પોરબંદરમાં રાદડિયા પરિવારની ટિકિટ નક્કી! વિઠ્ઠલભાઇ નહીં લડે, શિષ્ય વસોયા લડશે તો ગુરૂના પત્નીને ટિકિટ

ભાજપે ગુજરાતમાં મોટાભાગના સાંસદને રિપિટ ટિકિટ આપી દીધી છે ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, પોરબંદરમાં કોને ટિકિટ આપશે તેનું કોકડુ ગુચવાયું છે. પોરબંદરમાં રાદડિયા પરિવારને જ ટિકિટ જોઇએ છે તેવો આગ્રહ જોવા મળી રહ્યો છે. રાદડિયા પરિવારમાંથી કોઇ એકને ટિકિટ મળશે તે વાત પણ નક્કી જ છે. વર્તમાન સાંસદ વિઠ્ઠલ રાદડિયાની નાદુરસ્ત તબિયતને લીધે ચૂંટણી લડી શકે તેમ નથી ત્યારે એક સમયે આ બેઠક પર મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને લડાવાની વાત હતી. પરંતુ જયેશભાઇ મંત્રી હોવાથી હવે સાંસદ બનવા માંગતા નથી તેવું જાણવા મળે છે. તેના ભાઇ લલિત રાદડિયાને લડાવાની વાત આવી હતી પરંતુ હાલ સુત્રોએ જણાવ્યું હતું કે આ સીટ પરથી રાદડિયા પરિવારની ટિકિટ નિશ્ચિત મનાઇ રહી છે. હવે વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેન રાદડિયાને ટિકિટ આપવામાં આવે તો નવાઇ નહીં.

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે

વિઠ્ઠલ રાદડિયાના પત્ની ચેતનાબેન રાદડિયા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યાં છે. પોરબંદર સીટ પાટીદારનો ગઢ છે. વિઠ્ઠલભાઇએ દબંગ નેતાગીરીથી કરેલા કામો પણ સ્થાનિકો બિરદાવી રહ્યાં છે તે સિવાય ગોંડલ, ઉપલેટા અને જેતપુરનો અમુક ભાગ પોરબંદર લોકસભામાં જાય છે. જેને લઇ વિઠ્ઠલભાઇ રાદડિયાના પુત્ર ભાજપના મંત્રી એવા જયેશ રાદડિયાની છાપનો લાભ મળશે. કોંગ્રેસ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને ઉતારવા માંગે છે. જો કે તેને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. એક સમયે વિઠ્ઠલભાઇના શિષ્ય રહી ચૂકેલા પાટીદાર નેતા લડશે એટલે સામે પાટીદારને ટિકિટ આપવી જ પડે તેવું છે. જેમાં વસોયાના ગુરૂ એટલે કે વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેનની ટિકિટ નિશ્ચિત મનાઇ રહી હોવાનું સુત્રો કહી રહ્યા છે.

જ્ઞાતિના ગણિતમાં પાટીદારો વધારે:

પોરબંદર પાટીદારોનો ગઢ છે જેમાં કુલ વોટર 16,49,610 અને તેમાં પટેલ 4,23,137, કોળી 1,53,500, દલિત 1,49,335 અને આહિર 1,03,462 મતો છે. સૌથી વધુ પાટીદારોના મતો છે, અહીંથી બન્ને ઉમેદવાર પાટીદાર લડે તો પટેલ સમાજના મતોનું વિભાજન થાય. જો કે સાત ટર્મ સુધી ભાજપ જીતી છે અને બે જ ટર્મ કોંગ્રેસ પાસે ગઇ હતી.

રેશ્મા પટેલ પણ લડશે, ભાજપ-કોંગ્રેસને નુકશાન કરી શકે છે:

રેશ્મા પટેલે ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ જાહેરાત કરી છે કે કોઇ ટિકિટ નહીં આપે તો હું અપક્ષમાંથી પોરબંદર બેઠક લડીશ. જો રેશ્મા લડે તો બન્ને પક્ષને નાનુ મોટુ નુકશાન કરી શકે તેમ છે. ભાજપ વિરોધી પ્રચાર પણ કરે માટે અહીં ભાજપમાંથી મજબૂત દાવેદારી જરૂરી છે. બીજી તરફ કોરાટ પરિવારમાંથી જશુમતીબેન કોરાટે પણ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી છે. આ બેઠકને લઇ હાઇકમાન્ડ સુધી લાગતા વળગતાઓએ લોબિંગ પણ કર્યું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો