા. એક મહિનામાં વધુ 10 હજાર થાળીઓ બનશે. એક ડઝન મોટા કેટરરોએ ઓર્ડર આપ્યા છે. જ્યારે સુમેરપુર અને અન્ય શહેરોથી પણ આવી થાળીઓના ઓર્ડર આવ્યા છે.

જૈન, માહેશ્વરી, ઘાંચી સમાજે કરી અનોખી પહેલ

એઠું ખાઇને એઠવાડમાં ઘટાડો કરવાનો પ્રયોગ

જોધપુરમાં જાન્યુઆરીમાં માહેશ્વરી ગ્લોબલ કન્વેન્શન એન્ડ એક્સ્પોમાં અનોખી પહેલ થઈ હતી. એક લાખ લોકોના ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. ભોજનનો વેડફાટ રોકવા એક વિશેષ ટીમ હતી જે એઠું ના મૂકવા અપીલ કરી રહી હતી. ટીમના સભ્ય ઓમપ્રકાશ લોહિયા કહે છે કે અપીલ ન માનનારા લોકોની પ્લેટોમાંથી વધેલું ભોજન કાર્યકરોએ ખાધુ હતું જેથી તેમને પોતાની ભૂલનો અહેસાસ થાય.

ઘાંચી સમાજે 50-50 મહિલા પુરુષોની ટીમ બનાવી

ગત 16 જૂને ઘાંચી સમાજના 885માં સ્થાપના દિવસે મહાપ્રસાદીનું આયોજન હતું. લગભગ 12 હજાર લોકોના ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. અહીં પણ ભોજનનો વેડફાટ રોકવા વ્યવસ્થા હતી. કાર્યક્રમના સંયોજક કિશનલાલ બોરાણાએ જણાવ્યું કે કોઈ એઠું ના મૂકે એટલા માટે 50 મહિલાઓ અને 50 પુરુષોની ટીમ બનાવી. ટીમે એક એક વ્યક્તિને આગ્રહ કર્યો.

એઠું છોડનારાના નામની સ્ટેજ પરથી જાહેરાત કરાઈ

શહેરમાં ટીચર રાહુલ રાઠી અને વિનિતા ભૂતડાના લગ્નમાં નક્કી કરાયું હતું કે કોઈને અેઠું મૂકવા નહીં દેવાય. તેના માટે ચાર સ્તરે વ્યવસ્થા કરાઇ. આયોજન સ્થળે બોર્ડ લગાવ્યા હતા – “એટલું જ લો થાળીમાં કે બિલકુલ ન જાય નાળીમાં.’સૌથી મોટી એ વાત હતી કે તેમ છતાં જે એઠું મૂકી રહ્યા હતા તેમના નામ સ્ટેજ પર સૌની સામે જાહેર કરાયા. અસર એ થઈ કે નહીંવત પ્રમાણમાં ભોજનનો વેડફાટ થયો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો