ગુજરાતની ‘તૂફાન’ લેડી: 51 વર્ષની આ મહિલાને તુફાન ચલાવતા જોઇ આશ્ચર્ય પામે છે મુસાફરો

ગાંઘીનગરમાં રહેતા 51 વર્ષના દક્ષાબેન ગઢવી, છેલ્લા 25 વર્ષથી પબ્લિક ટ્રાન્સપોર્ટના આ ફિલ્ડમાં છે. દક્ષાબેન જ્યારે તુફાન જીપ લઈને હાઇવે પર નીકળે છે ત્યારે સગી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ પડે છે. તેમને તમે ગુજરાતની પહેલી મહિલા રિક્ષા ડ્રાઇવર પણ કહી શકો છો. આજે આટલી ઉંમરે પણ અમદાવાદથી ગાંધીનગર દરરોજ દિવસના ઓછામાં ઓછા બે ફેરા આરામથી કરી લે છે. માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર સુધી પણ વર્ધીઓ કરી ચૂક્યા છે. તેમને તુફાન જેવા પેસેન્જર વ્હિકલ ચલાવતા જોઇને લોકો કહે છે કે આ મહિલા ખરેખર એક ‘તુફાન’ છે.

વર્ષ 1991-92માં તેમણે સૌથી પહેલા રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું, ત્યાર પછી મેટાડોર ચલાવી અને વર્ષ 2003 થી અત્યાર સુધી તુફાન જીપ ચલાવી રહ્યાં છે. શરૂઆતના 13 વર્ષ તેમણે સ્કૂલ રિક્ષા ચલાવી અને છેલ્લે જ્યારે રિક્ષા છોડી ત્યારે તેમની પાસે 4 વાન, 2 રિક્ષા અને એક મેટાડોર હતી. સમય જતા આ બધા વાહનો વેચી દીધા અને આજે એક તુફાન જીપ ચલાવી રહ્યાં છે. સલવાર-કમીઝમાં અને દુપટ્ટાને એક સાઇડથી વ્યવસ્થિત રીતે ગાંઠ મારીને દક્ષાબેન જ્યારે તુફાનની ડ્રાઇવર શીટ પર બેસે છે ત્યારે માનવું મુશ્કેલ થઈ જાય છે કે 51 વર્ષની કોઇ મહિલા આ પેસેન્જર વાહન દરરોજ ચલાવતી હશે.

25 એપ્રિલ, 1968ના રોજ ભાવનગરમાં દક્ષાબેનનો જન્મ થયો. બાળપણ તેમનું ગાંધીનગરમાં પસાર થયું. તે સમયે તેમના પિતા મનુભાઈ ગઢવી ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતા હતા. ગાંધીનગરની સરકારી કૉલેજમાંથી તેમણે કૉમર્સ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે પણ કોઇ કારણસર છેલ્લી પરિક્ષા આપી નથી શક્યા. વાહન ચલાવવાના શોખ વીશે કહે છે કે, “હું નાની હતી ત્યારે મને વાપરવાના જે પૈસા મળતા તેનાથી હું સાઇકલ ભાડે લેતી અને ચલાવતી. એક સમયે પપ્પાની ગેરહાજરીમાં તેમનું સ્કૂટર ચલાવી લીધું ત્યારે કદાચ ચિંતામાં પપ્પાએ કહી દીધેલું કે, આજથી તારે મારું સ્કૂટર અડવાનું નહીં. આ વાત ત્યારે મને લાગી આવી કે મારું સ્કૂટર એટલે શું? શું હું તમારી દીકરી નથી? અને મે નક્કી કર્યું કે હવે હું વાહન ત્યારે જ હાથમાં લઇશ જ્યારે મારું પોતાનું હશે અને મારા ઘરે ગાડીઓની લાઇન કરીશ.”

વર્ષ 1990માં ગિરીશભાઇ ગઢવી સાથે દક્ષાબેનના લગ્ન થયા. લગ્નબાદ તેમના પતિએ ગાંધીનગરમાં પોતાનું એક નાનકડું ગેરેજ શરુ કર્યું. આ ફિલ્ડમાં તેમની એન્ટ્રી એ ગેરેજમાંથી જ થઇ. પતિ ગેરેજમાં ટૂવ્હિલર રિપૈર કરતા અને ધોવા માટે ઘરે આપી જતા. દક્ષાબેન એ વાહન ધોઇને જે તે ગ્રાહકના ઘરે આપવા જતા અને આ રીતે તેમણે ટૂ-વ્હિલર ચલાવતા શિખ્યું. પતિ વિશે કહે છે કે, “મને સૌથી વધારે સપોર્ટ મારા પતિનો મળ્યો છે, રાત્રિના સમયે પણ જ્યારે લાંબા રુટની વર્ધીમાં જવાનું થતું ત્યારે તેમનો સાથ-સહકાર જ મારા માટે આત્મવિશ્વાસ બનતો. તેમણે મને બેઝિક મિકેનિકલ કામ પણ શીખવાડ્યું જેથી વાહનનું નાનું-મોટું રિપેરિંગ કામ પણ જાતે કરી શકું છું.” વર્ષ 2011માં તેમના પતિનું દુખઃદ અવસાન થયું. આજે તેમને 24 વર્ષનો એક દિકરો છે, જેનું નામ છે વનરાજ ગઢવી. તેણે પેટ્રોલિયમમાં બી-ટેક કર્યું છે અને હાલ અન્ય એક ફિલ્ડમાં માસ્ટર કરી રહ્યો છે. દિકરાના અભ્યાસ માટે દક્ષાબેન આજે પણ આટલી સખત મહેનત કરી રહ્યાં છે અને એક મા સાથે એક પિતાની પણ ભૂમિકા ભજવી રહ્યાં છે.

પોતાના મમ્મી વિશે વાત કરતા વનરાજ ગર્વભેર કહે છે, “મને આજે પણ યાદ છે એ બધુ, જ્યારે જૂનિઅર કે.જીમાં મારું એડમિશન લેવા માટે અમે ગયા. સ્કૂલના આચાર્ય સાથે બધી વાતચીત કરી. મમ્મીએ જ્યારે કહ્યું કે હું રિક્ષા ચલાવું છું, ત્યારે આચાર્યએ એડમિશન આપવાનો ઇનકાર કરતાં કહી દીધેલું કે તમે તો રિક્ષા ચલાવો છો, દીકરાની ફી કેવી રીતે ભરશો? ત્યારે મમ્મીએ તે આચાર્યના પગાર સામે પોતાની આવકનો આંકડો દર્શાવતા કહેલું કે તમારાથી ત્રણ ગણી મારી ઇન્કમ છે, તમે ફીની સહેજ પણ ચિંતા ન કરો, સ્કૂલમાં બાકી તમામ સ્ટૂડન્ટ કરતા મારા દીકરાની ફી સૌથી પહેલા ભરાઇ જશે. તે સમયે અમે ભાડાના મકાનમાં રહેતા. ઘરમાં કોઇ સાચવવાવાળું નહોંતુ એટલે મમ્મી મને તેમની સાથે રિક્ષામાં લઇ જતા. આગળ ડ્રાઇવરની સિટમાં મને ખોળામાં બેસાડતાં, નાસ્તો કરાવતાં, સાચવતાં, રમાડતાં. આજના સમયે જ્યારે નૌકરી કરતી મહિલાઓ પાસે એટલો સમય નથી હોતો કે તેમના સંતાનને સાચવી શકે એટલે ડે-કેરમાં મૂકી શકે છે. તેમનું બાળક ડે કેર શાળાઓમાં જ મોટું થાય છે, તે સમયે તો એવી કોઇ વ્યવસ્થા જ નહોંતી.”

આગળ વાત કરતા વનરાજ કહે છે, “મારા મમ્મી હંમેશા એવું વિચારે છે કે મારે કઇંક અલગ કરવું છે અને મારો દીકરો પણ કઇંક અલગ જ કરે. મમ્મી-પપ્પા બન્ને ગુજરાતી માધ્યમમાં ભણ્યા પણ મને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યો કે જેથી હું ખૂબ આગળ વધી શકું અને ઉચ્ચત્તર અભ્યાસ કરી શકું. જ્યારે હું બી-ટેક કરી રહ્યો હતો ત્યારે એક રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવા માટે મારે દુબઇ જવું પડે એમ હતું. તે વખતે મમ્મીએ તેમના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને મને આપ્યા ત્યારે માત્ર દોઢ હજાર તેમના ખાતામાં બાકી રહ્યાં હતા. મમ્મી કહેતા કે તારું ભણતર અત્યારે મહત્વનું છે, તું નિશ્ચિંત થઇને જા અને પેપર પ્રેઝન્ટ કર. આજે માસ્ટરના અભ્યાસની સાથે-સાથે હું શહેરના પ્રખ્યાત રેડિઓ સ્ટેશનમાં વોઇસ ઓવર પણ આપી રહ્યો છું. 10થી વધુ એડવર્ટાઇસમાં પણ મારો વોઇસ અનેક રેડિઓ સ્ટેશનના શ્રોતાઓ સાંભળી રહ્યાં છે. આજે હું જે કઇ પણ છું તે મારી મમ્મીના કારણે જ છું. મારા માટે જે કઇ પણ કહો તે એક માત્ર મારા મમ્મી જ છે અને તેમને જ હું મારા ભગવાન માનું છું. તે જ મારા માટે સૌથી મોટી પ્રેરણા છે.”

જિંદગીના અત્યાર સુધીના પોતાના સંઘર્ષને યાદ કરતા દક્ષા બહેન કહે છે, “જ્યારે મેં સૌથી પહેલા રિક્ષા ખરીદવાનું વિચાર્યું અને ઘરમાંથી ગલ્લા સહિતના રૂપિયા ભેગા કર્યા ત્યારે મારી પાસે માત્ર 500 રૂપિયા હતા. 5 એક હજાર મેં મારા સસરા પાસે માંગ્યા તે પણ ખાસ્સી રકઝક કર્યા પછી મને મળ્યા. સસરા અને પપ્પા બન્ને મારા આ કામથી ખુશ તો નહોતા જ. કહેતા કે એક ગઢવીની દીકરી થઈને તું આવું કામ કરીશ? પણ સ્કૂલ રિક્ષા ચલાવવી કે ગાડી ચલાવવી એમા હું કશું ખોટું માનતી નથી, એક મહિલા તરીકે તો આ ગર્વ લેવા જેવી બાબત છે. શરૂઆતમાં તો મારા સમાજમાં પણ આનો ખાસ્સો વિરોધ થતો, પણ આજે મારો સમાજ મારા પર ખૂબ ગર્વ અનુભવે છે, ઘણી જગ્યાએ મારું સન્માન પણ કરે છે. જોકે એક સમયનો મારો એ શોખ આજે મારી જરૂરિયાત બની ગયો છે.”

પોતાનો જીવનસાથી ભલે આજે આ દુનિયામાં હાજર નથી, પણ તેમની યાદગીરી રૂપે આજે પણ દક્ષાબેન માથે ચાંદલો જરૂર લગાડે છે. તે કહે છે, “આ ચાંદલો મારા પતિને ખૂબ ગમતો. આપણાં સમાજમાં મહિલાઓ પતિના અવસાન બાદ ચાંદલો અને અન્ય શણગારનો ત્યાગ કરતી હોય છે, પણ હું આ ચાંદલો માત્ર એટલા માટે લગાડું છું કે તેને જોઇને આજે પણ મને મારા પતિ મારી સાથે હોય તેવો એહસાસ થયા કરે છે. આ ક્ષેત્રમાં એકલી મહિલા માટે સુરક્ષિત રહેવું ખૂબ મૂશ્કેલ છે. કેટલાક પુરુષ ડ્રાઇવર મદદ કરવાની જગ્યાએ ખરાબ કમેન્ટ્સ પાસ કરતા હોય છે, પુરુષ બહુમતીનો દુરૂપયોગ કરતા હોય છે. એક મહિલા તરીકે તેમની સામે ઢીલા પોચા રહેવું ન પોષાય. ઘરમાં મારો ચહેરો અલગ હોય છે, બહાર ગાડીમાં મારો ચહેરો અલગ હોય છે. આટલી ઉંમરે પણ હું મારી આત્મસુરક્ષા માટે સક્ષમ છું.”

વાચક મિત્રો, દક્ષાબેન આજની એ મહિલાઓ માટે પ્રેરણા છે જે પોતાની જિંદગીના સંઘર્ષથી હાર માની લે છે અથવા એમ કહો કે નાસીપાસ થઇને ન ભરવા જેવા પગલાં ભરી લેતી હોય છે. એ મહિલાઓને દક્ષાબેન એક મેસેજ આપવા માંગે છે અને કહે છે, “ઘણી મહિલાઓ મને મળે છે અને કહે છે કે અમારે પણ તમારી જેમ પગભર થાવું છે. તે મહિલાઓએ બહાર નીકળવું જોઇએ, ઘરમાં જ સંકોચાઇને ન રહેવું જોઇએ. જેમ પુરુષ સ્વતંત્ર થઇને હરી-ફરી શકે છે તેમ તમારે પણ સ્વતંત્ર થઇને હરતાં-ફરતાં શીખવું જોઇએ. ઢીલા-પોચા રહેશો તો બધા જ તમને અને તમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશે. તમારા હક અને અધિકાર માટે, એક મહિલા એટલે આવી જ હોય, તેવી માનસિક્તાને તમારે તોડવી પડશે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો