રિક્ષાચાલકની પત્નીને સમયસર સારવાર ન મળતા 8 વર્ષ પહેલાં દર્દીઓ માટે શરૂ કરી ‘ઇમરજન્સી ફ્રી સેવા’

વડોદરાના રિક્ષાચાલક અતુલભાઇ ઠક્કર છેલ્લા 8 વર્ષથી શહેરમાં ‘ઇમરજન્સી ફ્રી સેવા’ ચલાવે છે. રાત્રે 11 વાગ્યાથી લઇને સવારે 5 વાગ્યા સુધી દર્દીને હોસ્પિટલ લઇ જવા માટે તેઓ ફ્રી સેવા આપે છે. 8 વર્ષ પહેલાં અતુલભાઇના પત્ની પ્રિતીબેનને સમયસર 108 એમ્બ્યુલન્સ કે રીક્ષા ન મળતા સારવાર પણ સમયસર મળી શકી ન હતી. જોકે આજે તેમના પત્નીનું હાર્ટ માત્ર 35 ટકા જ ચાલે છે. જેથી દરેક વ્યક્તિને સમયસર સારવાર મળે તે માટે પોતાની રિક્ષામાં રાત્રી દરમિયાન ફ્રી સેવા આપવાનું અતુલભાઇએ શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં 300 જેટલા લોકો ઇમરજન્સી ફ્રી સેવાનો લાભ લઇ ચૂક્યા છે.

અતુલભાઇના પત્નીને ન મળી સમયસર સારવાર

હાલ વડોદરાના અક્ષરચોક પાસે આવેલી અક્ષર રેસિડેન્સીમાં રહેતા અતુલભાઇ ઠક્કર 8 વર્ષ પહેલાં વાડી વિસ્તારમાં રહેતા હતા. 18 જાન્યુઆરી, 2011ના રોજ તેમના પત્ની પ્રિતીબેનને અચાનક બિમાર થઇ ગયા હતા. આ સમયે તેમની રિક્ષામાં પંચર પડ્યું હતું. અને 108 એમ્બ્યુલન્સ પણ દૂર હોવાથી પહોંચતા વાર લાગે તેમ હતી. જેથી અતુલભાઇ રિક્ષા શોધવા માટે એક કિ.મી. સુધી દોડ્યા હતા. છેવટે એક રિક્ષા મળતા અતુલભાઇ પત્નીને હોસ્પિટલ પહોંચાડવા માટે કરગર્યા હતા. છેવટે રિક્ષાચાલક 100 રૂપિયામાં હોસ્પિટલ આવવા માટે તૈયાર થયો હતો. જેથી રિક્ષામાં બેસાડીને પત્ની પ્રિતીબેનને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તેમની પત્નીને 3 દિવસ આઇસીયુમાં રાખવા પડ્યા હતા. સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતા પત્નીને યોગ્ય સારવાર મળી શકી ન હતી. જેથી તેમની પત્ની હ્રદય આજે પણ માત્ર 35 ટકા જ ચાલે છે.

અતુલભાઇ ઠક્કર અને તેમના પત્ની પ્રિતિબેન

લોકોને તકલીફ ન પડે તે માટે શરૂ કરી સેવા

અતુલભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, મારી પત્નીને સમયસર સારવાર મળી નહોતી, પરંતુ ભગવાને મારી પત્નીને બચાવી લીધી હતી. મને થયું કે, મારી પાસે રિક્ષા અને પૈસા હોવા છતાં મને આટલી મુશ્કેલી પડી તો જેની પાસે પૈસા અને વાહન નથી તેઓને ખુબ જ મુશ્કેલી પડતી હશે. જેથી મે મનોમન જરૂરીયાતમંદ લોકો માટે ફ્રી ઇમરજન્સી સેવા શરૂ કરવાનું નક્કી કર્યું હતું. મે મારી માતા સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો અને તેઓએ તુરંત હા પાડી દીધી હતી. મે 15 ફેબ્રુઆરી, 2011ના રોજ મારા જન્મદિવસે જ આ સેવા શરૂ કરી હતી. અને અત્યાર સુધી અનેક પ્રેગનન્ટ મહિલાઓ સહિત 300 લોકો લાભ લઇ ચૂક્યા છે.

આ કામ કરવુ મને ખુબ જ ગમે છે

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હું દિવસે સ્કૂલ વર્ધીમાં રિક્ષા ચલાવુ છું. અને રાત્રીના સમયે કોલ આવે ત્યારે લોકોની સેવા કરવામાં સમય વિતાવુ છું. આ કામ કરવુ મને ખુબ જ ગમે છે. અડધી રાત્રે પણ ફોન ઉઠાવીને અતુલભાઇ લોકોની સેવા કરે છે. લોકોને લોહી મળે તે માટે 5 મિત્રોનું ગૃપ પણ બનાવ્યું છે, જે નિયમિત બ્લડ ડોનેટ કરે છે

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો