વિસનગરનું એક એવું ગામ જ્યાં એક વૃક્ષ કાપો તો સામે નવા 4 રોપવાનો છે નિયમ, હાલ ગામમાં 6300ની વસ્તી સામે છે 9700 વૃક્ષ.

વાત એવા ગામની જ્યાં વૃક્ષનું જતન જવાબદારી નહીં ગામનો વારસો છે. વિસનગર તાલુકાના તરભ ગામમાં અનોખી પરંપરાના કારણે પ્રત્યેક 2 વ્યક્તિ સામે 3 વૃક્ષો છે. 80 ટકા સાક્ષરતા ધરાવતાં તરભ ગામમાં 1500 મકાનમાં 6300 ની વસ્તી છે. તેની સામે વૃક્ષોની સંખ્યા 9700 જેટલી છે. ગામમાં એક પણ ખુલ્લી જગ્યા એવી નથી કે જ્યાં વૃક્ષ જોવા ન મળે.

કપાયેલા એક વૃક્ષ સામે નવા 4 વૃક્ષો ઉછેરાય

આ અંગે ગામના અગ્રણી સોમાજી કાનાજી કહે છે કે, ગ્રામજનોને વૃક્ષ પ્રેમ વારસામાં મળ્યો છે. અમે ક્યારેય વૃક્ષારોપણનું અભિયાન ચલાવ્યું નથી. નવાઇની વાત તો એ છે કે, ગ્રામમાં ક્યારેય બિનજરૂરી વૃક્ષ છેદન થતું નથી. જો કોઇ વૃક્ષ નડતરરૂપ હોય કે જોખમી હોય તો તેને જ કાપવામાં આવે છે. અને તેની સામે કપાયેલા એક વૃક્ષ સામે નવા 4 વૃક્ષો ઉછેરાય છે. ગામમાં માત્ર 200 મીટરનો પ્રવેશ રોડ પર એક વૃક્ષ નહોતું તેમાં પણ આ વર્ષે વૃક્ષારોપણ કરાયું છે. ગામના વડીલો દ્વારા વારસામાં મળેલા આ વૃક્ષ પ્રેમના કારણે આસપાસના અન્ય ગામો કરતાં વધુ વરસાદ કુદરત આપે છે. એટલુ જ નહીં ઉનાળામાં ગામનું તાપમાન પણ નીચું રહે છે.

તરભ ગામ જ્યાં પ્રત્યેક વ્યક્તિ એકથી વધુ વૃક્ષ રોપે એવી વર્ષો જૂની પરંપરા

પિવાના પાણીની ખાલી બોટલો મુકી ભેજ જાળવાય છે 

ગામની ભૌગોલીક સ્થિતિ એવી છે કે, જમીનના ઉપરના સ્તરમાં ભેજનું પ્રમાણ ઝડપથી ઘટે છે. જેને લઇ નવા રોપાને ભેજ ન મળતાં તેને ઉછેરવામાં મુશ્કેલી પડે છે. આ પરિસ્થિતિ પર કાબુ મેળવવા સ્વામી ચરણગીરીજી વિદ્યાલયના પ્રિન્સીપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને એક ટેકનીક આપી છે. જે મુજબ વિદ્યાર્થીઓ આખા ગામમાંથી પિવાના પાણીની ખાલી બોટલો એકત્રીત કરી છે અને બોટલના સૌથી નીચેના ભાગે નાનું કાણું પાડી તેમાં પાણી ભરી રોપાના થડ જોડે મુકી દેતા હોય છે. જેને લઇ પાણીની બચત સાથે આખો દિવસ જમીનમાં ભેજ જળવાઇ રહે છે.

અહેવાલ – ચિંતેશ વ્યાસ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો